Advertisement
Author: નોબત સમાચાર

સુરતમાં બે કલાકમાં ૬ ઈંચ વરસાદઃ સાર્વત્રિક મેઘવૃષ્ટિ

હાલારમાં હરખની હેલીઃ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક શ્રીકાર વર્ષાઃ રાજ્યના ૧૫૯ તાલુકામાં ધોધમાર વરસાદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૩: જામનગર અને દ્વારકા જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રીકાર વરસાદના વાવડ છે. સુરતમાં આભ ફાટયુ હોય તેમ બે કલાકમાં ૬ ઈંચ જેવો વરસાદ પડયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૯ તાલુકાઓમાં સારો વરસાદ પડયો છે. હાલારમાં હરખની હેલી જેવો માહોલ છે.

ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરુ થઈ ગયો છે આજના આંકડા અનુસાર સુરતમાં સવારના બે કલાકમાં જ સુરતમાં છ ઇંચ જેટલો વરસાદ પડી જતાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરતથી મળતાં અહેવાલો અનુસાર માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણ સમા પાણીમાં ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહૃાા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાળીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહૃાો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઇનિંગ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતાં શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન ખોરવાઈ ગયું છે.

ગુજરાતમાં ૧૬મી જુને ચોમાસાનો પ્રવેશ થયા બાદ આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે. આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ ૧૬ ટકા વરસાદ વરસી ચૂકયો છે. હવામન વિભાગે આગામી સાત દિવસ રાજયમાં મેઘમહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ૧ વાગ્યા સુધી રાજયમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. જયારે ૨૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ પ્રથમ વરસાદમાં જ જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે.

રાજયમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૯ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ જોડિયામાં ૭.૧૭ ઈંચ, મેંદરડામાં ૫.૭ ઈંચ, અમીરગઢ,માં ૫.૦ ઈંચ, કેશોદ  ૪.૯ ઈંચ, કાલાવડ ૪.૬ ઈંચ અને પલસાણામાં ૫.૬ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે (૨૩મી જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહીઃ   વિવિધ એલર્ટ અપાયા

હવામાન વિભાગ અનુસાર, આજે (૨૩મી જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

૨૪ જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના ૧૬ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

૨૫ જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી ૨૬ થી ૨૮ જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh