Advertisement
Author: નોબત સમાચાર

સુરત-નવસારી-વાલોડમાં ભારે વરસાદઃ સર્વત્ર જળબંબાકારઃ શિક્ષણ, ધંધા-રોજગાર ખોરવાયા

૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં મેઘમહેરઃ નદી-નાળા છલકાયા

                                                                                                                                                                                                      

સુરત તા. ૭: સુરત-નવસારી, વાલોડ, કતારગામ-વેડ રોડ સહિત અનેક સ્થળે ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, અને શિક્ષણના પરિવહન ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે.

સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી સિસ્ટમે આજે મંગળવારે પણ જોરદાર બેટિંગ ચાલુ રાખી હતી.  આજે પણ સવારથી જ શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં થોડા જ સમયમાં પાણી ભરાઈ ગયા હતા. સુરત-નવસારી રોડ, કતારગામ-વેડ રોડ, ઉધના સહિતના મુખ્ય રસ્તા પર પાણીનો એટલો ભરાવો થયો હતો કે વાહનચાલકો માટે વાહન હંકારવા મુશ્કેલ બની ગયું હતું. અનેક સ્થળોએ રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. સુરતના પર્વતગામ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. પુલ ઉતરતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાણીના સતત વધતા સ્તરને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. આ રસ્તાની બાજુમાં આવેલી શાળાના પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. પાણીમાં પસાર થવાનો પ્રયાસ દરમિયાન અનેક વાહનો બંધ થઈ ગયા હતા.

શહેરના મુખ્ય રસ્તા એવા સુરત -નવસારી રોડ સહિત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આવી જ રીતે કતારગામ વેડ રોડ પર તો નદી વહેતી હોય તેવી રીતે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. આજે સતત બીજા દિવસે લોકોના ધંધા રોજગાર બંધ રહૃાા હતા. કતારગામ ઝોનના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં જનજીવન ખોરવાયું હતું. વેપારીઓને દુકાનો ખોલવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે અનેક સ્થળોએ ગ્રાહકોની અવરજવર પણ ઘટી ગઈ હતી. સતત બીજા દિવસે વરસાદના કારણે ધંધા-રોજગાર પર પણ સીધી અસર જોવા મળી હતી.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વાપીમાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ નોંધાતા, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જેના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે (૭ જુલાઈ) પણ ૫ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ', અપાયુ છે. જ્યારે અન્ય ૩ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જોકે આશ્ચર્યજનક રીતે, ૭ જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના ૮ તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં ૬ તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારથી સરેરાશ ૨.૭ ઈંચ (૭૦ એમએમ) વરસાદ ખાબક્યો છે અને આજે ભારે વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર ૨૪ કલાક મોનિટરિંગ શરૂ કરાયું છે. કોઈપણ ઈમરજન્સી માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે અને એસડીઆરએફ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહૃાો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૫% એટલે કે ૨૩ ઈંચ વરસાદ વરસી ચૂક્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સાગબારા અને ચીકદા પંથકમાં નદી-નાળાઓ ઉભરાતાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ગરીબોની ઘરવખરી તણાઈ ગઈ છે. સેલંબાના ગોટાપાડા પુલ પર પાણી ફરી વળવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા હતા અને સેલંબા ખાડીમાં એક ગાય તણાઈ હોવાના અહેવાલ છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આખા દિવસના વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ વરસ્યો હતો. રૂપાલ પંથકના નિકોડા, ટીંબાકંપા, રૂપાલ, ભાવપુર અને વામોજ સહિત ગાંભોઈ, બેરણા, ખેડ, રામપુર, જાંબુડી, કરણપુર, સુરજપુરા અને વાવડી ગામોમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જરૂરિયાતના સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

વડોદરામાં લાંબા વિરામ બાદ સોમવારે(૬ જુલાઈ) મોડી સાંજ બાદ વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. ધીમી ધારે શરુ થયેલા વરસાદે એક કલાકમાં ભારે બેટિંગ કરી નાખી હતી. એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોએ પ્રથમ વરસાદમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh