Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના નાના ગરેડીયામાં ચેકડેમના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટઃ રજૂઆત

તળાવની પાળ અને ચેકડેમના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૭: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલી રહેલા માઇનર ઇરિગેશન (નાની સિંચાઈ) અંતર્ગતના ચેકડેમ અને પાળના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ગામના સરપંચ શીતલબેન મકવાણા અને ઉપસરપંચ એસ.બી. મકવાણા સહિતના ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ક્વોલિટી કંટ્રોલ વિભાગના મુખ્ય ઈજનેરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરીને સ્થળ તપાસની માંગ કરવામાં આવી છે.

સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર કરવામાં આવેલી સત્તાવાર લેખિત ફરિયાદ અનુસાર, ગામમાં ચાલી રહેલું ચેકડેમ અને પાળ બનાવવાનું કામ અત્યંત હલકી અને નબળી ગુણવત્તાનું થઈ રહૃાું છે. આ કામગીરીમાં માત્ર દેખાવ પૂરતી ખૂબ જ ઓછી સિમેન્ટ વાપરવામાં આવી રહી છે, તેમજ લોખંડનું સ્ટ્રક્ચર પણ નિયમ મુજબ વાપરવામાં આવ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી નાણાનો ખુલ્લેઆમ દુરૂપયોગ કરીને માત્ર કાગળ પર જ મજબૂત કામ દર્શાવવામાં આવી રહૃાું છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર તદ્દન લોલમલોલ ચાલી રહૃાું છે. તળાવમાં પાણી રોકવા માટે જે પાળ બનાવવામાં આવી રહી છે તે એટલી નબળી છે કે આગામી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે ધોવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ગ્રામજનોએ અનેક વખત ચેકડેમને ઊંડું કરવા અને ગામની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જરૂરિયાત મુજબ મજબૂત કામ કરવાની માંગ કરી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોની રજૂઆતોને સદંતર અવગણી દીધી છે. આ નબળા કામને કારણે ભવિષ્યમાં ગામલોકોને મોટું આર્થિક અને ભૌતિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, આ વિવાદ વચ્ચે ગામના સરપંચ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર (પંચાયત ઇરિગેશન શાખા, જામનગર) વચ્ચે થયેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં મામલો વધુ ગરમાયો છે. જેમાં સરપંચ દ્વારા કામની ગુણવત્તા અને એસ્ટીમેટ અંગે સવાલ પૂછાતા જવાબદાર અધિકારીએ તમારે એસ્ટીમેટ શું કરવું છે? તેવો ઉડાઉ અને બેદરકાર જવાબ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

અધિકારીના આવા નકારાત્મક વલણને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથે સીધી મિલીભગત હોવાની શંકા વધુ મજબૂત બની છે. તાલુકા કક્ષાએથી કોઈ ન્યાય ન મળતા આખરે નાના ગરેડીયા ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય ઈજનેરશ્રી, ગુણવત્તા નિયંત્રણ (જળસંપત્તિ વિભાગ), ગાંધીનગરને લેખિત પત્ર પાઠવીને આ સમગ્ર કામની ક્વોલિટીની જમીની તપાસ (ફિઝિકલ વેરિફિકેશન) કરવાની ઉગ્ર માંગ કરી છે. પત્રની નકલ પંચાયત ઇરિગેશનના રાજકોટ સ્થિત અધિક્ષક ઈજનેરને પણ રવાના કરવામાં આવી છે. ગામલોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે સત્વરે નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરીને, જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે ચેકડેમનું કામ ફરીથી ગુણવત્તાપૂર્વક શરૂ કરવામાં નહીં આવે તો ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તે માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh