દેશની આર્થિક સ્થિતિ કથળી રહે છે અને ચોતરફ મોંઘવારી આસમાને...

ગરીબ-આમ પ્રજાને જીવનનિર્વાહ માટે મુશ્કેલીભર્યો સમય ચાલી રહ્યો છે

જામનગર તા. ૧પઃ ભારતના અર્થતંત્રને પણ વિશ્વના અન્ય અનેક દેશોની જેમ ભારે ગંભીર અસર કોરોનાના કારણે થઈ રહી છે, જો કે ભારતમાં તો નોટબંધી, જીએસટી વગેરેના કારણે પણ દેશની આર્થિક સ્થિતિ બગડી જ ગઈ હોવાનું અર્થશાસ્ત્રીઓ જણાવે છે અને હવે તો અલગ-અલગ રેટીંગ એજન્સીઓ દ્વારા પણ ભારતની આર્થિક સ્થિતિ અંગે જે આંકડાઓ જાહેર કરી રહી છે તે અત્યંત ચિંતાજનક જણાય રહ્યા છે. ઔદ્યોગિક ઈન્ડેક્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જીડીપીના આંકડા નીચે ઉતરી ગયા છે અને કોરોનાએ તો દેશના અર્થતંત્રની રીતસર કેડ ભાંગી નાખી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

વેપાર-ધંધા-ઉદ્યોગો બબ્બે મહિના બંધ રહ્યા, બેરોજગારીની સમસ્યા વધુ વિકરાળ બની, મોંઘવારી તમામ ચીજવસ્તુઓમાં જોવા મળે છે. શિક્ષણકાર્ય સદંતર બંધ છે તેમાં વળી ગુજરાતમાં તો અતિવૃષ્ટિના કારણે ખેતીને પારાવાર નુક્સાન થયું છે. સરકાર કદાચ સહાય/રાહત આપે તો પણ નિષ્ફળ ગયેલો પાક કે ખેતપેદાશો-અનાજ-કઠોળ બજારમાં આવવાના નથી. આથી પરિસ્થિતિમાં હવે દરેક ચીજવસ્તુઓના ખાસ કરીને ખાદ્યતેલ સહિત ખાદ્યપદાર્થોના ભાવ વધી ગયા છે અને વધી રહ્યા છે.

સાવ સામાન્ય પરિવારને પણ અસર કરે તેવી જરૃરિયાતની વસ્તુઓમાં શાકભાજીના ભાવ છેલ્લા ૧૦-૧પ દિવસથી ખૂબ જ વધી ગયા છે. વધુ વરસાદ પડવાથી શાકભાજીના વાવેતરને પણ ભારે નુક્સાન થયું હોવાના કારણે શાકભાજીના ભાવ ડબલ-ત્રણગણા જેવા થઈ ગયા છે. પરિણામે દરેક ગરીબ-મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.

બટેકા, લીલા શાકભાજી, મરચા, ટમેટા જેવી રોજબરોજની શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે અને અનાજ-કઠોળ-તેલ વગેરેના ભાવ પણ ક્રમશઃ ધીમે ધીમે વધી ગયા હોય, ચારેતરફ મોંઘવારીની બૂમરાડ ઊઠવા પામી છે. એક તરફ હજી નાના-મોટા ધંધા કે ઉદ્યોગોની ગાડી બરાબર પાટે ચડી નથી. લોકોની ખર્ચ કરવાની શક્તિ નામશેષ થઈ ગઈ છે. સમગ્રપણે બજારમાં નાણાકીય પ્રવાહિતા પણ ઓછી થતી જાય છે. તેમાં મોંઘવારીનો માર શરૃ થતાં આમજનતા ભારે કફોડી હાલતનો અનુભવ કરી રહી છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નિયમિત પણે થોડા થોડા દિવસે કોઈને કોઈ ક્ષેત્રને આવરી લેતી રાહત-સહાય યોજના જાહેર કર્યા રાખે છે. તેની મોટી મોટી જાહેરાતો થાય છે, પણ આથી યોજનાઓની અમલવારીમાં કાયમની જેમ ઢીલાશ પ્રવર્તે છે તેમજ સાચા લાભાર્થીને તેને સંબંધિત યોજનાનો લાભ મળતો નથી અને સરકારી તંત્રોની અમલવારી પણ શંકાસ્પદ જ રહે છે. આમ સરકારના લોકોને મહત્તમ લાભ પહોંચાડવાનો હેતુ પણ માર્યો જાય છે અથવા યોજનાને જોઈએ તેટલી સફળતા નહીં મળવાના કારણે સમસ્યાઓ યથાવત્ જ રહે છે. આ ઉપરાંત સરકારે જે જે યોજનાઓ જાહેર કરી છે તેમાંથી મોટાભાગની યોજનાઓમાં લોન જ મળે છે અને આ લોન મેળવવા માટે પણ અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમાં ય રાજ્ય સરકારની લોન સહાય યોજનાઓમાં તો સરકારે સહકારી બેંકોનો જ સહારો લેવો પડ્યો હોવાથી લોન આપવા તથા મેળવવા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

આમ હાલ તો સમગ્ર રાજ્યની ગરીબ-મધ્યમ વર્ગો, ખેડૂતો, શ્રમિકો, નાના ધંધાર્થીઓ સહિતની પ્રજા મંદી, મોંઘવારી, બેરોજગારીથી ભયંકર પીડા અનુભવી રહી છે ત્યારે સરકારે કોરોના સામેની લડાઈને પ્રાધાન્ય આપવા સાથે રાજ્યના તમામ વર્ગને રાહત થાય તેવા પગલાં લેવાની જરૃર છે. જે યોજનાઓ જાહેર કરી છે તેની ઝડપથી અને પારદર્શક રીતે અમલવારી થાય તેવા આદેશો આપવાની જરૃર છે.

બાકી તો અર્થકારણના નિષ્ણાતોની બનેલી એજન્સીઓ જે રેટીંગ, જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમાં ભલે આમજનતા કે સામાન્ય લોકોને ખબર ન પડતી હોય, પણ જે રીતે મોંઘવારીએ હદ વટાવી દીધી છે અને પ્રજાના ખિસ્સાને સીધી અસર થઈ રહી હોવાની તો ખબર સૌને પડી જ ગઈ છે, અને આ સ્થિતિ જ રેટીંગ એજન્સીઓના આંકડાઓને પુષ્ટિ આપી રહ્યા છે. રાજ્ય/દેશની આમ કથળી ગયેલી અને વધુને વધુ કથળી રહેલી આર્થિક સ્થિતિને ઉગારવા માટે નક્કર અને પરિણામલક્ષી પગલાંની તાતિ જરૃર છે.

આશા રાખીએ કે સરકાર લોકોની સાચી સ્થિતિને પારખી લોકોને મહત્તમ રાહત પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે પગલાં લ્યે... બાકી તો રાહત પેકેજો કે નીતનવી યોજનાઓ માત્રને માત્ર જાહેરાતો જ બની રહે છે... અને પરિણામ સૌ ભોગવી રહ્યા છીએ.

close
Ank Bandh
close
PPE Kit