Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ મારી (મૃત) આત્મકથા બેવડાઓને અર્પણ કરૃં છું.
બાવળિયાની જાડિઓમા સતત વ્યસ્ત રહેતો હું ''ભીમો પોટલી'' સવારથી અત્યાર સુધીમાં જેલના સળિયા અસંખ્યવાર ગણી ચૂક્યો છું અને આથી પ્રમાણિત કરૃં છું કે તેમાં કોઈ વધઘટ નથી.
સાહેબ, આ દુનિયામાં બે પ્રકારના આત્મકથાકારો હોય છે. એક એવા જે જેલમાંથી છૂટીને મોટા વિચારક બને અને દેશને માર્ગદર્શન આપે, અને બીજા મારા જેવા જે જેલમાં જઈને માત્ર એ વિચારતા હોય કે 'આ વખતે દેશી દારૂમાં નવસાર વત્તા મરચાનો પાવડર કેમ થોડો વધારે પડી ગયો?'
હા, હું એ જ કમનસીબ બુટલેગર છું, જેને અખબારોવાળા 'લઠ્ઠાકાંડનો મુખ્ય સુત્રધાર' કહે છે. આજે નવરો બેઠો હતો અને જેલના સળિયા ગણતો હતો, ત્યાં વિચાર આવ્યો કે મહાત્મા ગાંધીથી માંડીને સચિન તેંડુલકર સુધી બધા પોતપોતાની આત્મકથા લખે છે, તો મેં શું ગુનો કર્યો છે? (અરે હા, ગુન્હો તો બહુ મોટો કર્યો છે, પણ આત્મકથા લખવાનો તો હજુ સુધી કોઈ કાયદો બન્યો નથી!)
મારી બુટલેગિંગમાં 'પાર્ટ ટાઈમ'માંથી 'ફુલ ટાઈમ' એન્ટ્રી નાટ્યાત્મક રીતે થઈ છે.
મારી કારકિર્દીની શરૂઆત બહુ પવિત્ર ઈરાદાઓથી થઈ હતી. બાળપણમાં મને વિજ્ઞાન વિષયમાં ભારે રસ હતો. ખાસ કરીને રસાયણશાસ્ત્ર. સ્કૂલમાં અમારા સાયન્સના શિક્ષક કહેતા, ''બેટા, બે કેમિકલ ભેગા કરો એટલે ત્રીજું જ તત્વ બને!* બસ, આ જ વાત મારા મગજમાં ઘર કરી ગઈ.
મોટા થઈને જ્યારે નોકરી ન મળી, ત્યારે મેં વિજ્ઞાનનો આ સિદ્ધાંત ધંધામાં ઉતાર્યો. મેં વિચાર્યું કે જ્યારે સરકાર બધી વસ્તુઓ પર ટેક્સ લે છે, ત્યારે માણસને પોતાની મરજી મુજબ 'રસાયણ' પીવાની છૂટ કેમ નથી? બસ, આ જ સામાજિક સેવાની ભાવનાથી મેં દેશી દારૂના ધંધામાં પદાર્પણ કર્યું.
મેં શરૂઆતમાં નાના પાયે કામ શરૂ કર્યું. બે ટીપડાં, એક પાઈપ અને થોડો ગોળ. આ બધું ભેગું કરી અને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો.પણ જેમ દરેક સફળ સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સની પાછળ ઇનોવેશન (નવીનતા) હોય છે, તેમ મેં પણ મારા ધંધામાં 'રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ' વિભાગ શરૂ કર્યો. મારા ઇડ્ઢ વિભાગમાં માત્ર એક જ માણસ હતોહું પોતે!
મેં મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી મારા ધંધા ના એમ.ડી. હોવાને કારણે મેં જ ઘડી છે.
ગ્રાહકોને તો દર વખતે કઈંક નવું જોઈએ. સામાન્ય ગોળ-મહુડાનો દારૂ તો બહુ જૂનો થઈ ગયો હતો. ગ્રાહકો આવીને કહેતા, ''ભાઈ, કંઈક એવું આપો કે એક ઘૂંટડો મારીએ ને સીધા મંગળ ગ્રહ પર પહોંચી જઈએ!''
બસ, આ 'મંગળ ગ્રહ'વાળી માંગણી પૂરી કરવામાં મારો અખતરો ઊંધો પડ્યો.
મેં ભઠ્ઠીમાં થોડો યુરિયા ઉમેર્યો, થોડો નવસાર નાખ્યો, અને કલર પકડવા માટે બેટરીનું પાણી રેડ્યું. મને થયું કે આને કહેવાય 'ઓર્ગેનિક એન્ડ ડિજિટલ મિશ્રણ'. મેં એનું નામ રાખ્યું હતું'સુપર રોકેટ!'
પણ મને ક્યાં ખબર હતી કે મને આ રોકેટ સીધું થાણા સુધી પહોંચાડશે!
મારો આ લઠ્ઠો પીને ગ્રાહકો મંગળ ગ્રહ પર તો ના પહોંચ્યા, પણ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં જરૂર પહોંચી ગયા. સવારે ખબર પડી કે ૫૦ જણાની આંખે અંધારા આવી ગયા છે અને ૩૦ જણા ગાયબ થઈ ગયા છે.
મારા એરિયામાં અચાનક એમ્બ્યુલન્સની, પોલીસની સાયરનો વાગવા લાગી. મને પહેલીવાર થયું કે આ દેશમાં કલા અને સાયન્સની કોઈ કદર જ નથી!
પોલીસ, પત્રકારો અને મારી પકડમપકડી ચાલુ થઈ.
લઠ્ઠાકાંડ થયો એટલે પોલીસ પણ 'એક્શન મોડ'માં આવી ગઈ. આમ તો અમુક લોકો સાંજે મારી ભઠ્ઠી પાછળ આવીને *ભાઈ, બે કટિંગ આપજે ને!* કહીને મફતમાં હપ્તો લઈ જતા હતા. પણ જેવા ન્યૂઝ ચેનલ વાળા આવ્યા કે તરત જ સિંઘમ બની ગયા!
ટીવી પર પત્રકારો બૂમો પાડતા હતાઃ *જુઓ આ નરાધમને! આણે આખા શહેરને ઝેર પાયું છે!*
મને મનમાં થયું, 'અરે ભાઈ, મેં તો ગ્રાહકની ડિમાન્ડ પર કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ બનાવી હતી! આમાં મારો શું વાંક?'
હું ભાગીને ખેતરોમાં સંતાઈ ગયો. મારી પકડમપકડી માટે સરકારે વિશેષ એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવી. મને લાગ્યું કે ચલ, જિંદગીમાં પહેલીવાર મારે લીધે કોઈને રોજગારી તો મળી!
છેવટે એક દિવસ હું બાજરીના ખેતરમાંથી પકડાયો. પોલીસે મને એ રીતે પકડ્યો જાણે હું કોઈ આંતરરાષ્ટ્રીય માફિયા હોઉં! મીડિયાના કેમેરા સામે મારો ચહેરો ઢાંકવા માટે એમણે મને કાળો રૂમાલ બાંધ્યો. મને ઘડીક તો એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મનો હીરો છું અને મારો સત્કાર થઈ રહૃાો છે, પણ પછી પીઠ પર પડેલી પેલી 'પોલીસિયા લાકડી'એ મને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું!
મારો જેલ પ્રવાસ એક નવી એકેડેમી જેવો રહૃાો છે.
જેલમાં ગયા પછી મને ખબર પડી કે અહીં તો આખું 'બુટલેગિંગ યુનિવર્સિટી' ચાલે છે. મારી બાજુ બેઠેલો કેદી વિદેશી દારૂનો મોટો દાણચોર હતો. એણે મને કહૃાું, ''અરે પાગલ, તું દેશી લઠ્ઠામાં કેમિકલ નાખવા ગયો એટલે અંદર આવ્યો. તારે તો ઈમ્પોર્ટેડ બોટલમાં કલર્ડ વોટર (રંગિન પાણી) ભરીને વેચવું જોઈતું હતું! એમાં ક્યારેય લઠ્ઠાકાંડ ના થાય, માત્ર પેટ સાફ થાય!''
મારે કબૂલવું પડશે કે જેલમાં મને બિઝનેસ મેનેજમેન્ટના એવા પાઠ શીખવા મળ્યા જે આઈઆઈએમમાં પણ નથી શીખવાડતા.
પોલીસવાળા પૂછપરછમાં મને પૂછતાઃ ''તારી ભઠ્ઠી ક્યાં હતી?''
હું કહેતોઃ ''સાહેબ, દિલમાં ભઠ્ઠી બળે છે, બાકી કુદરતના સાનિધ્યમાં ઝાડીઓની પાછળ હતી!''
આત્મકથાનો સારાંશ
આજે જેલના સળિયા પાછળ બેસીને હું એક જ વાત શીખ્યો છું: વિજ્ઞાનનો અતિરેક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભાજપ અને કોંગ્રેસ જેમ ક્યારેય મિત્રો ન બની શકે તેમ ગોળ અને નવસાર ક્યારેય સારા મિત્રો બની શકતા નથી.
જ્યારે તમારી પ્રોડક્ટ સુપરહીટ થાય, ત્યારે માર્કેટમાંથી ગાયબ થઈ જવું, નહીં તો પોલીસ તમને ગાયબ કરી દેશે!
હવે હું જેલમાંથી બહાર નીકળીને કોઈ નવો ધંધો શરૂ કરવાનો વિચાર કરૃં છું. કદાચ 'આયુર્વેદિક ઉકાળા' વેચવાનો! કારણ કે એમાં ગમે તેટલું ખરાબ કેમિકલ નાખો, લોકો એને 'સ્વાસ્થ્ય માટે સારૃં' સમજીને પી જાય છે અને કોઈ લઠ્ઠાકાંડનો કેસ પણ નથી થતો!
જો તમને મારી આત્મકથા ગમી હોય, તો જેલમાં મને મળવા આવજો... હા, પણ આવો ત્યારે દુખાવાની દવા લેતા આવજો, મહેમાનગતિની એલર્જી થઈ ગઈ છે!
વિચારવાયુઃ- દારૂબંધી હટી જાય તો ઘણાં લોકો પગાર લેતા થઈ જાય.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial