કેમ ભારે પડે છે પ્રેમની હજારો ક્ષણ સામે ગુસ્સાની એકાદ ક્ષણ..?

'એક દિ' ગુસ્સામાં કંઈ બોલાય ગયુંઃ

રોજ એનો એ પછી પડઘો પડ્યો!'

- હિમલ પંડ્યા

કવિ શ્રી હિમલ પંડ્યાએ બાર શબ્દોમાં ગુસ્સાની ભયાનક્તા રજૂ કરી છે. હા... ગુસ્સો એકાદ ક્ષણનો હોય, પણ તેના પડઘા આજીવન પડ્યા કરે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સાંભળનારના દિલના ટૂકડે ટૂકડા કરી નાખે છે. ગુસ્સો ક્ષણિક જ હોય છે, પણ એ ક્ષણ દરમિયાન બોલાયેલા કે લખાયેલા શબ્દોની અસર લાંબા સમય સુધી જતી નથી. બોલનાર તો પછી એમ કહીને માફી માગી લે છે કે, 'ગુસ્સામાં બોલાય ગયું, સોરી', પણ સાંભળનાર કેવી રીતે માફ કરે? ગુસ્સાની ક્ષણ પસાર થઈ જાય પછી બોલનારને ખ્યાલ આવે છે કે, મારાથી વધારે બોલાય ગયું, પણ સાંભળનાર તો એ ક્ષણથી જ હતપ્રભ બની જાય છે. પછી ભલે ને વર્ષોનો સંબંધ હોય, પણ તે એકાદ ક્ષણનો ગુસ્સો તે સંબંધને તૂટવા માટેનું કારણ બની જતો હોય છે. પછી ગુસ્સો કરનાર સવાલ કરે છે કે મારો પ્રેમ, મારી લાગણી યાદ ન રાખી, અને ગુસ્સો યાદ રાખ્યો?

એક પ્રેમી યુગલ, બન્ને વચ્ચે અઢળક પ્રેમ, બન્ને એકબીજાની બધી વાત માને, પણ પ્રેમી થોડા ઉતાવળા સ્વભાવનો, પુરુષ સહજ અહ્મવાળો, તેને ગુસ્સો જલદી આવે, એક દિવસ તેણે અચાનક પ્રેમિકાને મેસેજ કર્યો, 'વીડિયો કોલ કર, તને જોવી છે'. સ્વાભાવિક રીતે આ પ્રેમ જ છે, પણ તેણે ઓર્ડરના રૃપમાં વાત કરી એ સમયે પ્રેમિકા માટે ઘરેથી વડિયો કોલ કરવાનું અનુકૂળ ન હતું, છતાં તેણે એકાદ મિનિટ વીડિયો કોલ કરીને ફોન કટ કર્યો, અને પ્રેમીનો મગજ છટક્યો, અડધી કલાક પછી પ્રેમિકાએ મોબાઈલ જોયો તો... એકસાથે પ૦ થી વધુ મેસેજ... બધા જ ગુસ્સાથી ભરપૂર... અને સાથે સાથે તેના નંબર પણ બ્લોક... પ્રેમીએ પ્રેમિકાને એવા એવા શબ્દોથી નવાજી કે પેલી તો આઘાતની મારી જડ જ થઈ ગઈ, અને આ કંઈ પહેલી વખતનું ન હતું, આવું તો કેટલીવાર બન્યું હતું. દર વખતે પ્રેમી ગુસ્સામાં ન કહેવાના શબ્દો કહી દે, અને પછી બીજા દિવસે 'સોરી' કહીને મનાવી લે. પ્રેમ ઘેલી, લાગણીથી છલોછલ પ્રેમિકા એમ વિચારીને જતું કરે કે મારા માટે પ્રેમ છે, હું નથી મળી શકતી એટલે ગુસ્સો કરે છે, પણ આ વખતે તેને સખત આઘાત લાગ્યો, પ્રેમીએ તો પોતાની ધૂનમાં બીજા દિવસે સોરી કહી દીધું,  પણ આ વખતે પ્રેમિકા તેનો ગુસ્સો, તેના લખાયેલા શબ્દો ભૂલી ન શકી. પ્રેમીએ એમ કહીને મનાવવાની કોશિશ કરી કે, 'એ તો ક્ષણિક ગુસ્સો હતો, બોલાય ગયું બાકી મારો એવો સંબંધ તોડવાનો કોઈ ઈરાદો ન હતો', પણ પ્રેમિકા ન માની શકી. અપમાનિત શબ્દો ન ભૂલી શકી, અને અત્યારે બન્નેનો સંબંધ એક નાજુક તાંતણાથી બંધાયેલો હોય તેવો છે. બન્ને વચ્ચે પ્રેમ એટલો કે પ્રેમિકા સંબંધ તોડી નથી શકતી, અને પોતાનું અપમાન ભૂલી નથી શકતી... તેની હાલત ડિપ્રેશનના લેવલ સુધી પહોંચેલ વ્યક્તિ જેવી થઈ ગઈ છે. હવે તે સાવ જડ થઈ ગઈ છે, પ્રેમીની કોઈ વાત તેને અસર કરતી નથી.

એક યુવાન... તેના માતા-પિતાનો એકનો એક દીકરો... માતા-પિતા તેની બધી ઈચ્છા પૂરી કરે, દીકરાને પણ આદત પડી ગઈ કે હું કહું તેમ જ થાય, હું માંગું એ મળે જ... અને એકવાર દીકરાએ માતા-પિતાની આર્થિક સ્થિતિથી ઉપર માંગણી કરી, વિદેશ ભણવા જવાની વાત કરી, માતા-પિતાની એટલી શક્તિ ન હતી કે તેને વિદેશ મોકલી શકે, તેમણે દીકરાને સમજાવ્યો, પણ દીકરો ન માન્યો. ગુસ્સામાં બોલી ગયો કે, 'તમે આજ સુધી મારા માટે શું કર્યું છે? તમે જીવનમાં કંઈ કરી જ નથી શક્યા' અને તેના પિતા આઘાત પચાવી ન શક્યા, અને તેમણે આપઘાત કરી લીધો. શું દીકરાને ગુસ્સામાં આવું કહેવાનો હક્ક હતો? દીકરાને માતા-પિતાએ નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં તેની બધી માંગણી પૂરી કરી એ ખ્યાલ ન આવ્યો? ગુસ્સાના એકાદ ક્ષણને કારણે તે બધું ભૂલી ગયો?

કહેવાય છે કે, ગુસ્સો એ વ્યક્તિ પર જ આવે કે જે આપણા હોય, જેના માટે લાગણી હોય તેના પર જ ગુસ્સો આવે, પણ ના... આ વાત ખોટી છે. પ્રેમ-લાગણી હોય ત્યાં ગુસ્સો ન હોય, કદાચ ગુસ્સો હોય તો પણ કટૂવચન ન જ નીકળે. પોતાની વ્યક્તિ પર જ ગુસ્સો આવે એ વાત તો ગુસ્સો કર્યા પછી બધું પૂર્વવત કરવા માટેની સહજ કરામત છે.

'ક્ષણિક ગુસ્સો' શબ્દ પણ ગુસ્સો કરનારને છાવરવા માટે બનાવેલો શબ્દ છે. ગુસ્સો કરનાર મનની ભડાશ શબ્દો દ્વારા સામેના પર ઠાલવી દે, પછી કહી દે કે, 'એ તો ગુસ્સાામાં બોલાય ગયું, મારા મનમાં કંઈ નથી...' પણ ના... મારૃ માનવું છે કે પ્રેમમાં બોલાયેલા શબ્દો ક્યારેક ખોટા કે ક્યારેક અતિશયોક્તિવાળા હોઈ શકે, પણ ગુસ્સામાં બોલાયેલા શબ્દો ક્યારેય ખોટા ન હોય, ગુસ્સો આવે ત્યારે તો મનમાં હોય તે બધું જ બહાર આવી જાય છે. માણસના મનમાં શું છે? સામેવાળી વ્યક્તિ પોતાના માટે શું વિચારે છે? એ જાણવા માટે તેણે આપેલી પ્રેમની હજારો ક્ષણોને બદલે ગુસ્સાની એકાદ ક્ષણ જ કાફી હોય છે. પ્રેમની ક્ષણોમાં પ્રેમિકાને 'રાધા'ના નામથી સંબોધનાર પ્રેમી, ગુસ્સા વખતે તેને 'હલકટ' કે 'થર્ડક્લાસ સ્ત્રી' કહે તો તે પ્રેમીકા શું વિચારે? ક્યો શબ્દ સાચો? તેના માટે ક્યું સંબોધન સાચું?

પ્રેમ શાશ્વત છે, ક્યારેય મરતો નથી, એકવાર પ્રેમ થયા પછી કદાચ બન્ને વચ્ચે સંબંધ ન રહે તો પણ બન્નેના દિલમાં પ્રેમ તો જીવતો જ રહે છે. દિલના કોઈ ખૂણે તે છૂપાયેલો હોય જ છે, એકવાર પ્રેમ થયા પછી તેનાથી દૂર જવું શક્ય જ નથી. લોકો ખોટું કહે છે કે, 'હવે તારે અને મારે કોઈ સંબંધ નથી'. ખરેખર તો એકવાર દિલથી જોડાયા પછી અલગ થઈ શકાતું જ નથી. ક્યાંક મીઠી યાદ બનીને, તો ક્યાંક મનનો ખટકો બનીને પ્રેમ તો રહે જ છે, પણ પછી પ્રેમની તીવ્રતા ઘટી જાય છે, જ્યારે જ્યારે મનમાં પ્રેમ ઉમટે, ત્યારે ત્યારે તેના માટે ગુસ્સામાં બોલાયેલા શબ્દો પણ મનની સપાટી પર ઉમટે જ, અને એ સમયે પ્રેમની હજારો ક્ષણો, ગુસ્સાની એક ક્ષણ સામે વામણી બની જાય છે. પ્રેમ પર ગુસ્સો હાવી થઈ જાય છે, અને પ્રેમ દિલના ખૂણામાં છૂપાઈને આંસુ સારી લે છે.

કહેવાનો મતલબ એમ નથી કે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય, એક વ્યક્તિ ગુસ્સામાં તડફડ કહી દે, એટલે સંબંધ તોડી નાખવો કે પ્રેમ ભૂલી જવો. પ્રેમમાં બધું જ જતું કરવાનું હોય, પ્રેમમાં નારાજગી કે નફરતને સ્થાન નથી. પ્રેમની ક્ષણો અમૂલ્ય છે, તેને સાચવી રાખવાની હોય છે. આજની દુનિયામાં સાચો પ્રેમ કોઈકને જ મળે છે, જો તમને મળ્યો હોય તો તેને સાચવી લેજો, સામેવાળી વ્યક્તિ ક્યારેક ગુસ્સામાં કંઈ બોલી જાય તો પણ જતું કરવું એ જ પ્રેમ છે. એ સાચું, પણ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે બોલાયેલા શબ્દો ભૂલાતા નથી, થપ્પડના નિશાન કદાચ મટી શકે, પણ શબ્દોના ઘા મટતા નથી. આ માત્ર પ્રેમ સંબંધની જ વાત નથી, દોસ્તીના સંબંધ, લોહીના સંબંધ, પાડોશી સાથેના સંબંધ તૂટવાનું કારણ મોટાભાગે ગુસ્સો જ હશે.

ગુસ્સા પછી પણ બન્ને વચ્ચે સંબંધ તો રહે જ છે, પણ એ તૂટીને સંધાયેલા કાચ જેવો... એક અદૃશ્ય તડ બન્ને વચ્ચે રહી જાય છે. મનની તમામ વાતો કહેલી વ્યક્તિ, પછીથી શબ્દો જોખીને બોલે છે. ક્યારે, કઈ વાત પર, સામેની વ્યક્તિને ગુસ્સો આવી જશે એ ડરથી સંકોચાઈને જીવે છે.

આવું ન થાય એ માટે ગુસ્સા પર કંટ્રોલ કરતા શીખો, બોલાયેલા શબ્દો પાછા નથી ખેંચી શકાતા, એ યાદ રાખીને બોલતા પહેલા વિચાર કરો. ક્યાંક એવું ન બને કે ગુસ્સાને કારણે પડેલી તડ સમય જતા ખીણ બની જાય, અને તમે એ પસાર ન કરી શકો. કોઈ અંગત વ્યક્તિ દૂર ચાલી જાય એ પહેલા જાતને સુધારી લો. તમારા શ્વાસ પણ સાંભળી શકે એટલી નજીકની વ્યક્તિ, તમારો સાદ પણ ન સંભાળી શકે એટલી દૂર જતી રહેશે તો પછી પાછી નહીં આવે. આવું ન થાય તે જોવો... કોઈ તમારા ગુસ્સાને કારણે નારાજ હોય તો મનાવી લો... પ્રેમ જીવતો હશે તો તે વ્યક્તિ તમને માફ કરી જ દેશે...

  • દિપા સોની-જામનગર


close
Ank Bandh 29 March
close
PPE Kit