Advertisement
Author: નોબત સમાચાર

કરોડો માતા-બહેનોના આશિર્વાદથી હું દુનિયાનો ધનવાન વ્યક્તિઃ વડાપ્રધાન મોદી

જી-સફલ અને જી-મૈત્રી યોજનાનું લોન્ચીંગઃ નવસારીમાં વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સંમેલનમાં સંબોધન

નવસારી તા. ૮: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં લખપતી દીદીના સંમેલનને સંબોધિત કર્યું હતું. બે નવી યોજનાઓ લોન્ચ કરી હતી અને રપ લાખ મહિલાઓ માટે રૂા. ૪પ૦ કરોડની સહાય અર્પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસમાં આજે નવસારીની મુલાકાતે છે. આજે ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ પર પીએમ મોદી નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં અઢી લાખથી વધુ બહેનોને સહાયની ભેટ આપી. પીએમ મોદીએ લખપતિ દીદીના કાર્યક્રમને સંબોધનના આરંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મંચ પર ઉપસ્થિત મહેમાનોનો ઉલ્લેખ કરીને લખપતિ દીદી અને મોટી સંખ્યામાં આવેલ મારી માતા, બહેનો અને દીકરીઓને મહિલા દિવસની શુભકામના આપી વંદન કર્યા હતાં.

વડાપ્રધાને નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને કીટનું વિતરણ કર્યું હતું. સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં રહેલ શક્તિને ઓળખી યોગ્ય સન્માન આપ્યું છે. આજે ઉપસ્થિત થયેલ લાખો બહેનો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમામ બહેનોને પોતાના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. આજે વિશ્વ મહિલા દિવસે વડાપ્રધાનની સુરક્ષા મહિલાઓ કરી રહી છે તે મહિલાઓની શક્તિમાં રહેલો તેમના વિશ્વાસને જ આભારી છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની સાથે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

વિશ્વ મહિલા દિવસ પર નવસારીમાં યોજાયેલ લખપતિ દીદીના કાર્યક્રમમાં આજે પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસ સંભાળી રહી છે. વિશ્વ મહિલા દિવસ પર અઢી લાખ મહિલાઓને ૪૫૦થી વધુ કરોડની સહાય લખપતિદીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર કરવાની પહેલ છે. મહિલા આત્મનિર્ભર બની ઘર અને પરિવારની જવાબદારી સંભાળી શકે. ૧૫ ઓગસ્ટ ૨૨૩ના લખપતિ દીદી યોજનાની શરૂઆત થઈ હતી.

નવસારીના આજના કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના હેઠળ ભાવનાબેન, સુષ્માબહેન શાંતિલાલ રાઠવા, દક્ષાબહેન કાશીરામભાઈ સોરઠીયા, શ્રદ્ધાબહેન કેયુરભાઈ, પન્નાબેન હેમતભાઈ પટેલનું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ મોદીની પ્રેરણાથી જ ૨૬ જાન્યુઆરીની પરેડમાં પણ હવે મહિલાઓને પ્રતિનિધિત્વ અપાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દીકરીઓ લખપતિ બની અને ઘર પરિવારનો આધાર બની લખપતિ દીદી યોજનાથી બહેનો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યુ હતુ કે, આજે હુ ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું. હું જાણું છું કે અનેક લોકોના કાન ઊભા થઈ જશે પરંતુ હું તો પણ ફરી કહીશ કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. મારા જીવનના એકાઉન્ટમાં તમામ માતાઓ અને બહેનોના આર્શીવાદ છે અન આ આર્શીવાદ નિરંતર વધતા રહે છે અને એટલે જ હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. તેમનો પ્રેમ અને આર્શીવાદ મારા માટે સુરક્ષા કવચ છે. આપણે ત્યાં નારીને નારાયણી કહેવાય છે. નારીનું સન્માન એ જ દેશ અને વિકાસની પ્રથમ પગથિયું હોય છે. વિકસિત ભારત બનાવવા અને ભારતના તેજ વિકાસ માટે વુમન ડેવલપેન્ટ તરફ આગળ વધી રહૃાું છે.

અમારી સરકાર મહિલાઓ સન્માન અને સુવિધા મળે તે માટે હંરહંમેશ પ્રયાસ કરે છે. મહિલાઓ માટે શૌચાલય બનાવવ્યા. આ મહિલાઓ કહે છે મોદી એ અમને સન્માન આપ્યું છુ. અમે ઉજ્જવલા સિલિન્ડર આપી તેમને ચૂલાના ધુમાડાથી દૂર કર્યા.મહિલાઓને પ્રસૂતિ દરમિયાન ફક્ત ૧૨ અઠવાડિયાની રજા મળતી હતી તેને હવે ૨૬ અઠવાડિયા રજા મંજૂર કરી. ત્રણ તલાક મહિલાઓ વર્ષો સુધી માગ કરતી હતી તે મુસ્લિમ બહેનોનું જીવન બરબાદ થતા બચાવ્યું. ન્યાયપાલિકાઓમાં મહિલાઓને સારી ભાગીદારી રહી છે.

વડાપ્રધાને કહ્યુ કે, ગુજરાતના અમૂલની દેશભરમાં ચર્ચા છે. તેમજ લિજ્જત પાપડની શરૂઆત ગુજરાતથી થઈ. અને ગુજરાતમાં ભૂજમાં ભૂકંપ બાદ બેઠું થઈ લોકોને આત્મનિર્ભર થવાની ઓળખ ઉભી કરી.નીતિ જ્યારે સાચી હોય ત્યારે નારીનું સામર્થ્ય કેવી રીતે વધી છે તે ગુજરાતે બતાવ્યું છે. ડેરી સાથે જોડાયેલ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જાય છે. ડેરીમાં કામ કરતી મહિલાઓના પૈસા ભાઈઓને નહીં પણ બહેનનોને જ મળશે.

વડાપ્રધાને કેટલાક લોકલક્ષી સુધારાઓ વર્ણવતા કહ્યુ કે, બાળકને શાળામાં દાખલ કરે ત્યારે પહેલા પિતાનું નામ જ હતું પરંતુ ૨૦૧૪ પછી શાળામાં માતાનું નામ પણ લખાય છે. ૨૦૧૪ બાદ જલ, જીવન મિશન દ્વારા ભારતના પ્રત્યેક ગામડામાં પાણી પંહોચ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ૧૫ કરોડો જેટલા ઘરોને પાઈપથી પાણી મળ્યું છે. ગુજરાતનું પાણી સમિતિ મોડલ દેશે પણ અપનાવ્યું છે. પાણી સમિતિ મોડલ દેશના પાણીની સમસ્યાનું સમાધાન કરે છે. બુંદ બુંદ પાણીનો પકડો એટલે કે જ્યાં વરસાદનું પાણી પડે તેને વ્યર્થ ના જવા દેવો. પાણીનો યોગ્ય સંગ્રહ કરવો જોઈએ જેથી આગામી સમયમાં પાણીને લઈને વધતી મુશ્કેલીની સંભાવના જોતા પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી. નવસારીની બહેનોએ પાણી સંરક્ષણ મામલે સારું કામ કર્યું છે. વરસાદના પાણીને બચાવવા નવસારીના લોકો તળાવ, બોરવેલ જેવા પાંચ હજારથી વધુ નિર્માણ કાર્ય કર્યા છે. એક જિલ્લામાં જળ સંરક્ષણ પાયે બહું મોટુ કામ કહેવાય. દીકરો ઘરે આવે અને માતાનું મોં મલકાય તેમ આજે અંહી ઉપસ્થિત રહેલ તમામ માતાઓ વધુ આનંદિત જોવા મળી રહી છે.

તમે જ્યારે મને પ્રધાન સેવક તરીકે દિલ્હી મોકલ્યા અને એ જ પ્રતિબ્ધતા સાથે હું તમારી સેવામાં આગળ વધતો રહીશ.અમે સૌથી પહેલુ બિલ નારીને ન્યાય અપાવવા કર્યું. સંસદનું નવુ ભવન બન્યું તેમાં પહેલા કાયદો મહિલાઓ માટે પસાર કર્યો.

ગાંધીજી કહે છે કે દેશના આત્મા ભારતના ગામડામાં વસે છે અને તેમના આ ઉક્તિમાં હું વધુ એક જોડું છું કે ભારતનો આત્મા ગ્રામીણ મહિલાઓના હાથમાં છે. આજે ભારત વિશ્વની પાંચમી મહાશક્તિ બની છે તેમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા વધુ મહત્ત્વની છે. દેશને મોટાભાગની મહિલાઓ સ્વસહાય જૂથ ચલાવી રહી છે. અમે કરોડો મહિલાઓને સશક્ત કરવા બેટી બચાવો, સખી યોજના અને કુંવરબાઈનું મામેરું જેવી મહિલાઓ માટે યોજના અને લખપતિ દીદી જેવી યોજનાનો યોગદાન. લખપતિ દીદી યોજના હેઠળ ૧ કરોડ મહિલાઓ લખપતિ દીદી છે

આજે વડાપ્રધાને કહ્યુ કે આજે નમો ડ્રોન યોજના હેઠળ ગામડામાં ક્રાંતિ થઈ રહી છે. મહિલાઓ આ યોજના હેઠળ નવો વિકાસ કરતાં ઘર અને ગામને સન્માન અપાવી રહી છે. વીમા સખી અને લખપતિ દીદી જેવી યોજનાએ મહિલાઓને આગળ વધવા અને આવક વધારવા નવા અવસર આવે છે. બળાત્કાર જેવા કેસમાં ૬૦ દિવસની અંદર તેમજ ૪૫ દિવસની અંદર એફઆઈઆર દાખલ કરાય તેવી નવા કાનૂનમાં જોગવાઈ. નવા કાનૂન મુજબ ક્યાંયથી પણ ઈ-એફઆઈર કરી શકાશે. કોઈપણ મહિલા પોતાના પર અત્યાચાર થવા પર કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકે છે. હવે રેપ વિકટીમનું નિવેદન લેવા પોલીસ ઓડીયઓ અને વિડીયોના માધ્યમથી ફરિયાદ લઈ શકે છે. હવે રેપના રીપોર્ટ માટે તત્કાલ મેડિકલ રિપોર્ટ કરવાની અપીલ કરાઈ છે. ગત વર્ષે સુરતમાં ઓક્ટોબરમાં મહિલા પર ગેંગરેપ થયો તેમાં ફક્ત ૧૫ દિવસની આરોપ નક્કી થયા અને કેટલાક દિવસ પહેલા જ આરોપીની સજા આપી.

ભારતીય ન્યાયસંહિતા મુજબ દેશભરમાં મહિલાઓ અને ખાસ પર રેપ જેવા કિસ્સામાં ન્યાયિક પ્રક્રિયા જલદી હાથ ધરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૮૦ દિવસની અંદર જ બળાત્કારના આરોપીને સજા સંભળાવામાં આવી.

મોદીએ કહ્યું કે, સરકારના મુખ્યા રુપે તમારા સેવર તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે તમારા સપનાના રસ્તામાં કોઈ અડચણ નહીં આવે. એક પુત્ર જે રીતે માતાની સેવા કરે તે જ ભાવથી હું ભારત માતા અને તમારી સેવા કરું છું. મને વિશ્વાસ છે કે તમારા આર્શીવાદ મને હંમેશાં મળશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું સંબોધન પૂર્ણ કરતા સમારોહમાં હાજર તમામ માતા અને દીકરીઓને ફરી એકવાર વિશ્વ મહિલા દિવસની શુભકામના આપી. અને અંતમાં તેમણે કહૃાું કે આજે નારીનો અવાજ બહુ ઊંચો હોવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh