Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્રકારો અને મહાનુભાવોનું સન્માનઃ અમદાવાદ પ્લેન ક્રેશના દિવંગતોને શ્રદ્ધાંજલિ
જામનગર તા. ૨૩: જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા જામનગર પત્રકાર મંડળ દ્વારા તાજેતરમાં આ વર્ષના હોદ્દેદારોની નિમણૂક થયા બાદ પત્રકારોનો પરિવાર સાથેનો પ્રવાસ યોજાયો હતો. જેમાં પત્રકાર મંડળના સભ્યો જામનગર કાલાવડ હાઈવે પર આવેલ સપડાના પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર તથા વડીલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં પારિવારિક પ્રવાસ યોજાયો હતો.
દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા તથા લોકોના પ્રશ્નને વાંચા આપતા પત્રકારો સતત ફરજ પર રહી લોકો સુધી સમાચાર પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. ત્યારે કામના ભારણ અને તણાવથી દૂર રહી પોતાના પરિવાર સાથે પારિવારિક આનંદ માણી શકે તે માટે જામનગર પત્રકાર મંડળના સભ્યો માટે પારિવારિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન મંડળના સભ્યોએ સૌપ્રથમ જામનગરના સપડામાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિ દાદાના દર્શનનો લાભ લીધો હતો. આ તકે મંદિરના મહંત મિલનગીરી મહારાજે દર્શન માટે પહોચેલા પત્રકારો અને તેના પરિવારજનોને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ પત્રકારો પરિવાર સાથે અલિયાબાડા પાટિયા પાસે વિજરખી નજીક કંકુ નગરમાં આવેલા વડીલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી પરેશભાઈ જાનીના આમંત્રણને માન આપી વડીલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
જામનગર પત્રકાર મંડળના સભ્યો વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા જ્યાં સામાન્ય સભા પણ યોજાઈ હતી. તેમાં સૌ પ્રથમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર પત્રકાર મંડળ ના પ્રમુખ ભરતભાઈ રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી કિંજલભાઈ કારસરીયાએ મંડળની પ્રવૃત્તિઓ અને મંડળ વિશેનો પરિચય આપ્યો હતો. આ તકે વડીલ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીનું મોનાબેન ભરતભાઇ રાવલ અને રીટાબેન સંજયભાઈ જાની દ્રારા બહુમાન કરાયું હતું. જ્યારે ટ્રસ્ટી રાજેનભાઈ જાનીનું સુનીતાબેન ડોલરભાઈ રાવલ અને ડિમ્પલબેન જગતભાઈ રાવલ દ્વારા તેમજ અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદીનું દીનાબેન રમણીકભાઇ બારડ અને રેશ્માબેન કિંજલભાઇ કારસરીયા દ્વારા શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
વડીલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને તેમણે વૃધાશ્રમ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિઓ અંગે પત્રકારોના પરિવારજનોને માહિતગાર કર્યા હતા. પત્રકાર મંડળના સભ્યોને વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાના નિર્ણયને બિરદાવ્યો હતો.
વડીલ વાત્સલ્ય ધામના ટ્રસ્ટીઓ દ્વારા પણ જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારો પ્રમુખ ભરતભાઇ રાવલ, ઉપપ્રમુખ સંજયભાઈ આઇ. જાની, મંત્રી કિંજલભાઈ કારસરીયા તથા ખજાનચી સૂચિતભાઇ બારડનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ધારશીભાઈ બેરડીયા પણ ઉપસ્થિત રહૃાા હતા અને પોતાની આગવી શૈલીમાં હાસ્ય કળાથી પેટ પકડીને પત્રકારો અને તેના પરિવારજનો સાથે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને હસાવ્યા હતા.
આ પારિવારિક પ્રવાસનું સંચાલન માધવી બુજડ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ક્વિઝ સહિતની વિવિધ ગેમ્સ પણ તેમણે રમાડી હતી જેમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ખજાનચી સૂચિતભાઈ બારડે કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial