| | |

આયુર્વેદ-હોમિયોપેથિક પદ્ધતિ હેઠળ "આયુષ" નો ૧.૬૪ લાખથી વધુ લોકોને મળ્યો લાભ

જામનગર જિલ્લો આયુર્વેદ ચિકિત્સામાં ગુજરાતમાં મોખરે ગણાય છે. વળી કોરોનાવાયરસની મહામારી સામે આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળા, સંશમનીવટી વગેરેનો ઉપયોગ કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા કોવિડ-૧૯ના નિયંત્રણ માટે જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના નિયંત્રણ હેઠળના ૮ આયુર્વેદ તેમજ ૪ હોમિયોપેથી દવાખાના અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-જોડિયા દ્વારા લોકોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારી આ સંક્રામક બીમારી સામે લડત કરવા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં આયુર્વેદ શાખા દ્વારા કુલ ૧,૬૪,૬૮૩ લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ ઘરેલુ ઉકાળાનો લાભ આપવામાં આવ્યો હતો. ૨૯૩૪ લોકોને સંશમનીવટી દવા તેમજ ૫૬ શાળા/ આંગણવાડીની મુલાકાત લઇ કુલ ૫૧૩૮ લોકોને દવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લામાં જનજાગૃતિ અંતર્ગત કુલ ૨૮૧૧૭ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે,હોમ ક્વોરેંટાઇન તેમજ ક્વોરેંટાઇન સેન્ટરમાં કુલ ૧૮૦૯ લાભાર્થીઓને આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવેલ છે. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ૩૦ પોટેન્સીનો જામનગરના કુલ ૪૯,૦૦૧ લોકોને લાભ મળેલ છે.

જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરની કચેરી દ્વારા જામનગરના ક્વોરેન્ટાઇન સેન્ટર સમરસ હોસ્ટેલ, ઠેબા ચોકડી-જામનગર તેમજ લાખાબાવળના સેવન સીઝન રિસોર્ટ સેન્ટરમાં પ્રારંભથી જ એક આયુર્વેદિક તેમજ એક હોમિયોપેથીક ડોક્ટરની ટીમ સતત કાર્યરત રાખવામાં આવેલ છે. આયુર્વેદ શાખા દ્વારા જામનગર મહાનગર પાલિકાને અંદાજે ૫૦૦ કિલોગ્રામ આયુર્વેદ ઔષધના ઉકાળા તેમજ પ્રક્ષેપ દ્રવ્યો પૂરા પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર પરથી આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથીક દવા- આર્સેનિકઆલબમ ૩૦ પોટેન્સીનું પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ધ્રોલ નગરપાલિકા, મોટાઈંટાળા તેમજ સુમરાના મેડિકલ ઓફિસરશ્રી આયુર્વેદિક દવાખાના ૨,૦૦,૦૦૦ના મળેલ અનુદાન થકી ધ્રોલ શહેરમાં ૮૦૦૦ ઘરોમાં ડોર-ટુ-ડોર ડ્રાયઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.

વળી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ હાપા-જામનગર અને મોટાઈંટાળા સરકારી આયુર્વેદ દવાખાનાના સહયોગથી હાપા માર્કેટિંગ યાર્ડમાં કુલ ૬૮૦૧ લાભાર્થીઓને લિક્વિડ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું જેનો સંપૂર્ણ ખર્ચ એ.પી.એમ.સી. જામનગર દ્વારા આપવામાં આવેલ હતો. ધ્રોલ નગરપાલિકાના સહયોગથી મોટાઈંટાળા સરકારી આયુર્વેદ દવાખાનાના મેડીકલ ઓફિસર દ્વારા ૨૧ મેના રોજ ધ્રોલ તાલુકામાં ભારત સરકારની નવી ગાઇડલાઇન મુજબ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની ૧૦,૦૦૦ પત્રિકાનું વિતરણ તેમજ અલગ અલગ જગ્યાએ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચારોના પ્રચાર-પ્રસાર માટે ૧૦*૧૦ના બેનર લગાવવામાં આવેલ છે.

જામનગર જિલ્લામાં લોકો સતત આયુષ મંત્રાલયના સૂચનોને અનુસરીને આ મહામારીમાં સ્વસ્થ જીવન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમાં આયુર્વેદ શાખાના માર્ગદર્શન થકી જામનગરની જનતાને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit