Advertisement
Author: નોબત સમાચાર

એલા મને પરણાવો, પસ્તાવું છે

                                                                                                                                                                                                      

ચુનિલાલનો છોકરો જીગો (જીગ્નેશ), અમસ્તો પણ મોઢું સુજી ગયું હોય તેવો લાગે. એમાં આજે સવારથી જ મોટું ફુલાવી ઘરમાં આંટાફેરા મારતો હતો.

આજે સવારની ચા મારે ચુનિયાને ત્યાં હતી એટલે મેં જોયું કે મારા ધ્યાનમાં આવે તે માટે તે ચાર-પાંચ વાર મારી સામેથી ધુવાફુવા થતો નીકળ્યો.

કોઈપણ વ્યક્તિને આવા સંજોગોમાં એમ હોય કે મને કોઈક પૂછે કે ''શું થયું છે?'' મેં પણ પૂછી નાખ્યું અને ભ્રષ્ટાચારી નેતાએ બનાવેલા બંધમાં ઉપરવાસમાંથી થોડું પાણી આવે તો પણ બંધની દીવાલ તરત તૂટી જાય અને નીચાણવાળા વિસ્તારમાં તારાજી સરજે તેવી હાલત થઈ પૂછતાની સાથે જ વરસી પડ્યો.

તાત્કાલિક ટેબલ ખેંચી અને અમારી સામે બેઠો.

''મિલન કાકા તમારા લગ્ન કેટલા વર્ષે થયા હતા?''

મેં કહૃાું ''૨૭ મા વર્ષે.''

''મારા પપ્પા ના લગ્ન ૨૫માં વર્ષે થયા હતા. અને તમારા બંનેની જાણ ખાતર મને અત્યારે ૩૨ થયા.''

હું કંઈ બોલું તે પહેલા ચુનિયો બોલ્યો ''અમારા કરતા સાત વર્ષ સુખની જિંદગી વધારે મળી.''

''મારે તાત્કાલિક દુઃખી થવું છે, બોલો તમારે એ સંદર્ભે કાંઈ કરવાનું છે?''

તેના આ સીધા આક્રમણ થી હું સમજી ગયો કે પ્રશ્ન શું છે.

લગ્ન છે એ એક તાળું મારેલા બારણા જેવું છે. તેની બંને બાજુ પુરુષો ઊભા છે.

એક બાજુ પરિણીત પુરૂષો અને બીજી બાજુ કુવારા છોકરાઓ.

બંને લોકો બારણું ખોલતા જ સામેની બાજુએ જવા ઉતાવળા હોય છે.

બારણું ખૂલતાં જ પરણેલા પુરુષો બહાર નીકળી ખુલ્લો શ્વાસ લેવા ઉતાવળા હોય છે. ત્યારે બારણું ખોલતા જ કુંવારા છોકરાઓ પરિણીત વિભાગ બાજુ જવા ઇચ્છતા હોય છે.

તમે એક વાત ધ્યાનમાં લીધી છે કે નહીં મને ખબર નથી પરંતુ હવે લેજો. જ્યારે કોઈનો વરઘોડો નીકળતો હોય ત્યારે વરઘોડા પાછળ ચાલતા પરિણીત પુરૂષોના ચહેરા પર કોઈ ભાવ હોતો નથી. વરઘોડાની પાછળ પાછળ નિસ્તેજ અને એક્સપ્રેશન લેસ ટોળું જતું હોય એ પરણીત પુરૂષોનું હોય. કહેવાય છે ને કે મૌન ઘણું કઈ જતું હોય છે.

વરઘોડામાં બહેનો વધારે આનંદમાં હોય છે કારણ કે વધુ એક પુરૂષ મહિલા મંડળના તાબે થવા જઈ રહૃાો છે.

લગ્નના પ્રથમ બે વર્ષ તો એટલા સરસ ક્યાંય જાય કે કોઈપણ શોરૂમમાં ડિસ્પ્લેમાં સારામાં સારી વસ્તુઓ મૂકી હોય તે જોઈ અને ગ્રાહકો અંદર પડેલો ભંગાર પણ હોંશે હોંશે ખરીદી લેશે તેમ કુંવારા યુવકો પોતાના નજીકના મિત્રને ખુશખુશાલ જોઈ અને હસી ખુશી પરણી જાય છે. વોરંટી ગેરંટી પિરિયડ પૂરો થયા પછી જેમ કંપની દાદ દેતી નથી. તેવું જ લગ્નનું છે. જોકે કુંવારી છોકરીઓની પણ એ જ ફરિયાદ હોય છે. શરૂઆતના બે વર્ષ અમે અમારા ધણીને ગમે તેમ કહી લેતા તો પણ તે હસી નાખતો. હવે કેમ ગમતું નથી?

લગ્નના ૧૦ વર્ષ પછી તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય છે. ગરમ ગરમ રોટલી ઉતરતી જાય અને બે પેટ કરી અને ખાતો યુવાન ડિનરમાં લંચ કરતો હોય છે.

મારા ઘરની જ વાત કરૃં તો આજે પણ રીંગણા બટેટાનું શાક થાળીમાં આવ્યું એટલે મેં કહૃાું કે ''ગઈકાલે પણ આ જ શાક હતું આજે ફરી રીંગણા બટેટા?''

મને કહે ''ગઈકાલે બટેટા રીંગણા હતા. આજે રીંગણા બટેટા છે.''

મારા ચહેરા પર નો પ્રશ્નાર્થ જોઈ અને મને કહે ''ગઈકાલે ત્રણ રીંગણા અને બે બટેટા હતા. આજે બે રીંગણા અને ત્રણ બટેટા છે. આવતીકાલે રીંગટાનું શાક છે.''

મારા ચહેરા પર હાસ્ય આવ્યું કે ચાલો કાલે કંઈક નવું આવશે.

''બસ આમ જ તમે હસતા રહો કાલે બે રીંગણા અને બે બટેટા સરખા ભાગે એટલે રીંગટા (રીંગણા+બટેટા).''

આવા સમયે એમ થાય કે થાળીમાં પણ શું કામ પીરસો છો? જ્યાં રીંગણા અને બટેટા વાવ્યા હોય તે વાડીમાં જ અમને છૂટા મૂકી દો ને, અમે અમારી જાતે ચરી લેશું.

જીગાને મેં શાંતિથી પૂછ્યું કે ''તને આ પરણવાનું આટલું બધું મન શુ કામ છે?'' મને કહે ''બધા પરણિત મિત્રો પોતાની પત્ની સાથે ભેગા થાય ત્યારે મને એકલું એકલું લાગે છે. સવારના પોરમાં તેમને તેમના પત્ની જગાડવા જાય ત્યારે ભીના વાળ છંટકોરી, થોડું વ્હાલ કરી જગાડે, ગરમા ગરમ ચા પથારીમાં જ મળે, રોજ નીત નવા નાસ્તા અને ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજનો ગરમાગરમ પીરસાય, જિંદગી જલસાઘર લાગે.''

ને મેં ચુનિયા સામે જોયું અમે બંને હસવાનું માંડ રોકી શક્યા અને મનોમન સમજી ગયા કે આ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને પ્રોડક્ટ ખરીદવાવાળા વર્ગમાંથી આવે છે.

આમ જુઓ તો લગ્ન જરૂરી છે. ખુલ્લા ફરતા સાંઢને ખીલે બાંધવા માટે લીલા ઘાસના પૂળા આખા રસ્તે છેક ખુંટા સુધી પાથરતા આવવા પડે. જેથી કરીને તે ખાતો ખાતો ખૂંટા સુધી આવે અને માલિક તેને બાંધે.

ચાલો ત્યારે હવે જીગા માટે ગોતીએ. જે પણ છોકરી વગર કારણે વઢવા માગતી હોય તે તાત્કાલિક સંપર્ક કરે.

વિચારવાયુઃ તમારા લગ્ન થઈ ગયા છે?, હા, તમે શું કરો છો?, જલસા

પતિ શું કરે છે?, પસ્તાવો.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh