Advertisement
Author: નોબત સમાચાર

હોબાળા વચ્ચે લોકસભામાં એન્ટી પેપરલીક બિલ રજૂઃ વિપક્ષની નારેબાજી

દસ વર્ષની સજા, દસ કરોડ સુધીનો દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્રણ મહિનામાં ફેસલાની બીલમાં જોગવાઈઃ સંસદના બન્ને ગૃહો બપોર સુધી સ્થગિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: આજે સંસદમાં હોબાળાના કારણે બન્ને ગૃહો બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાયા હતા, તે પહેલા લોકસભામાં સરકારે એન્ટી પેપરલીક બીલ રજૂ કર્યુ છે, અને તે પહેલા ગઈકાલે કેન્દ્ર સરકારે પરીક્ષા પદ્ધતિ અંગે ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આજે પૂર્વમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદ પહોંચ્યા, ત્યારે તેનું એનડીએના સાંસદોએ સ્વાગત કર્યુ, જેની વિપક્ષે ટીકા કરી હતી. વિપક્ષે સંસદમાં વિવિધ મુદ્ે નારેબાજી કરી હતી.

આજે એન્ટી પેપર લીક બિલ રજૂ થતા જ લોકસભામાં હોબાળો થયો હતો. સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે લોકસભામાં 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, ૨૦૨૬' રજૂ કર્યું છે. નીટ વિવાદ બાદ પરીક્ષા પારદર્શકતા વધારવા આ બિલ લાવવામાં આવ્યું છે.

વિપક્ષના ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. સરકારે નંદન નીલેકણીના વડપણ હેઠળ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. નીટ વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી હતી, જે આજે હોબાળા વચ્ચે રજૂ થઈ ગયુ છે અને સ્પીકરે તેના પર વિસ્તૃત ચર્ચા માટે તમામ પક્ષોને સમય મળશે તેમ જણાવાયું છે.

જો કે, લોકસભામાં એન્ટી પેપર લીક બિલ થયા પછી વિપક્ષના આક્રમક મૂડને કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી અને ફરી એકવાર બે વાગ્યા સુધી કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

આ પહેલાં, વિપક્ષના ભારે હંગામા વચ્ચે જ લિસ્ટેડ બિઝનેસ હાથ ધરવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાનનું સ્વાગત

આ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન એનડીએ સાંસદોએ સંસદ ભવનની બહાર તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમનું સ્વાગત કર્યું. પ્રધાને નીટ પેપર લીક વિવાદ વચ્ચે ૨૫ જુલાઈએ શિક્ષણ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

મકર દ્વાર પર  વિપક્ષોનુ પ્રદર્શન

બીજી તરફ સવારે ૧૦:૩૦ વાગ્યે વિપક્ષે સંસદના મકર દ્વાર પર પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પક્ષો સરકાર પાસેથી નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે જવાબ માંગી રહૃાા છે.

કડક જેલ અને ભારે

દંડની જોગવાઈ

કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્રસિંહે રજુ કરેલા આ બિલ દ્વારા ૨૦૨૪માં બનેલા કાયદામાં ફેરફાર કરવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ કડક સજા અને ભારે દંડની જોગવાઈ હશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી શકશે. આ અદાલતોમાં રોજ સુનાવણી થશે.

આ તો ભાજપની આદત- રેણુકા ચૌધરી

સંસદ પહોંચવા પર એનડીએ સાંસદો દ્વારા ધર્મેન્દ્ર પ્રધાનનું શાલ અને મિથિલા પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવતા કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ નિશાન સાધ્યું. તેમણે કહૃાું- બિલકિસ બાનો કેસના દોષિતો સાથે પણ એમણે આવું જ કર્યું હતું. આ જ એમની આદત છે, એમની મૂલ્ય શૂન્ય છે. આ ઝીરોને હીરો બનાવે છે.

ટાસ્ક ફોર્સને કોંગ્રેસનો આવકાર

કોંગ્રેસ સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પરીક્ષા સુધારણા માટે નંદન નીલેકણીના નેતૃત્વમાં બનેલી હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સનું સ્વાગત કર્યું. તેમણે કહૃાું- આ સાચો નિર્ણય છે. સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જલદીથી જલદી નક્કર પગલાં ભરવા જોઈએ અને પેપર લીક રોકવા પર ધ્યાન આપવું જોઈએ.

બપોર સુધી બન્ને  ગૃહ સ્થગિત

સંસદની કાર્યવાહી હોબાળા સાથે શરૂ થઈ. વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં જોરદાર નારેબાજી કરી. હોબાળાને કારણે કાર્યવાહી શરૂ થયાના ૫ મિનિટની અંદર જ બંને ગૃહોની કાર્યવાહી બપોરના ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી, અને તે પછી રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત થઈ હતી, જયારે લોકસભામાં હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં મહિલાઓના ૪૮ કિગ્રા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન પણ પાઠવ્યા હતા, અને તે પછી ડો. જીતેન્દ્રસિંહે એન્ટી પેપરલીક બીલ રજૂ કર્યા પછી લોકસભા પણ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી.

આ પહેલા વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. વિપક્ષે કહૃાું છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ પર કાર્યવાહી માટે જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી તે આ મુદ્દો સંસદની અંદર અને બહાર ઉઠાવતા રહેશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ કહૃાું કે આ અત્યંત ગંભીર કિસ્સો (રેયરેસ્ટ કેસ) છે. તેના પર નિયમ ૨૬૭ હેઠળ ચર્ચા થવી જોઈએ. ખડગે બોલી જ રહૃાા હતા ત્યાં જ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. અને તે પછી બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત થઈ.

ડીએમકે સાંસદ ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ નીટ પર તાત્કાલિક પ્રતિબંધ અને જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોર અને વિજય વસંતે આક્ષેપ કર્યો છે કે ૨૦ જુલાઈના રોજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને શોક બેટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

બિલ પર આશરે ૮ થી ૧૦ કલાક ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ અને સહયોગી દળો વતી વાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, સાયોની ઘોષ, મિતાલી બાગ, ડો. શ્રીકાંત શિંદે અને અનુપ્રિયા પટેલ જેવા યુવા સાંસદો ચર્ચામાં ભાગ લેશે. નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી આજે પ્રથમ વખત પ્રશ્નકાળમાં શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબો આપશે.

નંદન નીલેકણીની અધ્યક્ષતામાં હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. જેમાં પૂર્વ ઈસરો પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ આઈબી ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણાનો સમાવેશ કરાયો છે. આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર ડો. વી. કામકોટીએ જણાવ્યું કે બેંકિંગ ક્ષેત્રની તર્જ પર 'મેકર-ચેકર' મોડલ અપનાવી પેપર સેટ કરનાર વ્યક્તિની જવાબદારી અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટ જજ સુધારા બિલ પણ પેશ થશે

આજના કાર્યસૂચિમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા 'સુપ્રિમ કોર્ટ (જજોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬' પણ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાનો છે.

એન્ટી પેપરલીક નવા  બીલમાં જોગવાઈઓ

બિલ રજૂ થાય તે પહેલાં સંસદ સભ્યોને વહેંચવામાં આવેલી નકલ અનુસાર, પ્રશ્નપત્ર લીક અથવા પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોમાં સંડોવાયેલા વ્યક્તિઓને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની જેલ અને રૂ.૫૦ લાખ સુધીના દંડનો સામનો કરવો પડી શકે છે. સંગઠિત ગુનાઓ માટે, બિલ ઓછામાં ઓછી સાત વર્ષની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના દંડની દરખાસ્ત કરે છે. બિલ અનુસાર, બધી તપાસ બે મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાનો નિર્દેશ આપવામાં આવશે જે ટ્રાયલ ઝડપી બનાવશે અને ચાર્જશીટ દાખલ કર્યાના ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh