Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજના આ ડિજિટલ યુગમાં દરેક કુટુંબનું એક, અથવા તો એકથી પણ વધુ, વોટ્સએપ ગ્રુપ તો હોવાનું જ.
હવે દરેક કુટુંબને પોતાનું વોટ્સએપ ગ્રુપ તો એકદમ યુનિક, એટલે કે સૌથી શ્રેષ્ઠ લાગવાનું જ. પરંતુ જો તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરશો તો જોઈ શકશો કે દરેક ગ્રુપમાં મોટાભાગની પ્રવૃત્તિઓ તો બિલકુલ એક સરખી જ છે. દા.ત. દરેક ગ્રુપમાં પ્રવૃત્તિની શરૂઆત ગુડ મોર્નિંગ ના મેસેજથી થાય. અને પછી તરત જ અનેક વખત કોપી પેસ્ટ થયેલા સુવિચારોનો ધોધમાર વરસાદ વરસે.
જો કે સુવિચારોના આ ધોધમાર વરસાદ વચ્ચેથી પણ ગ્રુપના લગભગ બધા જ સભ્યો કોરાધાકોર બહાર નીકળી જાય છે, કારણ કે બધા જ સભ્યો જાણે છે કે સુવિચારના મેસેજ તો વાંચ્યા કે સમજ્યા વગર જ બીજાના માથે મારવાના હોય, તેનો કોઈ અમલ કરવાનો હોઈ નહીં. માટે આપણે તેમાં ધ્યાન દેવાનું જ નહીં ને.. !
ગ્રુપમાં આટલી ફોર્માલીટી પૂરી થાય એટલે મુખ્ય કામ શરૂ થાય, ફેક ન્યુઝ આપવાનું. દરેક ફેક ન્યુઝની શરૂઆત કંઈક આ રીતે થાય, *તમે સાંભળ્યું ?*
*શું..?*
*કે ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારત અને ચીન વચ્ચે પણ સમાધાન કરાવી આપ્યું..!*
*કોઈ નહીં..*
*હા, એટલે જ તો મોદીસાહેબ ટ્રમ્પની સલાહ અનુસાર ચીનની મુલાકાતે જઈ રહ્યા છે..*
*પછી ..?*
*અને પછી તો મોદી અને જીનપીંગ બંને ડોનાલ્ડ ટ્રમ્પની સલાહ અનુસાર અમેરિકાની શુભેચ્છા મુલાકાત લેશે અને ટેરિફ અંગેની સમજૂતી કરશે...!!*
જો કે શ્રાવણ મહિનો શરૂ થતા જ વોટ્સએપ ગ્રુપની પ્રવૃત્તિમાં થોડો ઘણો ફેરફાર થયો છે. હવે સવાર સવારમાં જ ગુડ મોર્નિંગના મેસેજ પૂરા થતા જ સીધી કામકાજની વાતો શરૂ થઈ જાય છે કે, *આજે સૌથી સારી ફરાળી વાનગી ક્યાંથી મળશે ?*
અને સારી વાનગીનું એડ્રેસ મળતા જ બીજો પ્રશ્ન આવશે કે *આ વાનગીની હોમ ડિલિવરી મળે કે નહીં?* અને રક્ષાબંધનનો તહેવાર આવતા સુધીમાં તો આ બધા જ પ્રશ્નોનું સ્થાન નવી નવી રાખડીઓની ડિઝાઇન, તેની કિંમત અને તે ક્યાંથી મળશે તેના પર કેન્દ્રિત થઈ જાય છે. અને સાથે સાથે ચર્ચા થાય છે કે રાખડી બાંધવા રૂબરૂ જવું , પોસ્ટથી મોકલાવી કે કુરિયરથી મોકલવી.
આ બધું છતાં પણ ફેક ન્યુઝ, અને તેનાથી પણ વધુ તો કોપી પેસ્ટની સમસ્યાથી બધા જ વોટ્સએપ ગ્રુપ, બલ્કી સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ ઘેરાયેલા છે. અમારી સોસાયટીના પ્રોફેસર જનકરાયે તો આજે મોર્નિંગ વોકમાં પોતાની સમસ્યા રજૂ કરતા કહેલું કે, *આપણે દિવસો કે મહિનાઓ સુધી મહેનત કરીને એક સારી પોસ્ટ બનાવીએ, અને આ બધા નકલખોરો કશું સમજ્યા વગર કે પછી મહેનત કર્યા વગર ફક્ત કોપી પેસ્ટ કરીને આખી પોસ્ટ પોતાના નામે ચડાવી દે... આ તો બિલકુલ અન્યાય છે..*
આટલું જ સાંભળતા જ લાલુ ચર્ચામાં કૂદી પડ્યો અને બોલ્યો, *આનો તો એક બિલકુલ સરળ ઉપાય છે..*
*શું ?* પ્રોફેસરે પૂછ્યું.
*જુઓ અત્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે તેને અનુલક્ષીને રક્ષાબંધનની એક સરસ પોસ્ટ તૈયાર કરો, જેમાં એક સરસ હાથમાં રાખડી હોય અને બીજા સરસ હાથમાં ક્યુ આર કોડ હોય. હા, કયુ આર કોડ તમારા એકાઉન્ટનો હોવો જોઈએ..*
*તેનાથી શું ફાયદો ?*
*તેનાથી ફાયદો એ થશે કે તમારો આ સુંદર મેસેજ વારંવાર કોપી પેસ્ટ થશે, અને ઘણી બહેનો પણ તેના ભાઈને તમારા ક્યુ આર કોડ વાળો મેસેજ મોકલશે.. પછી તો જે કોઈ હરખ પદુડો ભાઈ એ ક્યુ આર કોડ પર ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા મોકલશે તે સીધા તમારા બેંક ખાતામાં જમા થશે. બોલો ફાયદો થાય કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial