Advertisement
Author: નોબત સમાચાર

સમગ્ર દેશમાં આગામી દિવસોમાં સર્જાશે કાર્યક્રમો - મેળાવડાઓની વણઝાર...

તૈયાર થઈ જાવ... સરકારી તંત્રો...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ સાથેની એનડીએ સરકારના ૧૨ વર્ષના શાસનકાળ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ, સરકારી યોજનાઓ તેમજ વિકસીત ભારત-૨૦૪૭ના સંકલ્પને સિદ્ધ કરવા માટેના સંકલ્પોના પ્રચારાર્થે પંદર-વીસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

જો કે, પ્રાથમિક સ્તરે ભારતીય જનતા પાર્ટીના શિર્ષસ્થ કેન્દ્રીય મોવડી મંડળે આવા કાર્યક્રમોની રૂપરેખા અને સમયપત્રક જાહેર કર્યું છે. અર્થાત ભાજપ ખુદ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ શાસનની સિદ્ધિઓ વર્ણવા મેદાનમાં આવશે.

દેશમાં અત્યારે મોટભાગના રાજ્યોમાં ભાજપ/ એનડીએનું શાસન છે. તેથી ત્યાં આ ઉજવણી વધુ તિવ્રતાથી અને વધુ વ્યાપકપણે ઉજવવાની સૂચના આપી દેવામાં આવી છે.

આપણાં ગુજરાતની તો વાત જ અલગ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન જેવા મહત્ત્વનો પદ પર રહેલા તેવા જ ધૂરંધર નેતા અમિતભાઈ શાહ ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાસન પ્રવર્તે છે. તેથી ગુજરાતમાં તો કેન્દ્ર સરકારના અર્થાત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પંદર-વીસ દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો, મેળાવડાઓ યોજાશે. આ કાર્યક્રમોની રૂપરેખા ગાઈડલાઈન્સ પણે ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે જાહેર કરી પણ ગુજરાતમાં કેન્દ્ર સરકારના શાસનના ગુણગાન ગાવા માટેના તમામ કાર્યક્રમો સરકારી ધોરણે કરવામાં આવશે. તેવી જાહેરાત ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીએ કરી જ દીધી છે.

આવા કાર્યક્રમોમાં સ્વાભાવિક પણે જ મુખ્ય અતિથિ અને અન્ય મહાનુભાવો ભાજપના જ રહેશે. કારણ કે ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા, સંસદ સુધી ભાજપના ચૂંટાયેલા સભ્યોની જ બોલબાલા છે. ગુજરાતના મંત્રીઓ, સાંસદોને તેમના વિસ્તારમાં આ કાર્યક્રમોમાં વધુને વધુ લોકો સામેલ થાય તેવી રીતે યોજવાની પણ સૂચના આપવામાં આવી જ હશે.

આ તો થઈ સરકારી ધોરણે, સરકારી ખર્ચે કાર્યક્રમોના અયોજનની વાત... પણ તે દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવનાર છે.

આ ઉપરાંત અન્ય નાના-મોટા અને સ્થાનિક કાર્યક્રમો, મિટિંગો, ઉદ્ઘાટનો, મેળાવડાઓ તો યોજાવાના ચાલુ જ રહેશે.

આર્થાત્ આ કાર્યક્રમોમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ઠીક, સંગઠનના હોદ્દેદારોથી લઈને નાનામાં નાના કાર્યકરને જવાબદારી સોંપાશે અને સમગ્ર રાજ્યમાં ભાજપ પ્રેરીત સરકારી કાર્યક્રમોની હારમાળાના કારણે દિવાળી જેવા મહાપર્વની ઉજવણી જેવો માહોલ સર્જાય તો નવાઈ નહીં.

આ તમામ બાબતો સાથે ખાડી યુદ્ધ, પેટ્રોલ-ડીઝલ-ગેસની કથિત તંગીને ધ્યાને લઈને અગાઉ ખુદ વડાપ્રધાને સત્તાવાર રીતે જાહેરમાં કાર્યક્રમોમાં કરકસર કરવા, સાદાઈથી ઉજવવા, વાહનોનો લઘુત્તમ ઉપયોગ કરવો, કારપુલ માટે અનુરોધ કર્યો હતો. જોઈએ... આવનારા દિવસોમાં આ ઉજવણીમાં સરકારી તંત્રના અને નેતાઓના તેમજ કાર્યક્રમમાં જોડાનારા લોકો વડાપ્રધાનની આ અપીલને કેટલું સન્માન આપે છે?

ભાજપ માટે તો સુવર્ણ અવસર

ભાજપના નેતૃત્વવાળી   કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ શાસન નિમિત્તે જે શ્રેણીબદ્ધ કાર્યક્રમોની જાહેરાતો થઈ રહી છે. (ભાજપ તેમજ સરકાર દ્વારા) તે સંદર્ભમાં ભાજપ માટે તો સમગ્ર દેશમાં તમામ દેશવાસીઓને ઈંધણની બચતનો સંદેશ આપવાનો સુવર્ણ અવસર છે.

ભાજપે અને ભાજપ શાસિત સરકારોએ ૧૨ વર્ષના શાસનની ઉજવણીમાં લોકોની ભીડ એકત્ર કરવી, પોત-પોતાની લકઝરી મોટરકારો લઈને અવરજવર કરતાં મંત્રીઓ-નેતાઓ, સરકારના ઉચ્ચ અધિકારીઓના કાફલા, અન્ય વાહનની હેરફેરમાં મોટા પાયે કાપ મૂકવાની જાહેરાત કરવાની જરૂર છે. એટલું જ નહીં...જ્યાં શક્ય છે ત્યાં અને તેવા ઉજવણીના કાર્યક્રમો વર્ચ્યુઅલ રીતે યોજવા જોઈએ.

આમ કરવાથી, કમસે કમ ભાજપે સમગ્ર દેશમાં ઈંધણનો કરકસરથી અને જરૂર છે ત્યાં જ ઉપયોગ કરી આ ઉજવણી કરી હોવાનો પ્રેરણાદાયી સંદેશ અન્ય સંસ્થાઓને અને જાહેર જનતાને આપી શકે છે. જ્યારે ખુદ વડાપ્રધાને ઈંધણના કરકસરથી ઉપયોગ કરવા ભારપૂર્વક અપીલ કરી છે ત્યારે ભાજપ માટે તો આ ઉજવણી ખૂબ જ સાદાઈપૂર્વક કરી વડાપ્રધાનની અપીલને સન્માન આપવાનો અને દેશની પ્રજાને પક્ષની 'દેશભક્તિ' પ્રદર્શિત કરવાનો સુવર્ણ અવસર છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh