જામનગર તા. ૨૬ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા સરકારી જી.જી.હોસ્પિટલ તેમજ શહેરના જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓની વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે, દરમિયાન હવે જામનગર શહેરના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ખાનગી તબીબો અને તેમના પેરામેડિકલ સ્ટાફ સહિત ૩૦૦થી વધુ લોકોનું ગુરૃવારે કોરોના વેક્સિનેશન થશે અને સુમેર સ્પોર્ટસ ક્લબમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સરકારી આરોગ્ય કર્મચારીઓની વેક્સિનેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, અને સપ્તાહમાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર-ગુરૃવાર અને શનિવારે જુદા-જુદા અર્બન હેલ્થ સેન્ટર તેમજ જી.જી.હોસ્પિટલમાં વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના હવે બીજા તબક્કાના ખાનગી તબીબોને પણ વેક્સીનના ડોઝ આપવાની કાર્યવાહી આરંભાશે. આગામી ગુરૃવારે ૨૮મી તારીખે સુમેર સ્પોર્ટસ ક્લબમાં વેક્સિનેશન કાર્ય હાથ ધરાશે. જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ૩૦૦થી વધુ તબીબો અને તેમના પેરામેડિકલ સ્ટાફ કે જેઓનું અગાઉથી રજિસ્ટ્રેશન કરી લેવામાં આવ્યું છે. તેઓને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવશે. જે અંગેની જામનગર મહાનગર પાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.