Advertisement
Author: નોબત સમાચાર

આયુર્વેદનું ડિજિટલ પરિવર્તનઃ પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ વિષય પર યોજાઈ કોન્ફરન્સ

જામનગરમાં આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત 'ઈટ્રા'માં ધમધમતી પ્રવૃત્તિઓઃ વિશ્વકક્ષાના તજજ્ઞો જોડાયા

                                                                                                                                                                                                      

ઈટ્રામાં આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ શિર્ષક હેઠળ એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ડબલ્યુએચઓ જી.ટી.એમ.સી.ના ડાયરેકટર સહિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના તજજ્ઞો જોડાયા હતા અને ભાવી વિષે મનોમંથન કરી એક નવો ગતિમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી પૌરાણિક શાસ્ત્ર આયુર્વેદમાં આધુનિકતાના સંગમ એવા આ કાર્યક્રમમાં પરંપરાગત ચિકિત્સા અને વૈશ્વિક ગ્રંથાલય, આયુર્વેદમાં ટેક્નોલોજિકલ ઇનોવિશન, પરંપરાગત ચિકિત્સાની દવાઓમાં ડિજિટલ પહેલ, પરંપરાગત ચિકિત્સામાં એ.આઇ.નો ઉપયોગ, આયુર્વેદ ક્ષેત્રમાં ડિજિટલ શિક્ષણની પહેલ જેવા મુખ્ય વિષયો પર વિજ્ઞાન-ટેક્નોલોજી, સંશોધન તેમજ વિકાસાર્થે કરવાની કામગીરી વિષે ચર્ચા-પરામર્શન કરી ભાવી યોજના ઘડવામાં આવી હતી.

ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી કહે છે કે આ કોન્ફરન્સ એ પૌરાણિક શાસ્ત્રને આધુનિક અભિગમ સાથે જોડતી કડી સમાન છે. વર્તમાન ટેક્નોલોજી સાથે જ્યારે આયુર્વેદ શાસ્ત્રને જોડવામાં આવે ત્યારે નાડી પરિક્ષણ, નસ્ય કર્મ, ધૂપન (ફ્યુમિગેશન), અગ્નિકર્મ શલાકા માટે જરૃરી યંત્ર શોધખોળથી આયુર્વેદ પદ્ધતિથી ચિકિત્સા સુગમ્ય બને! વધુમાં સિમ્યુલેશન શિક્ષણ વ્યવસ્થા, પેટન્ટ પ્રોટેક્શન માટે ડિજિટલ લાયબ્રેરી, ટેલિમેડિસિન માટે આધુનિક સ્વરૃપ, આયુષ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેપર લેસ હોસ્પિટલ અને દરદીઓના સમયાંતરના રેકોર્ડની જાળવણી અને સાંપ્રત ઉપયોગ જેવા અનેક વિષયો આ કોન્ફરન્સ દરમિયાન ચર્ચવામાં આવ્યાં છે તેમજ તેમાં હાલની ઉપલબ્ધ અને જરૃરિયાત મુજબની અતિવિકસિત ટેક્નિક્સને આયુષ ક્ષેત્રમાં ઓતપ્રોત કરી સૌના કલ્યાણાર્થે ઉપયોગ કરી શકાય તે માટે રણનીતિ ધડવામાં આવી હતી.

વિશ્વકક્ષાના તજજ્ઞો જોડાયા

આ કોન્ફરન્સમાં ડબલ્યુ.એચ.ઓ. જી.ટી.એમ.સી.ના ડાયરેક્ટર શ્યામા કુરુવિલા, સી.સી.આર.એ.એસ.ના ટેક્નોલોજી એક્સ્પર્ટ સાકેત રામ, આયુષ મંત્રાલયના તજજ્ઞ ડો. ગાલિબ, ડબલ્યુએચઓના ડો. સમિર પૂજારી તેમજ તેમજ આયુરસિમના ડો. રામ મનોહર તથા આઇટીઆરએના નિયામક પ્રો. ડો.  તનુજા નેસરી જોડાયા હતા. આઇ.ટી.આર.એ.ના શિક્ષકો, સંશોધકો, તબિબો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ હાઇબ્રિડ(ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને) પદ્ધતિમાં હોવાથી ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વમાંથી ચિકિત્સા-ટેક્નોલોજી ક્ષેત્રના લોકો જોડાયા હતા.

આયુર્વેદ અને પશુચિકિત્સાનો સંગમ એટલે મૃગાયુર્વેદ

આયુષ મંત્રાલય દ્વારા આઇ.ટી.આર.એ. સંસ્થાની આયુર્વેદ ઇન વેટરનરી હેલ્થ વિષય માટે દેશભરમાં એક માત્ર નોડલ સંસ્થા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી કહે છે કે સમગ્ર દેશમાં આયુર્વેદ અને વેટરનરી સાઇન્સ વિષય પર સૌપ્રથમ વખત યોજાનાર આ પરિસંવાદમાં આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ માટે બાબતને કેન્દ્રવર્તી બનાવવામાં આવી હતી. આયુર્વેદના શાસ્ત્રો અને ગ્રંથોમાં પશુચિકિત્સાનો ઉલ્લેખ છે જ અને તેના પર ચિકિત્સા પણ કરવામાં આવી રહી છે. ગૌઆયુર્વેદ, હસ્તાયુર્વેદ, પાલકાપ્ય સંહિતા, માતંગલીલા, શાલિહોત્ર સંહિતા જેવા ગ્રંથોમાં પશુ ચિકિત્સા સુપેરે સુચવામાં આવી છે. જેમાં માત્ર બીમારીનો ઇલાજ જ નહીં પણ પશુઓને સ્વસ્થ રહેવા માટેના આયુર્વેદ ઉપચારો પણ દર્શાવવામાં આવ્યાં છે.

વર્તમાન વેટરનરી સાઇન્સ ખૂબ પ્રગતિ કરી ચુક્યું છે ત્યારે તેમાં આયુર્વેદનું જોડાણ થતા પશુચિકિત્સાને એક નવી જ દિશા પ્રાપ્ત થશે. આ પરિસંવાદમાં આયુર્વેદ થકી પશુ ચિકિત્સા કરતા તજજ્ઞો કેરળ અને આંધ્રપ્રદેશથી ખાસ ઉપસ્થિત રહૃાાં હતા. કાર્યક્રમમાં આયુર્વેદના ગ્રંથો, સાહિત્ય, ક્લિનિકલ અનુભવો, વિવિધ પ્રયોગો, આયુર્વેદ વેટરનરીની ઉપ્લબ્ધ મેન્યુસ્ક્રિપ્ટ(હસ્તઃપ્રતો) નો અભ્યાસ-ઉકેલ, ટેક્નોલોજીના સ્થવારે આયુર્વેદ-વેટરનરી સુશ્રુષા અને રોગી પશુઓની ચિકિત્સા અને સ્વસ્થ પશુઓને વધુ સ્વાસ્થ્ય સભર કેમ બનાવવા જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.

નવા માઈલસ્ટોન થશે અંકિત

આમ આઇ.ટી.આર.એ. જામનગર દ્વારા આયુર્વેદને દશે'ય દિશાઓમાં નવા સિમાંકનરૃપ કાર્યો દ્વારા આયુર્વેદ લોકો માટે જ નહીં પરંતુ પૃથ્વીના કલ્યાણાર્થે કાર્યરત છે અને હજૂ પણ ભવિષ્યમાં નવ સિમાચિન્હ અંકિત કરશે.

મહિના પહેલાથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો

આઇ.ટી.આર.એ. દ્વારા બાળકો માટે, કિશોરો માટે, યુવાનો માટે, વયશ્કો માટે, વૃધ્ધો માટે, ગર્ભવતિ મહિલાઓ માટે, સમાજ માટે, વૃક્ષ-છોડ-પર્યાવરણ માટે, ટેક્નોલોજી માટે અને પશુઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદને જોડી તેના ઉત્તમ અને સર્વાંગિ વિકાસ માટે એક માસ પૂર્વેથી કાર્યક્રમોની હારમાળા સર્જી હતી. શાળા કોલેજના કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઇટ્રા કેમ્પસની મુલાકાત લીધી હતી, શાળાના ૧૩૨૮ થી વધુ બાળકોને સ્વાસ્થ્ય તપાસ અને સ્વાસ્થ્યની સમજ માટે ૧૩ કાર્યક્રમો, વિવિધ રોગો અંગે જાગૃતિ અને નિદાન-ઉપચાર માટે ૧૫થી વધુ કેમ્પ, થી વધુ લોકોનું પ્રકૃતિ પરિક્ષણ, વિદ્યાર્થીઓની સસોઇ હર્બલ ગાર્ડન મુલાકાત, ઇટ્રા પરિવાર દ્વારા આયુર્વેદ જાગૃતિ અંગે રેલી, વિવિધ વર્ગો માટે યોગ નેચરોપેથી અને જીવનશૈલી જાગૃતિ માટે કાર્યક્રમો, આયુર્વેદના અનુભવીઓ દ્વારા જ્ઞાનનો લાભ ભાવી પેઢીને આપવા માટે વર્કશોપ-સેમિનાર-વેબીનાર, આયુર્વેદ જાગૃતિ રેલી, સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, રેડિયો ઇન્ટરવ્યુ, આયુર્વેદ ક્ષેત્રમાં ટેક્નોલોજીના પગરવ માટે ડિજિટલ ટ્રાન્ફોર્મેશન માટે ફ્લેગશીપ કોન્ફરન્સ, આયુર્વેદ લોકો માટે પૃથ્વીના કલ્યાણ અર્થે થીમને અનુરૃપ 'આયુર્વેદ અને વેટરનરી સાઇન્સને જોડી મૃગઆયુર્વેદ પરિસંવાદ પણ યોજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh