સીએએ-એનઆરસી મામલે આજે કોંગ્રેસે બોલાવી બેઠકઃ રણનીતિ ઘડાશે

નવી દિલ્હી તા. ૧૩ઃ સીએએ-એનઆરસી મામલે આજે કોંગ્રેસે વિપક્ષોની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સીએએ-એનઆરસી મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડાશે, જો કે મમતા, માયાવતી અને કેજરીવાલ જોડાવાના નથી.

દેશમાં થતો વિદ્યાર્થીઓનો વિરોધ, નાગરિક્તા કાયદો, એનઆરસી અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષની પાર્ટીઓએ સોમવારે ર વાગે બેઠક રાખી છે, જો કે આ બેઠકની જાહેરાત પછી મહાગઠબંધનની તિરાડ સામે આવી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બસપાના પ્રમુખ માયાવતી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. મમતા બેનરજીએ ગયા સપ્તાહે ટ્રેડ યુનિયનની સ્ટ્રાઈક દરમિયાન વામપંથી અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ વિપક્ષની બેઠકમાં સામેલ  નહીં થાય.

તેમણે કહ્યું હતું કે, મેં જ વિપક્ષને બેઠકનો વિચાર આપ્યો હતો. રાજ્યમાં જે થયું તેના કારણે હવે મારા માટે આ બેઠકમાં સામેલ થવું શક્ય નથી. સીએએ-એનઆરસી વિરૃદ્ધ સૌથી પહેલા આંદોલન મેં જ શરૃ કર્યું હતું. સીએએ-એનઆરસીના નામે વામપંથી અને કોંગ્રેસ જે કરી રહ્યા છે તેને આંદોલન ન કહી શકાય.

બીજી તરફ માયાવતીએ તાજેતરમાં જ રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ મહાસચિવ બાળકોને ગુમાવનાર માતાઓને મળવા કોટા નહીં જાય તો ઉત્તરપ્રદેશમાં પીડિત પરિવારો સાથેની તેમની મુલાકાતને રાજકીય હીત અને ડ્રામા જ માનવામાં આવશે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે નાગરિક્તા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.

જો કે, આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કડંગમ (ડીએમકે), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), સમાજવાદી પાર્ટી (એસપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે ર વાગે થનારી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે. બેઠકમાં મહત્ત્વનો મુદ્દો જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી (જેએનયુ), જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા છે. આ મામલે કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવી છે. આ કમિટીએ તેમનો રિપોર્ટ હાઈ કમાનને સોંપી દીધો છે.

સંશોધન નાગરિક્તા કાનૂનને લઈને થઈ રહેલા દેખાવો અને તેના કારણે વિવિધ યુનિવર્સિટીઓમાં ચાલી રહેલ હિંસાને ધ્યાને રાખી વિપક્ષોની એક બેઠક મળી રહી છે. સૂત્રોના કહેવા મુજબ આજે સમાન વિચારધારાવાળા પક્ષોની બેઠકમાં સીએએ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા થશે અને મોદી સરકારને આગામી બજેટ સત્ર દરમિયાન અને સંસદની બહાર ઘેરવા માટેની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં બસપા અને તૃણમુલ કોંગ્રેસ સામેલ નહીં થાય.

close
Ank Bandh 26 January
close
PPE Kit