Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં
જામનગર તા. ૪: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જામનગરમાં તેમના હસ્તકના વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, 'લખપતિ દીદી' પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તથા સ્વચ્છ ભારત મિશન સહિતની વિવિધ યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે મંત્રીને વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી.
રોજગાર ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નામ નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળાના આયોજન, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા એકમો તથા સ્થાનિક તાલીમ વર્ગોની માહિતી રજૂ કરી હતી, જેના પર મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત, મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની કામગીરી અંતર્ગત શ્રમિકોને કરાયેલા ચૂકવણા, બોનસ, ગ્રેચ્યુઈટી, અસંગઠિત શ્રમયોગીઓ માટેની યોજનાઓ તથા કચેરીના મહેકમની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા જિલ્લામાં નોંધાયેલા કારખાનાઓ, જોખમી એકમો, ઔદ્યોગિક અકસ્માત નિવારણના પગલાં, વર્ષ ૨૦૨૬ માં યોજાયેલ ઓફ-સાઈટ ઈમરજન્સી મોકડ્રિલ તથા બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળની કામગીરીની વિગતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કરાઈ હતી.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ ચાલતી કલ્યાણકારી યોજનાઓ જેવી કે ઈ-નિર્માણ કાર્ડ, ધન્વન્તરિ આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજનાની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
બેઠકના અંતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો વાસ્તવિક હેતુ ત્યારે જ સાર્થક થાય જ્યારે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે. આથી, દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને કોઈપણ જાતની વિલંબ વગર સમયમર્યાદામાં તમામ યોજનાકીય લાભો મળી રહે તે રીતે કામગીરી હાથ ધરવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial