Advertisement
Author: નોબત સમાચાર

પેલેસ ઓન વ્હીલ્સ....

                                                                                                                                                                                                      

મને સાયકલ બહુ જ ગમે - ના, ના, એવું નથી કે હું પેટ્રોલમાં થયેલા અસહ્ય ભાવવધારાના કારણે સાયકલ પસંદ કરું છું. મને સાયકલ પસંદ છે કારણ કે તે આપણને શહેરના ટ્રાફિક જામથી બચાવે છે. આજ સુધીનો મારો અનુભવ તો એમ કહે છે કે જો આપણે ક્યાંય પણ સમયસર પહોંચવું હોય અને તે પણ ટ્રાફિકમાં ફસાયા વગર, તો આપણે સાયકલ જ પસંદ કરવી જોઈએ.

સાયકલ ચલાવવા માટે હેલ્મેટનો ખર્ચ કરવાની પણ જરૂર નહીં, કારણ કે સાયકલ ચાલક માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત નથી, અને તેથી જ સાયકલ ચાલકને કદી પોલીસનો ડર લાગતો નથી.

જો કે મને લાગે છે કે મોદી સાહેબ કદાચ સાયકલને પસંદ કરતા નથી. કારણ કે મોદી સાહેબને તો આપણા અર્થતંત્રના વિકાસમાં જ રસ છે. આજે ચોથા નંબર પર રહેલા આપણા અર્થતંત્રને તેઓ હજુ પણ વધારે આગળ લઈ જવા ઇચ્છે છે, ત્રીજા નંબર પર જોવા ઇચ્છે છે. તેમના આ વિઝનમાં સાયકલ કોઈ રીતે મદદરૂપ થઈ શકે એમ નથી. સાયકલ તો અર્થતંત્રના વિકાસમાં નડે, કારણ કે એક સાયકલ ચાલક કાર ખરીદતો નથી, એટલે પછી તે લોન નથી લેતો કે ઇન્સ્યોરન્સ નથી લેતો. અને પેટ્રોલ કે ડીઝલ ખરીદવાનો પ્રશ્ન જ નથી.

વળી સાયકલ ચાલકને પોલીસ પણ બહુ પસંદ ન કરે, કારણ કે તેણે હેલ્મેટ પહેરવી ફરજીયાત નહીં. (ભારતમાં જ હો, બાકી યુરોપ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં સાયકલ ચાલકે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડે, અને ત્યાં બધા પહેરે છે પણ ખરા). સાયકલ ચાલકને જો હેલ્મેટ પહેરવાનો કાયદો જ લાગુ ન પડતો હોય, અને તે માટે કોઈ દંડ ન થઈ શકતો હોય તો, તેને પકડવાનો ફાયદો શું? અને સાયકલ ચાલક રોજગારીનો તો મોટો દુશ્મન છે.. તે કદી કોઈ ડ્રાઈવરને રોજગારી આપી શકતો નથી.

સાયકલ ચલાવનાર વ્યક્તિને તો તંદુરસ્તી ઈશ્વર તરફથી જ સીધી ભેટ રૂપે મળે છે. એટલે કે સાયકલ ચાલકને અને માંદગીને તો બાર ગામનું છેટુ રહે છે. સાયકલ ચાલકને પેટ કદી વધે નહીં, અને શરીર પણ સપ્રમાણ હોય એટલે તેને કદી જીમમાં જવાની જરૂર પડે નહીં. એટલે જીમના ધંધામાં પણ મંદી. સાયકલ ચલાવવી એ તો એક સારામાં સારો વ્યાયામ છે. એટલે જ નિયમિતપણે સાયકલ ચલાવનાર વ્યક્તિ ભાગ્યે જ કદી માંદો પડે.

હવે સાચી વાત તો એ છે કે અર્થવ્યવસ્થા કોઈ એક વ્યક્તિ માટે છે નહીં, એ તો સમગ્ર સમાજ માટે છે. સમાજમાં વધુમાં વધુ રોજગારી હોય, તો જ સમાજ સ્વસ્થ રહે સુખી રહે. માટે સમાજમાં બધાની રોજગારીની ચિંતા કરવી જોઈએ.

પરંતુ સાયકલ ચાલક તો આ દૃષ્ટિએ પરમ સ્વાર્થી વ્યક્તિ છે, કે જે ફક્ત પોતાના જ સ્વાસ્થ્યનો વિચાર કરે છે..! કારણ કે તે દવાખાનામાં દવા લેવા ડોક્ટર પાસે જતો નથી. દવા ખરીદતો નથી. એટલે કે તે દેશના જીડીપીમાં પણ પોતાનું યોગદાન આપતો નથી.

મિત્રો, શિયાળો નજીકમાં જ છે. એક વખત ઠંડી શરૂ થશે એટલે હું આ બધી જ વાતો ભૂલીને સ્વાર્થી બનવાનું પસંદ કરીશ, એક નવી જ સરસ મજાની સાયકલની ખરીદી કરીશ અને રોજ સવારે મારા એ ''પેલેસ ઓન વ્હીલ્સ'' ઉપર તળાવની પાળે ફરીશ, અને પછી ગરમ ગાંઠિયા-જલેબીનો નાસ્તો કરીને ઘરે જઈશ..! બોલો, આમાં કોણ કોણ મને સાથ આપશે?!!

વિદાય વેળાએઃ- આપણા અર્થતંત્ર માટે વધુ ખતરનાક કોણ? સાયકલ ચાલક, કે કાર ચાલક?

મને લાગે છે કે પગે ચાલનારો માણસ તો આ બંનેથી પણ વધારે ખતરનાક છે, કારણ કે તે તો સાયકલ પણ નથી ખરીદતો..!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh