ઓનલાઈન એજ્યુકેશનઃ મુસીબત ઓનલાઈન

ઓનલાઈન, ઓનલાઈન, ઓનલાઈન... આ ઈન્ટરનેટની માયાજાળે બધાને ઓનલાઈન કરાવી દીધા. ઓનલાઈન ખરીદીથી શરૃ થયેલી મળે સંબંધો પણ ઓનલાઈન કરાવી દીધા. લોકો એકબીજાને સામે જઈને મળવાને બદલે, વાત કરવાની બદલે ઓનલાઈન મળવા લાગ્યા, ચેટ કરવા લાગ્યા ત્યાં સુધી હજી સ્વીકાર્ય હતું, પણ એજ્યુકેશન ઓનલાઈન? આપણે ક્યારેય વિચાર પણ કર્યો હતો કે વિદ્યાર્થીઓ શિક્ષકો જ્યારે ક્લાસમાં એકસાથે પ૦ થી ૬૦ વિદ્યાર્થીઓને ભણાવે છે, ત્યારે શિક્ષકના હાવભાવ, તેમની સમજાવવાની પદ્ધતિ અને બ્લેકબોર્ડના ઉપયોગથી વિદ્યાર્થીઓ ઝડપથી સમજી શકે છે. શિક્ષક પણ સામે બેઠેલા વિદ્યાર્થીઓના ચહેરા પરથી સમજી શકે ે કે જે તે વિષય કે જે તે પેઈન્ટ તેમને સમજાયો કે નહીં? અને વિદ્યાર્થીના ચહેરા પર અસમંજસની રેખાઓ હોય તો શિક્ષક ફરી વખત પણ સમજાવે છે, પણ આ માત્ર ક્લાસરૃમમાં જ શક્ય છે. ઓનલાઈનમાં આ વસ્તુ શક્ય નથી. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અંતર હોય ત્યારે શિક્ષણ અઘરૃ બની જાય છે.

કોરોનાને કારણે દરેક સ્કૂલ-કોલેજમાં ઓનલાઈન શિક્ષણ શરૃ થયું છે, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓની એ ફરિયાદ છે કે સમજવામાં તકલીફ પડે છે, જ્યારે વાલીઓ માટે તો આ ઓનલાઈને માથાના દુઃખાવા જેવી પરિસ્થિતિ ઊભી કરી છે. બાળકોને પહેલા જ્યાં મોબાઈલ વાપરવાની ના પાડવામાં આવતી, ત્યાં અત્યારે સામેથી તેમને મોબાઈલ આપવો પડે છે. ઉપરાંત એકથી વધારે બાળકો હોય ત્યારે બન્નેને એકસમયે ભણવા માટે બે મોબાઈલની વ્યવસ્થા અઘરૃ પડે છે. ઉપરાંત નાના બાળકોને તો મમ્મી-પપ્પાના મોબાઈલ લઈને જ બેસવું પડે છે, તો તેટલો સમય મમ્મી-પપ્પા તો બંધાઈ જાય છે, વળી જો મમ્મી-પપ્પા બન્ને જોબ કરતા હોય તો તેમણે પણ અત્યારે વર્કફોમ હોમ હોય તો દરેક માટે મોબાઈલ પ્રાથમિક જરૃરિયાત થઈ જાય છે. તેવા સમયે બાળકો માટે મોબાઈલની વ્યવસ્થા ક્યાંથી કરવી એ સવાલ મુંઝવે છે. ઉપરાંત નેટ પ્રોબ્લેમ, કનેક્ટિવિટી પ્રોબ્લેમ થાય છે. નાના બાળકોને ઓનલાઈનમાં ન સમજાય તો તેને સમજાવવાની જવાબદારી મમ્મીની જ આવે છે. બીજી તકલીફ એ છે કે બધી મમ્મીને આ ઓનલાઈન ક્લાસરૃમમાં એડ થતા નથી આવડતું. ટેકનિકલ જ્ઞાન બધા પાસે હોય એ વિચાર વધારે પડતો છે. કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી કે પ્રાથમિક તાલીમ વગર વિદ્યાર્થીઓને ઓનલાઈન બેસાડી દીધા, તેથી વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીની સમસ્યા પણ વધી છે. મોટા બાળકો તો આ ક્લાસમાં એડજેસ્ટ થઈ જાય છે, પણ નાના બાળકોને ચાર કલાક મોબાઈલ લઈને બેસાડવા અઘરી વાત છે. નાના બાળકો ચાર-છ મહિના નહીં ભણે તો કઈ આફત આવી જશે? આટલી ચિંતા, આટલો ઉત્પાત શા માટે? સ્કૂલ તો તેમનું કામ ચાલુ રાખવા ભણાવવાનું વિચારે જ... પણ તેના વિશે શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓનો અભિપ્રાય શું છે? તે જાણવાનો પ્રયત્ન 'નોબત' વતી દિપાસોનીએ કર્યો... તો જાણો તેમના મંતવ્યો...

આ કોરોના મહામારીએ ઉદ્યોગ-ધંધા બંધ કરાવી દીધા છે. અત્યાર સુધી આપણે જોતા કે નાના બાળકો મોટા ભારવાળું દફ્તર ખભે ભરાવીને સ્કૂલે જતા હતાં પણ આજની આ સ્થિતિમાં આ વાત શક્ય નથી ત્યારે તેમને ઘરની અંદર રાખીને નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવતા, ભાર વગરનું ભણતર ન આપી શકાય? પહેલા આપણે બાળકોને મોબાઈલથી દૂર રાખતા પણ અત્યારે મોબાઈલ જ સૌથી વધુ ઉપયોગી બન્યો છે. હું એક શિક્ષક હોવાની સાથે એક માતા પણ છું. હું મારા વિચાર રજૂ કરૃ છું.

એક શિક્ષક તરીકે કહું તો આજની સ્થિતિમાં બાળકો સ્કૂલે નથી જઈ શકતા, ત્યારે મોબાઈલ મારફતે સ્કૂલ ઘરે આવી ગઈ છે, અને બાળકોનો વિના અવરોધે વિકાસ શક્ય બન્યો છે. સાથે સાથે બાળકો ઘરે ભણતા હોવાથી તેમના વાલીઓને પણ જાણ થાય કે બાળકો અભ્યાસમાં કેવા છે? એક શિક્ષક તરીકે કહીશ કે આ ટેકનોલોજીએ ગાગરમાં સાગરનો સમાવેશ કર્યો છે.

હવે એક માતા તરીકે કહીશ કે દરેક માતાને પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા હોય જ છે, અને આ સમયે બાળકોને સ્કૂલે મોકલવા હિતાવહ નથી, ત્યારે મારો દીકરો મારા નજરની સામે રહીને ભણે છે એટલે મને તેના સ્વાસ્થ્યની ચિંતા નથી. આ ઉપરાંત મને એ પણ જાણકારી મળી છે કે મારા દીકરાને ક્યા વિષયમાં વધારે રૃચિ છે અને ક્યા વિષય તેને ગમતા નથી જેના કારણે હું તેના પર ધ્યાન આપી શકુ છું. આ ટેકનોલોજીને કારણે માત્ર ચોક અને ડસ્ટરથી ભણતા બાળકોને કંઈક અલગ રીત મળી છે.

ઘણા વાલીઓ ઓનલાઈન એજ્યુકેશનનો વિરોધ કરે છે, તો તેમને એટલું જ પૂછવું છે કે વાલીઓ જ્યારે ઘરના કામમાં બીઝી હોય ત્યારે બાળકોને મોબાઈલ આપે જ છે, બાળકો નાનપણથી જ મોબાઈલથી રમે જ છે, તો પછી એક માત્ર ભણવા માટે વિરોધ શું કામ?

- હર્ષાબેન માલવિયા પ્રો. એસ.વી.ઈ.ટી. કોલેજ, ઈન્ચાર્જ ડાયરેક્ટ પ્રાઈમ ઈન્ટરનેશનલ સ્કૂલ

હું ગ્રાન્ટેડ શાળામાં કાર્યરત છું, ત્યારે મારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મારી વાત જણાવીશ. કોવિડ-૧૯ ના કારણે શાળાઓ બંધ છે ત્યારે ઓનલાઈન એજ્યુકેશન આશીર્વાદરૃપ લાગે, સાવ ફ્રી બેસવા કરતા વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ અભિભૂત તો થાય જ.

પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો ઓનલાઈન શિક્ષણ વરદાનરૃપ ગણવું કે કેમ તે પ્રશ્ન જરૃર થાય. આ માટે અમને પડતી મુશ્કેલી હું તમને જણાવીશ. ઓનલાઈન ક્લાસમાં બાળકોને વર્ગખંડ જેવું વાતાવરણ નથી મળતું, બાળકો સમજી શકતા નથી, તેમના ડાઉટ ક્લીયર નથી થતા, શિક્ષક વિદ્યાર્થીનું સાહજીક જોડાણ નથી થતું, ઉપરાંત મોબાઈલ, લેપટોપ, ટેબલેટના વધુ ઉપયોગથી આંખો પર અસર થાય છે, વિદ્યાર્થીઓમાં માથાના દુઃખાવાની ફરિયાદ વધી છે, માનસિક તણાવનું પ્રમાણ વધ્યું છે, અત્યાર સુધી માતા-પિતા બાળકોને મોબાઈલથી દૂર રાખવા માંગતા હતાં ત્યારે આજે એવી સ્થિતિ છે કે બાળકોને સામેથી મોબાઈલ આપવો પડે છે અને પરિપકવતાના અભાવે બાળકો ચાલુ લેક્ચરે જ સોશ્યલ મીડિયા, યૂટ્યુબ, ગેઈમ (કે ટીકટોક) નો ઉપયોગ કરી લે છે અને બાળકોમાં જુઠું બોલવું, છેતરપિંડી જેવા કુસંસ્કારો સહજતાથી આવી જાય છે. માત્ર રપ ટકાથી ૩૦ ટકા બાળકો જ ક્લાસમાં જોડાય છે. ન જોડાવાના કારણોમાં સ્માર્ટ ફોન ન હોવો, ૪જી નેટવર્ક ન હોય, બેટરી પ્રોબ્લેમ અને કન્ટેક્ટિવિટી પ્રોબ્લેમ રહે છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક પ્રોબ્લેમ વધારે રહે છે. ઘરમાં બે બાળકો હોય અને એક જ સ્માર્ટ ફોન હોય ત્યારે કોણ ભણે એ સમસ્યા રહે છે.

જ્યારે ઓનલાઈન શિક્ષણની શરૃઆત કરી ત્યારે બધાને બહું ઉત્સાહ હતો, પણ જેમ જેમ ઉપયોગ થયો તેમ તેમ સમજાયું કે મુસીબત ઘણી છે. મહેનત વધારે અને ફાયદો ઓછો એવી સ્થિતિ છે.

- જયશ્રીબેન દત્તા હાયર સેકેન્ડરી શિક્ષક

અત્યારનો સમય જોતા બાળકની જિંદગીનું જોખમ લેવા કરતા ઘરે બેસીને ભણે તે વધારે સુરક્ષીત છે. મારા મત પ્રમાણે લગભગ ૮૦ ટકા બાળકોને ઓનલાઈન એજ્યુકેશનથી કોઈ વાંધો નથી. હા... તેમના માતા-પિતાને વાંધો છે કે તેમના બાળકની આંખ ખરાબ થઈ જશે, બાળકોની આદત બગડશે, બાળકો મોબાઈલનો વધારે ઉપયોગ કરશે તો પછી ભણતર સિવાયના વિષયોમાં પણ તેમની ઉત્સુક્તા જાગશે, અને ભણવા માટે ત્રણ-ચાર કલાક મોબાઈલ આપ્યા પછી ગેઈમ રમવા બાળકો મોબાઈલ માંગે તો મમ્મી ના નથી પાડી શકતી, પણ આ બધી દલીલો કે વાંધા બહુ મોટા નથી, તેનો થોડાઘણા અંશે ઉપાય થઈ શકે છે, બાળકો બિલકુલ ભણે નહીં, તેના કરતા થોડું ભણે એ જરૃરી છે. સ્કૂલ લગભગ માર્ચ મહિનાથી બંધ છે, અને હજી ક્યારે શરૃ થશે એ નક્કી નથી. એક જાણકારી મુજબ સ્કૂલ લગભગ સપ્ટેમ્બરથી શરૃ થશે તો આ છ મહિનામાં વેકેશનના બે મહિના બાદ કરીએ તો ચાર મહિનામાં જો બાળકો જરા પણ ન ભણે તો તેમના મગજ અને વ્યવહાર પર આની ખરાબ અસર પડે. હોશિયાર બાળકો સ્કૂલ શરૃ થશે એટલે ઝડપથી અનુકૂળ થઈ જશે અને બગડેલો અભ્યાસ કરી લેશે, પણ એવરેજ કે નબળા બાળકો એકસાથે બધો અભ્યાસ નહીં કરી શકે... એટલે જ ઓનલાઈન એજ્યુકેશન યોગ્ય છે.

- કવિતા શેઠ (વાલી)

હું ઝલક સોની, ધોરણ ૭ મા અભ્યાસ કરૃ છું, અત્યારે ૮૦ ટકા લોકો કહે છે કે 'ઓનલાઈન અભ્યાસ બાળકોની આંખો બગાડે છે, મોબાઈલના અલ્ટ્રાવાયોલેટ કિરણો મગજ અને આંખ પર અસર કરે છે, આટલા નાના બાળકોને ઓનલાઈન ભણાવવાની શું જરૃર? બે-ચાર મહિના નહીં ઘણે તો કંઈ બગડી નહીં જાય, પરંતુ મારો અભિપ્રાય અલગ છે. ઓનલાઈન અભ્યાસથી લોકડાઉનમાં સુસ્ત થઈ ગયેલી જિંદગી સ્ફૂર્તિથી ભરાઈ ગઈ છે. પબજી અને વિવિધ ગેમ્સ મોબાઈલમાં રમતાં રમતાં થાકેલી જિંદગી જાણે પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન જેવી થઈ ગઈ હતી, તેને ટ્રેક પર લાવવાનું કામ ઓનલાઈન અભ્યાસે કર્યું. મિત્રોનું મહત્ત્વ દરેકની જિંદગીમાં હોય છે, અને આ લોકડાઉનમાં ઓનલાઈન અભ્યાસના માધ્યમથી સ્કૂલના દરેક મિત્રોને જોઈને જે આનંદ મળ્યો છે, તે વર્ણવી ન શકાય તેવો છે. ઓનલાઈન અભ્યાસમાં મહત્ત્વના દરેક વિષયની સાથે કોમ્પ્યુટર, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પ્લેટાઈન, ડ્રોઈંગ જેવા વિષયો પણ આવરી લેવાયા છે. સાચું કહું તો જેટલી ઈંતેજારી મહત્ત્વના વિષય ભણવાની હોય છે, એટલી જ ઈચ્છા આ બધા વિષયના ક્લાસ એટેન્ડ કરવાની હોય છે. છેલ્લે એટલું જ કહીશ કે દરેક પરિસ્થિતિને અનુરૃપ થઈને રહેવું જોઈએ. સમય અને ટેકનોલોજીને માન આપવું જરૃરી છે, ર્જી... જીંેઙ્ઘઅ ટ્ઠં ર્રદ્બી, દ્ભીીૅ ર્રૃેિ જીીઙ્મક ર્હઙ્મૈહી, ટ્ઠહઙ્ઘ હ્વી ઁર્જૈંૈદૃી...

- ઝલક સોની, વિદ્યાર્થી

હું હર્ષિલ ઝવેરી, ધોરણ ૧ર કોમર્સમાં અભ્યાસ કરૃ છું. ર૦ર૦ નું વર્ષ, મારૃ બારમા ધોરણનું મહત્ત્વનું વર્ષ, અને તેમાં આ કોરોના મહામારીએ વિશ્વમાં દસ્તક દીધી. તેમાં આટલું લાંબુ લોકડાઉન, મને બહું જ ટેન્શન થતું કે મારા અભ્યાસનું શું થશે? બારમું ધોરણ એટલે આગળના અભ્યાસ માટે મહત્ત્વનું વર્ષ, અને તેમાં સ્કૂલ બંધ, તો ભણતર અને કારકિર્દી બગડે તેની મને ખૂબ ચિંતા હતી, પણ તેમાં ઉપાય તરીકે અમારા સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકો ઓનલાઈન અભ્યાસ લઈને આવ્યા, જેનાથી મારી હિંમત અને આત્મવિશ્વાસ વધ્યો, કે હવે મને અભ્યાસમાં તકલીફ નહીં પડે. આ મહામારીમાં જ્યારે સ્કૂલે નથી જવાનું ત્યારે મોબાઈલ દ્વારા અભ્યાસ આશીર્વાદ રૃપ છે. આ ઓનલાઈન દ્વારા વિદ્યાર્થી સ્કૂલથી, શિક્ષકોથી, મિત્રોથી દૂર રહીને પણ અભ્યાસ કરી શકે છે. આ હતો ઓનલાઈન અભ્યાસનો ફાયદો, પણ તેના ગેરફાયદા પણ છે. લાંબો સમય મોબાઈલમાં ભણવાથી આંખ અને માથાના દુઃખાવાની તકલીફ થાય છે. વળી જે વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ નબળી છે, અથવા જેની પાસે સ્માર્ટ ફોન નથી તે અભ્યાસ મેળવી શકતા નથી. ક્યારેક નેટવર્ક પ્રોબ્લેમ પણ થાય છે, છતાં બિલકુલ ન ભણવા કરતા, હાલના સંજોગોમાં આ રીતે ભણતર આવકારદાયક જ છે. હું ખુશ છું કે મારા અભ્યાસના મહત્ત્વના વર્ષમાં મને જ્ઞાન મળી શકે છે.

- હર્ષિલ ઝવેરી, વિદ્યાર્થી

આજે આ કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ ખળભળી ઊઠ્યું છે, ત્યારે વિદ્યાર્થી જગતમાં પણ એક મોટો બદલાવ આવ્યો છે. ક્લાસમાં ટીચરની સામે, ટીચરની મસ્તી કરતા, બહેનપણી સાથે વાતો કરતાં કરતાં ભણવાની મજા ચાલી ગઈ છે. હું, બંસી દત્તાણી, સેન્ટર આન્સ સ્કૂલમાં ધોરણ ૧૦ મા અભ્યાસ કરૃ છું. દસમું ધોરણ છે એટલે ભણવું પડે, તો પણ મમ્મીના ડરથી, બાકી આ ઓનલાઈન ભણતર ગમતું જ નથી. ઓનલાઈનમાં મુવી, સોંગ, ટીકટોક બનાવવા ગમે, ભણવું ન ગમે, પણ શું થાય? ઓનલાઈન એજ્યુકેશનમાં થીયરીના વિષય છે તે ચાલે, કારણ કે ટીચર સમજાવે અને વચ્ચે વાત પણ કરે, પરંતુ જે પ્રેક્ટિકલ વિષય છે તે સમજાતા નથી. બીજુ ઓનલાઈન ભણતરમાં એક જ રૃમમાં સોફા પર બેસીને ભણવાનું, એટલે સ્કૂલનું વાતાવરણ નથી મળતું. નેટનો પ્રોબ્લેમ થાય છે. હા, ક્યારેક ગુટલી મારવાની ઈચ્છા થાય તો મોબાઈલ ચાલુ કરીને બીજા રૃમમાં ચાલ્યા જવાનું, એ ફાયદો થાય છે. સૌથી મોટો ગેરફાયદો એ છે કે બહેનપણી સાથે તોફાન નથી થતાં. આ ઓનલાઈનમાં ક્યારેક આંખ દુઃખે તો ક્યારેક માથું ઉપરાંત સ્કૂલની, બહેનપણીની, ટીચરની યાદ આવે એ અલગ... હવે તો સ્કૂલ ચાલુ થાય તો જ શાંતિ, મને તો આ ઓનલાઈન પસંદ જ નથી.

- બંસી દત્તાણી (વિદ્યાર્થીની, સેન્ટ આન્સ સ્કૂલ)

હું વર્કિંગ વુમન છું. હવે મારી જોબ પણ ચાલુ થઈ ગઈ છે, તો મારો સમય અને મારા દીકરાનો સ્કૂલનો સમય એક જ હોવાથી તકલીફ પડે છે. મારો સાત વર્ષનો દીકરો મોબાઈલમાં ગેઈમ સોંગ્સ બધું જાતે ઓપરેટ કરી લે, પણ ભણતી વખતે તેને ડર લાગે ત્યારે તેને એમ થાય કે મમ્મી સાથે જોઈએ. મારો દીકરો બહું રમતિયાળ છે, સ્કૂલમાં તો શાંતિથી બેસે, પણ ઘરે ચાર કલાક એક જગ્યાએ બેસાડવો બહું અઘરૃ છે, વળી મારે પણ જોબ પર જવાનું હોવાથી મોબાઈલની મુસીબત થાય છે. તેને મારો મોબાઈલ આપીને જવું પડે છે. હું ઘરમાં ન હોવું એટલે તે અધકચરૃ ભણે છે, અને ગુંચવણો વધારે છે. ઘરે આવ્યા પછી બીજા કોઈએ ઓનલાઈન લેક્ચર રેકોર્ડ કર્યા હોય તો તે મંગાવવા પડે છે. દિવસનો મોટાભાગનો સમય તેમાં જ જાય છે. નાના બાળકો માટે આ ઓનલાઈન અભ્યાસ બરાબર નથી.

એક વાલી (મમ્મી)

પ્રકૃતિ એક પાઠશાળા

રાજા યદુએ સંત દત્તાત્રેયને પૂંછ્યું, 'મહાત્મન! સંસારમાં ઘણાં બધા લોકો કામ, ક્રોધના વશિકરણમાં આવી જઈને દુઃખી થઈ રહ્યા છે. તમારી જીવનમુક્ત અવસ્થા જોઈને મને જાણવાની ઈચ્છા થઈ છે કે તમે આત્મા વડે જ પરમાનંદનો અનુભવ ક્યા પ્રકારે પ્રાપ્ત કર્યો? આપના એવા ક્યાં ગુરુઓ આપને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપ્યું? બ્રહ્મવેત્તા દત્તાત્રેય જવાબ આપતા કહ્યું, 'રાજન! મેં મારા અંતઃકરણ દ્વારા અનેક ગુરુઓ દ્વારા મૂક ઉપદેશ મેળવ્યો છે!' આથી રાજાની જિજ્ઞાસામાં વધુ ઉમેરો થયો. ફરી પૂછ્યું 'ભગવાન! અનેક ગુરુ! શું નામ છે આ ગુરુઓના?' દત્તાત્રેય બોલ્યા, 'ગુરુ તો અનેક છે! પરંતુ રાજન... જ્ઞાન પ્રાપ્તિને માટે માત્ર ગુરુ જ પર્યાપ્ત નથી. તેમના માટે આપણે અંતઃકરણમાં સ્થિત સદ્ગુરુના શરણે પણ જવું પડશે. જેઓ આ જ્ઞાનને પ્રાપ્ત કરાવે છે કે કોણ ગુરુ છે, અને આપણને શું શિક્ષણ આપી રહ્યા છે. મારા આ સદ્ગુરુએ મને અનેક ગુરુઓ પાસેથી શિક્ષણ ગ્રહણ કરાવવાને માટે મદદગાર બન્યા છે. આ ગુરુઓ છે... ધરતી, પ્રાણવાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સમુદ્ર, સૂર્ય, આગિયો, પતંગિયા, મધમાખી અને સમગ્ર પશુ-પક્ષીઓ!'

'મહાત્મન્! આ બધા તો જડ અને બુદ્ધિહીન છે! આ બધામાંથી આપને ક્યો ઉપદેશ મળ્યો! 'દત્તાત્રેયે દર્શાવ્યું' આ બધા અચેતન અને બુદ્ધિહીન હોવા છતાં પણ પ્રકૃતિની આ લીલાભરી ચેતન લીલાઓ છે. જો, આપણે અંતઃકરણના નિર્મળ અને પરિષ્કૃત બનાવી શકે. તો આપણે ચોતરફ વિશાળ પ્રકૃતિને જોઈએ. ધર્મ અને અધ્યાત્મના તત્ત્વ જ્ઞાન અંગે શીખી શકીએ છીએ.'

દત્તાત્રેયે દર્શાવ્યું કે તેમણે ધરતીમાતા પાસેથી ધૈર્ય અને ક્ષમાનું શિક્ષણ લીધું છે. આપણે માનવ ધરતી પર અનેક ઉત્પાત પ્રહારો કરતા રહ્યા છીએ, પરંતુ તે ન તો કોઈ પ્રત્યે પ્રતિશોધ લેતી અને ન તો શોકમગ્ન બનીને વિલાપ-વલોપાત કરતી! છેવટ ધરતી દ્વારા મળેલ શિક્ષા આ છે કે ધીર પુરુષ અન્ય વિવશભર્યા પુરુષને સમજી જાણીને ધીરજ ગુમાવ્યા વગર અને ન તો કોઈ પર ક્રોધાયમાન બનીને વર્તે! પ્રાણવાયુથી એ શિક્ષા મેળવી છે કે જેમ અનેક જગ્યાઓ પર જવા સાથે પણ તે નિર્બળ કે શક્તિહીન થતો નથી. અને ન કોઈના ગુણદોષને ધ્યાનમાં લેતો. આમ સાધક ન તો દોષોને અપનાવે અને કોઈથી રાગ-દ્વેષ રાખે! આકાશ, જ્ઞાન આપે છે... જેમ આગ લાગવાથી પાણી વરસાવવા, ખાદ્યાન્ન ઉત્પાદન થવા માટે અથવા તો નષ્ટ થવાથી સંપૂર્ણ રીતે આકાશ નિર્લેપ અને અખંડ રહે છે. તે પ્રકારે મનુષ્ય આત્માને પણ અખંડ પૃથક માનવું જોઈ. જળ સ્વભાવથી સ્વચ્છ મધૂર અને પવિત્ર કરનાર છે. જળ આપણને પ્રેરણા આપે છે કે સાધકોએ પણ પોતાનો સ્વભાવ સ્વચ્છ, શુદ્ધ, મધૂરભાષી, પવિત્ર રાખવા જોઈએ. અગ્નિ તેજસ્વી અને જ્યોતિમય હોય છે અને તેમના તેજને કોઈ રોકી શકતું કે ઢાંકી શકતું નથી! સારા-નરસા તમામ પદાર્થોને ભસ્મ કર્યા પછી પણ તે કોઈ વસ્તુના દોષોથી લિપ્ત હોતું નથી. આપણે પણ તેજસ્વી ઈન્દ્રિયોથી અપરાજિત અને વિષયોથી નિર્લિપ્ત રહેવા ઈચ્છીએ. સમુદ્ર વર્ષાઋતુના સમયે નદીઓમાં આવતા ભયંકર પૂરને લઈ વધતો નથી. અને ન તો ગ્રીષ્મઋતુમાં જ્યારે નદીઓ સૂકાવા લાગે છે ત્યારે ઘટતો નથી. સમુદ્ર આપણને પ્રેરણા આપે છે કે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ અર્થે પ્રફૂલ્લિત થવાનું... ન તો તેમની પાસેથી ઝુટવા અથવા નાશ થવાથી નિરાશ કે ખિન્ન થવાનું.

મધમાખી દ્વારા શિક્ષા મળે છે. જે પ્રકારે તે પ્રયત્નપૂર્વક પુષ્પોના રસનું સંચય કરે છે. તે પ્રકારે લોભી વ્યક્તિ પણ ધન સંપત્તિનું સંચય કરે છે. મધમાખી દ્વારા થયેલ સંચિત મધ અન્ય લોકો લૂંટી લે છે. તે પ્રકારે લોભી માનવીનું સંચિત ધન બીજા કોઈ તેને લૂંટીને મોજ ભોગવે છે... એક સમયે એક કાગડો માંસનો એક ટૂકડો મોંમા દબાવી જઈ રહ્યો હતો. બીજો કાગડો તે માંસના ટૂકડાને ઝૂંટવી લેવા તેની પાછળથી ચાંચ મારતો હતો. વારંવારની ચાંચ લાગતા છેવટ તેમણે જ્યારે તે ટૂકડાને નીચે ફેંકી દીધો, ત્યારપછી તેને નિરાંત થઈ, શાંતિ મળી. કષ્ટથી મુક્ત થયો. સાધકે પણ અનાવશ્યક ચીજવસ્તુઓ, ધનસંપત્તિનો સંગ્રહ ન કરવો, કેમ કે જો સંગ્રહની લોલુપતામાં લપટાય રહ્યા, તૃષ્ણમાં તણાશું તો ચિંતન અને શ્રમ સંપૂર્ણ રીતે તે દિશા તરફ ફંટાશે. પ્રકૃતિની પાઠશાળામાં આવા તો અનેક દૃષ્ટાંતો રહ્યા છે. જરૃરત એટલી જ છે, માત્ર આવા ગુરુઓને શોધવાની અને તેમની પાસેથી જ્ઞાન મેળવવાની ઉત્કંઠા, લગન, જિજ્ઞાસા અને સાધનાની છે...!

લાલજીભાઈ જી. મણવર જામનગર

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit