Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશના અપમાન મુદ્દે દ્વારકામાં મળેલી મહાસભામાં "દ્વારકાબંધ" અને ઉપવાસ આંદોલનનો કરાયો નિર્ધાર

ગુગળી બ્રાહ્મણોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન છતાં પગલા ન લેવાતા

દ્વારકા તા. ૧: સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં દ્વારકાનાં વિવાદિત ઉલ્લેખ તથા સ્વામિ નારાયણનાં સંતોનાં ભગવાન દ્વારકાધીશ અંગેનાં વિવાદિત નિવેદનો પછી દ્વારકામાં ગુગળી જ્ઞાતિ તથા સર્વે સમાજ-સંગઠનો દ્વારા એસડીએમ સહિતના અધિકારીઓને આવેદન પાઠવી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો છતાં કોઇ નક્કર પગલા ન લેવાતા આ મુદ્દે આગળનાં આંદોલનની રૂપરેખા માટે ગુગળી જ્ઞાતિ દ્વારા ગઇકાલે દ્વારકામાં બ્રહ્મપુરીમાં મહાસભા યોજાઇ હતી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ તથા તમામ સંગઠનો - વિવિધ જ્ઞાતિનાં આગેવાનો અને સ્થાનિક મહાનુભાવો જોડાયા હતાં.

મહાસભામાં હવે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ આંદોલન પ્રચંડ બનાવવાનો એક સૂરે નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધી કરાયેલા વિરોધ અને આવેદનોને સરકારે ધ્યાને ન લેતા અને યોગ્ય નક્કર કાર્યવાહી ન થતા હવે આ મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનો અને આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકા ચાર ધામમાં સમાવિષ્ટ છે ત્યારે પૌરાણિક દ્વારકા નગરી અને અબજો હિન્દુઓનાં આરાધ્ય ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે શાસ્ત્ર મતથી વિરૂદ્ધ સાહિત્ય અને નિવેદનો કોઇપણ સંજોગોમાં સાંખી ન લઇ શકાય.ભગવાન દ્વારકાધીશનું અપમાન એ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ પર પ્રહાર સમાન છે.

સ્વામિનારાયણ સંપ્રદાય સહધર્મી હોવા છતા સનાતન હિન્દુ ધર્મ સાથે વિધર્મી જેવુ વર્તન કરતો હોવાની લાગણી તેમનાં વિવાદો પરથી અનુભવાતી હોવાનો સૂર પણ વહેતો થયો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં જે સ્વામિઓએ વિવાદિત નિવેદનો કર્યા છે તેમને પદભ્રષ્ટ કરી ભગવા પહેરવેશ છોડવા મજબૂર કરવામાં આવે એવી પણ માંગ ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનાં દ્વારકા વિવાદનાં મુદ્દે શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામિ સદાનંદ સરસ્વતીજી મહારાજ તથા રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી તથા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.

હાલ શંકરાચાર્યજી ચૈત્ર નવરાત્રિનાં અનુષ્ઠાનમાં અમદાવાદ હોય આગામી સમયમાં તેમનાં આશિષ છત્ર હેઠળ દ્વારકામાં ધર્મસભાનાં આયોજન સહિતનાં કાર્યક્રમનો પણ નિશ્ચય મહાસભામાં કરવામાં આવ્યો હતો.          મહાસભામાં ગુગળી જ્ઞાતિનાં પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપધ્યાય, મંત્રી કપિલભાઇ વાયડા તથા રઘુવંશી અગ્રણી કનુભાઇ હિંડોચા સહિતનાં સામાજિક અગ્રણીઓ જોડાયા અને પોતાનો મત પ્રગટ કર્યો હતો.

યાત્રાધામ દ્વારકામાં પ્રતિદિન હજારો - લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરવા જગતમંદિર પધારે છે પરંતુ જો જરૂર પડશે તો સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિરોધમાં 'દ્વારકા બંધ' નું પણ એલાન કરવામાં આવી શકે છે.

આમ સમગ્ર મુદ્દે દ્વારકામાં અને સમગ્ર કૃષ્ણભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આવેદનો સહિતનાં કાર્યક્રમો પછી પણ કોઇ નક્કર કાર્યવાહી ન થતા હવે રાષ્ટ્ર વ્યાપી આંદોલન વડે સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ 'મહાભારત' ની તજવીજ થઇ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh