Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા શારદાપીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પાવન સંદેશ

ગુરૂપૂર્ણિમા (વ્યાસ પૂર્ણિમા) ઉત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩૦: આષાઢ શુક્લ પૂર્ણિમાનો આ પુણ્ય દિવસ ભારતીય સનાતન વૈદિક પરંપરામાં ગુરૂતત્ત્વની આરાધનાનો મહાપર્વ છે. આ માત્ર કોઈ મહાપુરૂષના જન્મ કે સ્મૃતિનો ઉત્સવ નથી, પરંતુ તે અનાદિ જ્ઞાનપરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે, જેના દ્વારા શ્રુતિનું અમૃત, આત્મવિદ્યાનો પ્રકાશ અને મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ યુગાનુયુગ ગુરૂથી શિષ્ય સુધી અવિચ્છિન્ન રીતે પ્રવાહિત થતું આવ્યું છે. આથી જ આ પર્વ 'ગુરૂપૂર્ણિમા' ઉપરાંત 'વ્યાસપૂર્ણિમા' તરીકે પણ પ્રસિદ્ધ છે.

ભારતીય દર્શનનું મૂળ તત્ત્વ એ છે કે મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ આ નશ્વર શરીર, ચંચળ મન અથવા મર્યાદિત બુદ્ધિ નથી, પરંતુ નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત આત્મા છે. છતાં અનાદિકાળથી રહેલી અવિદ્યાના કારણે જીવ પોતાનાં આ સ્વરૂપને વિસ્મરી સંસારના સુખ-દુઃખ, રાગ-દ્વેષ તથા જન્મ-મરણના ચક્રમાં બંધાયેલો રહે છે. વેદાંતનો સમસ્ત પ્રયોજન આ અવિદ્યાનું નિવારણ કરવાનું છે. તેથી જ ઉપનિષદો ઘોષણા કરે છે 'ભઘ્ૅબ્ંજ્ઞ્ક્રક્રલૃ્રૂક્રષ્ટ જીક્ર  ટક્રળ્સ્ઋક્રશ્વંક્રબ્અટહૃ્નશ્વભ ક્ર' આત્મતત્ત્વનું જ્ઞાન સદ્ગુરૂ વિના પ્રાપ્ત થઈ શકતું નથી.

ગુરૂ શિષ્યને કોઈ નવું સત્ય આપતા નથી, કારણ કે સત્ય તો નિત્યસિદ્ધ છે. ગુરૂ તો શાસ્ત્રપ્રમાણ અને યુક્તિસંગત ઉપદેશ દ્વારા શિષ્યના અંતઃકરણ પર પડેલા અજ્ઞાનના આવરણને દૂર કરે છે. જ્યારે અવિદ્યાનો નાશ થાય છે ત્યારે જીવ પોતાનાં બ્રહ્મસ્વરૂપનો અનુભવ કરે છે. આથી જ વેદાંતમાં ગુરૂને પરબ્રહ્મના પ્રતિનિધિ અને બ્રહ્મવિદ્યાના સાક્ષાત્ પ્રકાશસ્વરૂપ માનવામાં આવ્યા છે.

ભગવાન શ્રીનારાયણથી પ્રસરેલી આ જ્ઞાનધારા બ્રહ્મા, મહર્ષિ વસિષ્ઠ, શક્તિ, પરાશર, ભગવાન વેદવ્યાસ, શ્રી ગૌડપાદાચાર્ય, શ્રી ગોવિંદભગવત્પાદાચાર્ય અને આદિ જગદ્ગુરૂ ભગવાન શ્રી શંકરભગવત્પાદાચાર્ય સુધી અવિરત રીતે વહેતી રહી છે. આ અવિચ્છિન્ન ગુરૂપરંપરાએ જ વેદોના યથાર્થ અભિપ્રાયને સુરક્ષિત રાખ્યા છે અને બ્રહ્મવિદ્યાને જીવંત પરંપરા તરીકે વિશ્વ સમક્ષ પ્રતિષ્ઠિત કરી છે.

ભારતીય અધ્યાત્મમાં ભગવાન વેદવ્યાસનું સ્થાન અદ્વિતીય છે. તેમણે વેદોનું વિભાજન કરીને તેમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, બ્રહ્મસૂત્ર દ્વારા ઉપનિષદોના તત્ત્વજ્ઞાનનું સૂત્રીકરણ કર્યું તથા મહાભારત અને પુરાણો દ્વારા ધર્મને લોકજીવન સાથે જોડ્યો. આથી વેદવ્યાસ માત્ર એક મહર્ષિ જ નહીં, પરંતુ સમગ્ર વૈદિક જ્ઞાનપરંપરાના મૂર્તિમાન સ્વરૂપ માનવામાં આવે છે.

કાળક્રમે જ્યારે વેદાંતનું યથાર્થ સ્વરૂપ વિવિધ મત-મતાન્તરોના આવરણથી ઢંકાવા લાગ્યું, ત્યારે ભગવાન સદાશિવના અવતાર આદિ જગદ્ગુરૂ ભગવાન શ્રી શંકરભગવત્પાદાચાર્યે બ્રહ્મસૂત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને મુખ્ય ઉપનિષદો પર પોતાના અદ્વિતીય ભાષ્યો દ્વારા અદ્વૈત વેદાંતની પુનઃપ્રતિષ્ઠા કરી. તેમણે પ્રતિપાદિત કર્યું કે મોક્ષ કોઈ કર્મવિશેષનું ફળ નથી, પરંતુ આત્મસ્વરૂપના જ્ઞાનથી પ્રાપ્ત થતી અવિદ્યાનિવૃત્તિ છે. ભારતની ચારેય દિશાઓમાં આમ્નાય પીઠોની સ્થાપના કરીને તેમણે ગુરૂ-શિષ્ય પરંપરાને સદૃઢ આધાર આપ્યો અને ધર્મ, દર્શન તથા સંસ્કૃતિની અખંડ જ્યોતિને યુગયુગાંતર સુધી પ્રજ્વલિત રાખવાની વ્યવસ્થા કરી.

ગુરૂપૂર્ણિમાનો વાસ્તવિક સંદેશ માત્ર ગુરૂપૂજન કરવાનો નથી, પરંતુ ગુરૂના ઉપદેશને પોતાના જીવનમાં પ્રતિષ્ઠિત કરવાનો છે. શ્રદ્ધા ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે શાસ્ત્રાધ્યયનમાં પરિણમે; શાસ્ત્રાધ્યયન ત્યારે જ સફળ બને છે જ્યારે તે મનન અને નિદિધ્યાસનમાં પરિણમે; અને સાધના ત્યારે જ પૂર્ણતા પામે છે જ્યારે આત્મસ્વરૂપનો બોધ જીવનનો આધાર બની જાય. એ જ સાચી ગુરૂદક્ષિણા છે, એ જ સાચી ગુરૂભક્તિ છે અને એ જ ભારતીય ઋષિપરંપરાનો યથાર્થ સન્માન છે.

આજે આવશ્યકતા એ છે કે આપણે પોતાના જીવનમાં સત્ય, ધર્મ, કરૂણા, સંયમ, સ્વાધ્યાય અને આત્મચિંતનને પુનઃસ્થાપિત કરીએ. સમાજની સ્થાયી શાંતિ માત્ર ભૌતિક ઉન્નતિથી નહીં, પરંતુ સદાચાર, ચારિત્ર્ય અને આત્મવિદ્યાથી શક્ય બને છે. જે સમાજમાં ગુરૂ પ્રત્યે આદર, શાસ્ત્રોમાં નિષ્ઠા અને ધર્મમાં આસ્થા જીવંત રહે છે, તે સમાજ પોતાનું સાંસ્કૃતિક વૈભવ અખંડિત રાખી શકે છે.

આ પાવન વ્યાસપૂર્ણિમા-ગુરૂપૂર્ણિમાના શુભ અવસરે ભગવાન શ્રી દ્વારકાધીશ, જગજ્જનની શ્રી શારદામ્બા, ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, આદિ જગદ્ગુરૂ ભગવાન શ્રી શંકરભગવત્પાદાચાર્ય તથા ભગવાન વેદવ્યાસની કૃપાદૃષ્ટિ સમસ્ત શ્રદ્ધાળુજનો પર અવિરત વરસતી રહે. પ્રત્યેક સાધકના અંતઃકરણમાં આત્મવિદ્યા પ્રત્યેનો અનુરાગ, ગુરૂચરણોમાં અખંડ શ્રદ્ધા, શાસ્ત્રોમાં દૃઢ નિષ્ઠા તથા ધર્મપાલનનો સંકલ્પ વધુ ને વધુ મજબૂત બને. સમગ્ર માનવજાત શાંતિ, સદભાવ, આધ્યાત્મિક જાગૃતિ અને લોકમંગલના માર્ગે અગ્રેસર બનેએવી મંગલકામનાઓ સાથે પાવન શુભાશીર્વાદ.

''ધર્મનો જય થાઓ ા

અધર્મનો નાશ થાઓ ા

પ્રાણીમાત્રમાં સદ્ભાવના પ્રગટેા

વિશ્વનું કલ્યાણ થાઓ ા

ગોમાતાનો જય થાઓ ા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh