Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિયે, ભૂલે કો રાસ્તા દિખાનેવાલા ચાહિયે...
ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિયે,
આસમાન કો ધરતી પર લાને વાલા ચાહિયે,
ઝૂનૂન કો જિદમેં બદલને વાલા ચાહિયે,
ગિરતે કો બાંહ દે, ઊઠાને વાલા ચાહિયે
ભૂલે કો રાસ્તા, દિખાને વાલા ચાહિયે...
આ કાવ્યપંક્તિઓ ઘણી જ પ્રચલીત છે, જે પ્રેરણાત્મક અને મનોબળની દૃઢતા તથા સકરાત્મક પરિણામો માટે ઝૂનૂન ને જીદ બનાવીને તથા જરૂરતમંદોને મદદ અને ગુમરાહ થનારને સાચો રસ્તો દેખાડવા માટે જુસ્સો ભરનારી છે. આ ઉપરાંત હિન્દી ફિલ્મ 'સગાઈ'માં આ જ પ્રકારના શબ્દપ્રયોગો સાથે એક વ્યાંગત્મક હિન્દી ગીત પણ ઘણું જ પ્રચલીત છે.
ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે,
પિયો દૂધ ખાઓ ઘી, દુનિયા કરેગી જી...જી...જી...
તાકતવાલોં કી જય હોગી, કમજોરો કી પી...પી...પી...
જલતી હૈ દુનિયા, જલાને વાલા ચાહિયે,
શિરિમતી હો યા બેગમ, એક જાન ઔર સો સો ગમ
સમજો મર્દો સે કિસ બાત સે કમ,
ડરતી હૈ દુનિયા, ડરાને વાલા ચાહિયે,
સારી દુનિયા કે કમજોરો, ચાહે કાલોં ચાહે ગોરો,
મારો ઐસા ધોબી પટડા, દુશ્મન કા હો જાયે રગડા,
દબતી હૈ દુનિયા, દબાને વાલા ચાહિયે.
ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે...
આ ફિલ્મ ગીત આઝાદી મળી, તે પછીનું છે, અને દેશ પ્રજાસત્તાક થયો, તે પહેલાનું છે. આ ગીત માટે લતા મંગેશકર, મોહમ્મદ રફી, રામચંદ્ર નૈયર, સી. રામચંદ્ર (ચિતલકર) વગેરેએ કંઠ અને સંગીત આપ્યા છે. રાજેન્દ્ર કિશ્ન લિરિસિસ્ટ હતાં.
ફિલ્મો જે-તે સમયની સ્થિતિનું દર્પણ હોય છે, અને આ વ્યંગાત્મક ફિલ્મી ગીતમાં કેટલાક શબ્દપ્રયોગો અવગણવા જેવા હોવા છતાં એકંદરે આ ફિલ્મી ગીતને પણ એ અડધા ભરેલા પાણીના ગ્લાસની જેમ મૂલ્વી શકાય છે, જેને અડધો ખાલી ગ્લાસ પણ કહી શકાય...
હમણાંથી ભારતમાં જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, તેમાં યુવાશક્તિ જાગી ઊઠી હોય તેમ જણાય છે. જંતરમંતરના વિદ્યાર્થી આંદોલનની સફળતા પછી ઝારખંડમાં પણ યુવાશક્તિ સામે શાસનને ઝુકવું પડ્યું, તે દર્શાવે છે કે એકંદરે દેશમાં યુવાશક્તિ હવે શિક્ષણ અને રોજગારીના મુદ્દે જાગૃત થઈ ગઈ છે, અને મજબૂતીથી અવાજ ઊઠાવી રહી છે.
આપણે વર્તમાન કાળમાં આઝાદીકાળના વયોવૃદ્ધ વડીલોથી લઈને પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક કક્ષાના શિક્ષણ સુધી પહોંચેલી ટેકનોએવી કિશોર-કિશોરીઓ સુધીની ત્રણ-ચાર પેઢીઓનું સહ-અસ્તિત્વ ધરાવીએ છીએ, અને આ તમામ પેઢીઓએ જોયેલા યુવા-આંદોલનોના સંયોજનને મુલવીએ તો એવું કહી શકાય કે જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે યુવાશક્તિએ સંગઠીત લડત આપીને સફળતાઓ મેળવી છે, અને તેનો કેટલોક ઈતિહાસ આપણે આ લેખમાળામાં જ તાજેતરમાં વાચ્યો છે. માત્ર આપણાં દેશમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણાં દેશોમાં દાયકાઓથી યુવાશક્તિઓએ પરચમ લહેરાવ્યો છે અને સાચુકલા અને બિનરાજકીય આંદોલનો હંમેશાં સફળ થયા છે. એ જુદી વાત છે કે સફળ આંદોલનો પછી કેટલોક યુવાવર્ગ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયો હોય કે પછી ચૂંટણીઓ લડીને જનપ્રતિનિધિત્વ કર્યું હોય... તે ઉપરાંત કેટલાક પૂર્વ-આયોજીત, પ્રાયોજિત કે મલિન ઈરાદાઓથી આદરેલી ચળવળો નિષ્ફળ ગઈ હોવાના ઘણાં દૃષ્ટાંતો પણ દેશ-દુનિયામાં ભૂતકાળમાં નોંધાયા છે.
અમેરિકામાં અશ્વેત નાગરિક અધિકાર આંદોલન (૧૯પ૪-૧૯૬૮)
યુનાઈટે સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વૃષ ૧૯પ૪ થી ૧૯૬૮ સુધી ચાલેલા અશ્વેત નાગરિક અધિકાર આંદોલનમાં યુવાશક્તિની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. રંગભેદ વિરોધી આ આંદોલન દરમિયાન વર્ષ ૧૯પપ માં બસ બહિષ્કાર, ૧૯૬૩ ની વોશિંગ્ટન માર્ચ, ૧૯૬૪ માં રંગભેદ વિરોધી કાનૂન, વર્ષ ૧૯૬પ માં અશ્વેતોને અવરોધ વિના મતાધિકાર, વર્ષ ૧૯૬૮ માં માર્ટિન લ્યૂથર કિંગની હત્યા જેવા ઘનાક્રમો ઈતિહાસના પાને નોંધાયા છે. આ આંદોલન વિશ્વનું લાંબુ અને અન્યાય સામે મક્કમ લડતનું દૃષ્ટાંત છે.
ફ્રાન્સમાં શિક્ષણ-રોજગાર
મુદ્દે આંદોલનઃ ૧૯૬૮
ફ્રાન્સમાં મે-૬૮ આંદોલનથી પ્રચલિત થયેલા આંદોલનમાં મુખ્ય મુદ્દાઓ શિક્ષણ અને રોજગાર જ હતાં. પ્રારંભમાં યુનિવર્સિટીના છાત્રોએ શિક્ષણના મુદ્દે આંદોલન શરૂ કર્યું, જેમાં પોલીસદમન થયું તે પછી રોજગાર અને મજૂરીના દરોના મુદ્દે તેમાં શ્રમિકો
જોડાયા અને એકાદ કરોડ શ્રમિકોએ હડતાલ પાડતા દેશ ઠપ્પ થઈ ગયો. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪પ થી ૧૯૭પ નો ત્રીસ વર્ષનો ગાળો ફ્રાન્સ માટે મહત્ત્વપૂર્ણ હતો, પરંતુ ૧૯૬૮ ના આંદોલને ફ્રાન્સમાં બધુ જ બદલી નાંખ્યું હતું. તે પછી ફ્રાન્સ સરકારે વિદ્યાર્થી ચૂંટણીઓ કરાવવી પડી હતી, અને આ ઐતિહાસિક ઘટનાક્રમ ઈતિહાસના પાને કંડારાઈ ગયો હતો.
થાઈલેન્ડ છાત્ર
આંદોલન-૧૯૭૩
થાઈલેન્ડમાં વર્ષ ૧૯૭૩ માં ૧૪ ઓક્ટબરથી શરૂ થયેલા છાત્ર આંદોલન પછી તે સમયના વડાપ્રધાન થોનોમ કિટ્ટિકાચોર્નની સૈન્યા તાનાશાહીને ખતમ કરી દીધી હતી, અને દેશમાં પ્રથમ વખત લોકતાંત્રિક રિફોર્મ્સની દિશા ખૂલી હતી. વર્ષ ૧૯૭૩ માં રામખામહાંગ યુનિવર્સિટીમાં છાત્રોને સરકારની ટીકા કરવા બદલ કાઢી મૂકાયા અને ધરપકડો કરી લેવાઈ, તે પછી પોલીસ દમન તથા સૈન્ય ગોળીબાર પછી હિંસા ભડકી હતી અને તે પછી રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના હસ્તક્ષેપ પછી થોનોમને વડાપ્રધાનની ખુરશી છોડવી પડી અને દેશનિકાલ કરાયા હતાં, અને તે પછી થાઈલેન્ડમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ શરૂ થઈ હતી.
પોર્ટુગલમાં તાનાશાહીનો
અંત-૧૯૭૪
પોર્ટુગલમાં ૧૯૭૪ માં તાનાશાહી સામે શાંતિપૂર્ણ બળવો થયો. કાર્નેશન રિવોલ્યુશન નામની આ ક્રાંતિએ પાંચ દાયકા જુની એસ્તાદો નોવોની તાનાશાહીનો અંત લાવી દેશમાં લોકતંત્ર સ્થાપ્યું હતું. આ ક્રાંતિમાં પણ સૈન્ય યુવાવર્ગની જ મહત્તમ ભૂમિકા હતી. તે પછી પોર્ટુગલ લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ બન્યો હતો.
ટ્યુનિશિયામાં રાષ્ટ્રપતિને
ભગાડ્યા-૧૯૭૩
ટ્યુનિશિયામાં 'જેસ્મિન ક્રાંતિ'ના નામે પ્રચલિત આંદોલનમાં બેરોજગારી અને મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે થયેલ પ્રચંડ આંદોલનમાં યુવાશક્તિનું મહત્તમ યોગદાન હતું. આ આંદોલનના કારણે ર૩ વર્ષ સુધી રાજ કરનારા રાષ્ટ્રપતિ બેન અલીને દેશ છોડીને ભાગવું પડ્યું અને દેશમાં લોકતંત્રની સ્થાપના થઈ.
ઈજિપ્તનું જનઆંદોલન-ર૦૧૧
ઈજિપ્તમાં વર્ષ ર૦૧૧ માં આરબ સ્પ્રીંગ તરીકે ઓળખાતા ઐતિહાસિક આંદોલન પછી રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકની ત્રણ દાયકાની સત્તાનો અંત આવ્યો હતો. આ આંદોલનમાં પણ બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને તાનાશાહી વલણ સામે જનતા સડકો પર ઉતરી હતી, જેમાં મહત્તમ ભૂમિકા યુવાવર્ગની હતી.
ફિલિપાઈન્સમાં ચૂંટણી ગરબડો સામે આંદોલન
ફિલિપાઈન્સમાં વર્ષ ૧૯૮૬ માં તાનાશાહ માર્કોસ સામે ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ તથા તાનાશાહી વલણને લઈને થયેલા જનઆંદોલનમાં તાનાશાહે દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સ્થપાઈ હતી.
યુક્રેન-ર૦૦૪ની ઓરેન્જ ક્રાંતિ
યુક્રેનમાં ઓરેન્જ ક્રાંતિ નામનું ૧૭ વર્ષ ર૦૦૪ થી ર૦૦પ સુધી ચાલેલુ જનઆંદોલન સફળ રહ્યું અને ફરીથી ચૂંટણીઓ કરાવવી પડી હતી. આ આંદોલન ચૂંટણીમાં ગરબડો થતા જનતાના આક્રોશના કારણે થયું હતું, જે મુખ્યત્વે શાંતિપૂર્ણ રહ્યું હતું.
શ્રીલંકામાં રાજકીય
કટોકટી-ર૦રર
શ્રીલંકામાં રાજકીય કટોકટી, અંધાધૂંધી અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દે ત્રીજી એપ્રિલ-ર૦રર ના શરૂ થયેલા જનઆંદોલન પછી રાજપક્ષો મંત્રીમંડળના ર૬ મંત્રીઓએ રાજીનામા આપવા પડ્યા હતાં. તે પછી રાષ્ટ્રપતિ ગોટાબાયા સિંગાપુર ભાગી ગયા અને ૧૪ જુલાઈના રાજીનામું આપ્યું. તે પછી શ્રીલંકાની સરકારે ર૦ જુલાઈના ર૦રર ના દિવસે ગુપ્ત મતદાન દ્વારા વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લીધા, જેમણે દિનેશ ગુણવર્ધનેને વડાપ્રધાન બનાવ્યા હતાં.
બાંગલાદેશમાં જેન-ઝેડ આંદોલન-ર૦ર૪
બાંગલાદેશમાં જેન-ઝેડ આંદોલન તરીકે વર્ષ ર૦ર૪ માં થયેલા યુવા આંદોલન પછી ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણાગતિ લેવી પડી હતી. આ આંદોલનની શરૂઆત સરકારી નોકરીઓમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે રખાયેલી ૩૦ ટકા અનામત સામે હતું, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉમેરાયા અને શાંતિપૂર્ણ આંદોલન હિંસક બની ગયું તે પછી તખ્તાપલટ થયો, વચગાળાની સરકાર રચાઈ અને ચૂંટણીઓ પછી બાંગલાદેશ નેશનલ પાર્ટીના યુવાનેતા તારિક રહેમાન ફેબ્રુઆરી ર૦ર૬ થી વડાપ્રધાન છે.
નેપાળમાં ઝેન-ઝેડ
આંદોલન ર૦રપ
નેપાળમાં પણ દાયકાઓથી વારાફરતી દેશની સત્તા ભોગવતા શાસક-વિપક્ષના વડાપ્રધાનોનો તખ્તાપલટ કરતું ઝેન-ઝેડ આંદોલન ર૦રપ માં થયું હતું. આ આંદોલન એવું છાત્ર આંદોલન હતું, જેની અસરો આપણા દેશમાં પણ થઈ હોય, તેમ તાજેતરના કેટલાક છાત્ર આંદોલનો થયા છે. નેપાળમાં સરકાર સામે ભ્રષ્ટાચાર, સગાવાદ, બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને વ્યાપક જનક્રોશ હતો, તેવામાં ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધો મૂકતા યુવાવર્ગ વિફર્યો હતો અને આ પ્રતિબંધો છતાં સડકો પર મોટી સંખ્યામાં ઉતરતા આ વિરોધ-પ્રદર્શન હિંસક બન્યું અને સુરક્ષાદળોની સાથે ઘર્ષણ થયું. તે પછી થયેલી સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સ્વતંત્રત પાર્ટી, જે આંદોલનકારી નેતાઓ દ્વારા સમર્પિત હતી, તેને બહુમત મળ્યો અને વર્ષ ર૦રપ માં ૩પ વર્ષિય યુવાનેતા બાલેન શાહ નેપાળના વડાપ્રધાન બન્યા છે. શ્રીલંકા પછી બાંગલાદેશ અને નેપાળમાં સફળ રહેલા ઝેન-ઝેડ અથવા ઝેન-જી આંદોલનો પછી વિશ્વના ઘણાં દેશોમાં યુવાવર્ગ જાગૃત બન્યો છે, તો સરકારો પણ સતર્ક બની ગઈ છે.
આઝાદી પછીના ભારતમાં છાત્ર-યુવા આંદોલનની તવારીખ
આઝાદી પછી ભારતમાં ઘણાં આંદોલન થયા, તે પૈકીના કેટલાક છાત્ર-યુવા આંદોલનની ચર્ચા આ લેખમાળામાં તાજેતરમાં કરી છે, પરંતુ સુપ્રિમ સંક્ષિપ્તમાં એક વિહંગાવલોકન કરીએ.
વર્ષ ૧૯પર-પ૩ માં ભાષા આધારિત રાજ્યોની રચના માટે ગાંધીવાદી પોટ્ટી શ્રીરામુલુએ પ૮ દિવસના ઉપવાસ કર્યા હતાં. તેઓના ૧૯પર માં નિધન પછી આંધ્રપ્રદેશમાં પણ ઉગ્ર આંદોલન થયું, જેની સામે નહેરૂ સરકાર ઝુકી હતી, અને ૧૯પ૬ માં 'રાજ્ય પુનઃગઠન અધિનિયમ' પસાર થયો હતો.
વર્ષ ૧૯૭૩-૭૪ માં ઐતિહાસિક નવનિર્માણ આંદોલન પછી ગુજરાત વિધાનસભા ભંગ કરવી પડી હતી અને તે પછી ગુજરાતમાં જનતા મોરચાની પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ હતી.
વર્ષ ૧૯૭૪ માં બિહારના છાત્ર આંદોલન પછી રાષ્ટ્રીય કક્ષાનું જે.પી. આંદોલન થયું. તે પછી કટોકટી આવી અને તે પછી ૧૯૭૭ માં કેન્દ્રમાં જનતા પાર્ટીની પહેલી બિનકોંગ્રેસી સરકાર રચાઈ હતી.
વર્ષ ર૦૧૧ માં જન લોકપાલના મુદ્દે અન્ના આંદોલન થયું હતું. તે પછી યુપીએ સરકાર ઝુકી હતી અને આ આંદોલન પછી કેજરીવાલે આમ આદમી પાર્ટી સ્થાપી હતી.
વર્ષ ર૦૧પ માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પછી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સત્તા ખૂંચવાઈ ગઈ હતી અને સ્વ. વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતાં.
વર્ષ ર૦૧પ માં પ્રબળ વિરોધ પછી જમીન સંપાદન બિલ પાછું ખેંચાયું હતું.
વર્ષ ર૦ર૧ માં કિસાન આંદોલન પછી ત્રણ નવા કૃષિકાયદા પાછા ખેંચાયા હતાં.
વર્ષ ર૦ર૬ માં તાજેતરમાં નીટ પેપરલીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
વર્ષ ર૦ર૬ માં તાજેતરમાં જ ઝારખંડની સોરેન સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારીને પીછેહઠ કરવી પડી.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial