Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૧૩ આસામી સામે બેંક ખાતા વાપરવા આપવા અંગે નોંધાઈ ફોજદારી

રૂ.૬૦ લાખથી વધુના કરાયા છે ટ્રાન્ઝેક્શનઃ અમૂકે મેળવ્યા છે કમીશનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર શહેર તથા જિલ્લામાં જુદા જુદા સમયે કેટલાક આસામીઓ સાથે અલગ અલગ રીતે ઈન્ટરનેટના માધ્યમથી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ આસામીઓએ ફ્રોડ વ્યક્તિઓના કહેવામાં આવી જઈ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અંદાજે રૂ.૬૦ લાખથી વધુની રકમ જમા કરાવી આપી હતી અને પાછળથી તેઓને ઠેંગો બતાવી દેવાયો હતો. આ બાબતની શરૂ કરાયેલી તપાસમાં ગઈકાલે વધુ ૧૩ શખ્સ સામે ફ્રોડ કરનાર વ્યક્તિઓને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપવા અંગે પોલીસે ખુદ ફરિયાદી બની છ ગુન્હા રજીસ્ટર કર્યા છે.

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં આવેલા ચૂનાના ભઠ્ઠા પાસે કેટલાક આસામીઓ સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરાઈ હતી. ઠગાઈ કરનાર શખ્સોએ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા શબ્બીરહુસેન સીદીક બ્લોચ તથા હર્ષદ મીલની ચાલી પાસે જાગૃતિ સોસાયટીમાં રહેતા આફતાબ તારમામદ સમા નામના બે આસામીના બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૩૧,૫૩,૯૦૦ની રકમ જમા કરાવ્યા પછી મેળવી લીધી હતી. ઉપરોક્ત બાબતના સગડ મેળવી ત્યાં સુધી પહોંચેલી પોલીસે આખરે શબ્બીરહુસેન તથા આફતાબ સમા સામે બીએનએસની કલમ ૩૧૭ (ર), ૬૧ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે. જમાદાર વિજય કાનાણીએ ખુદ ફરિયાદી બની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

કાલાવડ પંથકમાં પણ કેટલાક આસામીઓએ ફ્રોડમાં ફસાઈ જઈને પોતાની રકમ ગૂમાવી હતી. તેની ફરિયાદ થયા પછી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે હાથ ધરેલી તપાસમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કેશવારા ગામના વતની અને હાલમાં જેતપુરમાં ખોળપરામાં રહેતા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા તથા જેતપુરના બાવાવાળા પરામાં રહેતા જય દિલીપભાઈ માંડવીયા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

આ આસામીઓએ રૂદ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રૂ.૧૧,૨૫,૪૯૫ જમા કરાવડાવી તેમાંથી રૂ.૩૩ હજાર યુવરાજસિંહે પોતાના કમીશન પેટે રાખી લઈ બાકીની રકમ જય માંડવીયાને આપી દીધી હતી. કાલાવડના જમાદાર એમ.એમ. ચાવડાએ ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ તથા જય માંડવીયા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં બાલમંદિર પાસે રહેતા મહંમદસફી ગફાર કકલ તથા હુસેની ગેઈટ નજીક ઝુલેખા મસ્જિદ પાસે રહેતા સુલતાન આલુલા નામના શખ્સોએ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપી દીધા હતા. જેમાં રૂ.૯ લાખ ૭ર હજારના ટ્રાન્ઝેક્શન થયા હતા. સિટી એ ડિવિઝનમાં જમાદાર વાય.એન. સોઢાએ ખુદ ફરિયાદી બની બંને સામે ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારથી આગળ આવેલા સેતાવાડ નજીક જીવાસેતાના ડેલામાં રહેતા સાહિલ સતાર જુનાણી નામના બેંકના ખાતાધારકે સાહિદ તથા અલ્ફેઝ નામના વ્યક્તિઓના એટીએમ કાર્ડ મેળવી લઈ તેઓના ખાતામાં રૂ.૨૦ હજાર વિથ-ડ્રો કરાવ્યા હતા. જમાદાર ડી.એમ. જાડેજાએ ત્રણેય સામે ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના અંધાશ્રમ આવાસના બ્લોક નં.૩૦માં રહેતા અંકિત મુકેશભાઈ બારોટ તથા નિલકમલ સોસાયટીમાં રહેતા દેવ ઉર્ફે ડી.કે. ભટ્ટ નામના શખ્સોએ પોતાના બેંક ખાતામાં રૂ.૪ લાખ ૯૯ હજાર જમા કરાવી લીધા હતા. સિટી સી ડિવિઝનના જમાદાર એસ.એમ. જાડેજાએ બંને સામે ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના જોડિયા-ભુંગા વિસ્તારમાં રહેતા શબ્બીર અબ્દુલ નાંગીયા નામના આસામીએ જોગર્સ પાર્ક પાસે આવેલી ઉજ્જવલ બેંકમાં પોતાના રહેલા ખાતામાં કાલાવડ નાકા બહાર સનસિટી સોસાયટીમાં રહેતા મુનવ્વર મનસુર બુચડ સાથે મળી રૂ.૩ લાખ પોતાના બેંક ખાતામાં મેળવ્યા હતા અને અનઓથોરાઈઝડ ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. સિટી બી ડિવિઝનના જમાદાર સોયબ મકવાએ બંને સામે ગુન્હો નોંધાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh