| | |

ખેડૂતોની લોન વસુલાત માટે ઓટો કન્વર્ઝન કરોઃ ભારતીય કિસાન સંઘ

અમદાવાદ તા. ૨૨ઃ ભારતીય કિસાન સંઘે રૃપાણી સરકારને પત્ર લખીને રૃા. ત્રણ લાખ સુધીના કૃષિધિરાણોનું ઓટો કન્વર્ઝન કરવાની માંગણી કરી છે.

ભારતીય કિસાન સંઘે રૃપાણી સરકારને પત્ર લખીને રૃા. ત્રણ લાખ સુધીના કૃષિ ધિરાણોનું ઓટો કન્વર્ઝન કરવાની માંગણી કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ રાજ્યમાં ૨૫ લાખ ખેડૂતો નેશનલ અને સહકારી બેંકોમાંથી ખેતી માટે લોન મેળવે છે. આ લોન શૂન્ય ટકાના દરે મળતી હોવાથી તેના ભરપાઈ તા. ૩૧મી માર્ચ સુધી કરવી પડે, પરંતુ તા. ૨૫મી માર્ચથી લોકડાઉન લાગુ થઈ ગયુ અને થોડા દિવસો સુધી બેંકીંગ વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાજ્ય સરકારે તા. ૩૧મી મે સુધી મુદ્દત લંબાવી, પરંતુ લોકડાઉન પણ ૩૧મી મે સુધી લંબાયું છે.

હાલમાં ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પણ ખોરંભે પડી હતી, અને ગોકળગાયની ગતિથી ચાલુ થઈ છે, અને તેનું પેમેન્ટ પણ તત્કાળ થતું નથી. એરંડા અને ડુંગળી જેવી જણસીમાં ખેડૂતોને પહેલેથી જ ભારે નુકસાન ગયું છે. બટાકા, મસાલા પાકો અને શાકભાજીમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ઘણા સ્થળે ટેકાના ભાવે ખરીદીમાં ખેતપેદાશોને રિજેક્ટ કરવામાં આવતા પણ ખેડૂતોમાં ભારે આક્રોશ છે. લોન ભરવાની મુદ્દત ૩૦ જૂન-૨૦૨૦ સુધી લંબાવવાની વિચારણા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે.

આ સંજોગોામાં સંઘ સમર્થિત ભારતીય કિસાન સંઘે પણ રૃા. ત્રણ લાખ સુધીના કૃષિ ધિરાણનું ઓટો કન્વર્ઝન કરવાની માંગણી ઉઠાવી છે. હવે રૃપાણી સરકાર આ અંગે શું નિર્ણય કરે છે, તે જોવાનું રહે છે.

એક તરફ રાજકોટમાં કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાને માર માર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ સોમવારથી કોંગ્રેસ રાજ્યભરમાંથી આવેદનપત્રો દ્વારા લોકડાઉનના પીરિયડ માટે લોકોના  વીજળીબીલ, કરવેરા અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ૬ મહિનાની ફી માફ કરવાની રજુઆતો કરવાની હોવાના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ભારતીય કિસાન સંઘે પણ સરકાર સામે બાયો ચડાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit