જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની ૧૧ર માંથી ભાજપને મળી ૭૦ બેઠકો

જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની કુલ ૧૧ર બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપને કુલ ૭૦ બેઠકો મળી છે, તો કોંગ્રેસને ૩૩, બસપાને બે, આપને બે અને પાંચ બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન પછી ગઈકાલે મતગણતરી હાથ ધરી હતી. જેમાં ચાર તાલુકા પંચાયતમાં તો ભાજપને સત્તા સ્થાને બેસાડવા માટે સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો, જ્યારે બે તાલુકામાં કટોકટ પરિણામ મળ્યા હતાં.

જામનગર તાલુકા પંચાયતની ર૬ બેઠકોમાંથી ભાજપે ૧૭ બેઠકો મેળવી કેસરિયો લહેરાવી દેવાયો હતો, જ્યારે આઠ બેઠક કોંગ્રેસને મળી હતી તેમજ એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. આમ જામનગર તાલુકા પંચાયતમાં ભાજપ આગામી દિવસોમાં સત્તાનું સૂકાન સંભાળશે.

લાલપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ભાજપના ૧૧ ઉમેદવારો વિજેતા બન્યા છે અને સત્તાનું સૂકાન સંભાળવા તખ્તો ગોઠવી નાંખ્યો હતો. લાલપુર તાલુકા પંચાયતમાં કુલ ૧૮ માંથી ૧ર બેઠકો ભાજપને અને ત્રણ બેઠક કોંગ્રેસને તથા ત્રણ અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતાં. આમ લાલપુર તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે.

ધ્રોળમાં કુલ ૧૬ માંથી ૧૩ બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. તેવી જ સ્થિતિ જોડિયા તાલુકા પંચાયતમાં જોવા મળી હતી. કુલ ૧૬ બેઠકોમાંથી ૧૩ બેઠકો ભાજપને અને ત્રણ બેઠકો કોંગ્રેસને મળી છે. કાલાવડ તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપને ૮ અને કોંગ્રેસને સાત બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને બે તથા એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે, જ્યારે અહિં સત્તાની સાંઠમારી સર્જાઈ છે. હવે આપ અને અપક્ષ વિજેતા ઉમેદવાર કોની તરફ ઢળે છે તે ઉપરથી સત્તાનું સૂકાન નક્કી થશે. જ્યારે જામજોધપુરમાં ૧૮ માંથી ૯ બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવી સત્તાનું સૂકાન સંભાળવા તૈયારી કરી છે, જો કે ભાજપના સાત અને બસપાના બે ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે અહિં કોંગ્રેસ સત્તા સંભાળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit