Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બિલ્ડરે રૂા.૧૫૩ કરોડની મિલકત પચાવી પડાતા આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ

નગરના વાઢેર પરિવારના આઠ અને દોમડીયા પરિવારના ત્રણ સામે ગુન્હો નોંધાતા ખળભળાટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના ખ્યાતનામ બિલ્ડર મેરામણભાઈ પરમારને ૧૯ મહિના પહેલાં અમદાવાદમાં હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું જે તે વખતે જાહેર થયા પછી ગઈકાલે તેમના પુત્રએ પોતાના પિતાને ઝેર પી આત્મહત્યા કરી લેવાની દુષ્પ્રેરણા અપાઈ હોવાની ફરિયાદ નોંધાવી ૧૧ આરોપીના નામ લખાવ્યા છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે. જામનગરના વાઢેર તથા દોમડીયા પરિવારે આ બિલ્ડર પાસેથી વ્યાજે ધીરેલા નાણાની સામે રૂા.૧૫૩ કરોડની મિલકત પચાવી પાડતા તેમાંથી બચવાના વલખાં મારતા આ બિલ્ડરે આખરે હારી જઈને ઝેર પી જિંદગી ટૂંકાવ્યાનું ખૂલ્યું છે. તેમના અવસાન પછી સામાનમાંથી તેમના પત્નીને બિલ્ડરની લખેલી બે ચિઠ્ઠીએ સમગ્ર બનાવનો ભેદ ખોલ્યો છે. ગાંધીનગરની અડાલજ પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જામનગર અને અમદાવાદમાં બિલ્ડર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરનાર મેરામણભાઈ હરદાસભાઈ પરમાર નામના આસામી ગઈ તા.૧૦-૧-૨૦૨૫ની રાત્રે અમદાવાદમાં હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું તેમ જે તે વખતે જાહેર થયું હતું. તેમના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યા પછી તેમની અંતિમયાત્રા જામનગરમાંથી નીકળી હતી.

મૂળ પોરબંદરના મહિયારી ગામના વતની અને વર્ષાેથી જામનગરમાં સ્થાયી થયેલા મેરામણભાઈ પરમારે જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને રાજ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડરના નામથી તેઓએ પેઢી શરૂ કર્યા પછી પોતાના મિલનસાર સ્વભાવના કારણે બહોળુ મિત્રવર્તુળ પ્રાપ્ત કર્યું હતું. જામનગર ઉપરાંત તેઓએ અમદાવાદમાં પણ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય વિકસાવ્યો હતો અને અમદાવાદમાં પણ તેઓ રહેણાંક ધરાવતા હતા.

તે દરમિયાન વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનાની ૧૦ તારીખની રાત્રે તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જાહેર થયું હતું. ત્યારપછી ગઈકાલે તેમના પુત્ર અને અમદાવાદમાં રહેતા દેવ મેરામણભાઈ પરમારે ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં જામનગરના ૧૧ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ની રાત્રે અડાલજ પાસે મોટરમાં ડ્રાઈવર સાથે પસાર થતાં મેરામણભાઈએ પાનની એક દુકાન પાસે મોટર રોકવાનો ડ્રાઈવરને આદેશ કર્યા પછી તેમનું પાન લેવા ગયેલા ડ્રાઈવર જ્યારે પરત આવે તે દરમિયાન મોટરમાં જ મેરામણભાઈએ કોઈ ઝેરી દવા પી લીધી હતી અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારપછી દસેક દિવસ વિત્યા ત્યારે સ્વ. મેરામણભાઈના પત્ની કટ્ઠીર્તિબેને પતિનો કેટલોક સામાન ચેક કરતા તેઓને મેરામણભાઈની લખેલી બે ચિઠ્ઠી મળી આવી હતી.

ઉપરોક્ત ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી મેરામણભાઈએ ગઈ તા.૨૯-૧૨-૨૪ની રાત્રે લખી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, જામનગરના ભીખુભા હરીસિંહ વાઢેર, તેમના પુત્ર ધવલસિંહ, વિરેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહએ વ્યાજે પૈસા આપ્યા છે. જેનું ત્રણ ટકા લેખે વ્યાજ ગણી મુદ્દલ તથા વ્યાજ ચૂકવી આપવામાં આવ્યા છે. તેમ છતાં વ્યાજ પરનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી પૈસાની માગણી કરવામાં આવી રહી છે અને જે તે વખતે વ્યાજે પૈસા લેવાયા ત્યારે સિક્યુરિટીમાં આપેલી મિલકતો આ વ્યક્તિઓએ પડાવી લીધી છે. બીજી ચિઠ્ઠી મેરામણભાઈએ તા.૨ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે રાત્રે લખી હતી જેમાં તેઓએ લખ્યું છે કે, જામનગર નજીકના ઢીંચડામાં આવેલી શાળામાં પ્રવીણ પટેલનો કોઈ હિસ્સો નથી, રૂા.સાડા ત્રણ કરોડનું બે ટકા લેખે પ્રવીણને પાંચ વર્ષથી વ્યાજ આપવામાં આવ્યું છે તેમ છતાં સ્કૂલમાં મારો ૫૦ ટકા ભાગ છે, તેનો દસ્તાવેજ કરાવાયો છે, તેના ત્રાસના કારણે મારે આત્મહત્યાનું પગલું ભરવું પડી રહ્યું છે.

દેવ પરમાર દ્વારા નોંધાવાયેલી આ ફરિયાદમાં ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા, વિરેન્દ્રસિંહ ભીખુભા, શૈલેન્દ્રસિંહ ભીખુભા, ગજરાબા ભીખુભા, અનિતાબા વિરેન્દ્રસિંહ, કાશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવીણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવીણ લક્ષ્મણભાઈ દોમડીયા, કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા, વિશાલ પ્રવીણભાઈ દોમડીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે. કુલ અગિયાર સામે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ગુન્હો નોંધ્યો છે.

વધુમાં ફરિયાદમાં જણાવાયા મુજબ મેરામણભાઈએ જે તે વખતે હાથઉછીની રકમ લીધા પછી તેની સામે જમીન-મિલકતના દસ્તાવેજો તેમજ અન્ય વ્યવહારો કરવામાં આવ્યા હતા. વ્યાજ સાથે નાણા પરત કર્યા હોવા છતાં ઉપરોક્ત અગિયાર આરોપીઓ વધુ નાણાની માગણી કરી મેરામણભાઈની રૂા.૧૫૩ કરોડની મિલકત પચાવી ગયા હતા.

તેઓના અવસાન પછી ૧૦ દિવસ વિત્યે પત્ની કીર્તિબેનને ઉપરોક્ત ચિઠ્ઠીઓ મળી આવી હતી. તે પછી બેંક સ્ટેટમેન્ટ, સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ વગેરે ચકાસવામાં આવ્યા હતા જેમાં વ્યાજે લીધેલા નાણાની સિક્યુરિટી પેટે જામનગર શહેર, નાઘેડી નગરસીમ, રાવલસર ગામની સીમમાં આવેલી કુલ ર૮ કિંમતી જમીન તથા પ્લોટના દસ્તાવેજો વાઢેર પરિવારના નામે જોવા મળ્યા હતા. જ્યારે ઢીંચડા ગામની સીમમાં ૧૭ હજારથી વધુ ચોરસ ફૂટ જમીન પર નંદવિદ્યાનિકેતન સ્કૂલની ૭ હજાર ચોરસ મીટર જગ્યા પ્રવીણ દોમડીયાના નાણાકીય રોકાણ સામે સિક્યુરિટીમાં કાંતાબેન પ્રવીણભાઈના નામે જોવા મળી હતી. તે પછી પણ દોમડીયા પરિવારે કબજા વગરનો કરાર વિશાલ દોમડીયાના નામે કરાવી લીધો હતો અને વધુ રૂા.પ૦ કરોડની માગણી કરાતી હતી. જેનાથી મેરામણભાઈ કંટાળ્યા હતા.

જામનગરમાં ખ્યાતનામ બિલ્ડર તરીકે પ્રસિદ્ધિ પામેલા મેરામણભાઈએ થોડા વર્ષ પહેલાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રૂા.પ કરોડની કિંમતની રોલ્સ રોયસ મોટર ખરીદી સમગ્ર સૌરાષ્ટ્રમાં આ મોટર ખરીદનાર પ્રથમ બિલ્ડર બન્યા હતા. ઉપરોક્ત ફરિયાદ નોંધાતા અને જામનગરના જાણીતા વાઢેર પરિવાર  તથા દોમડીયા પરિવારના નામ આરોપીમાં ખૂલતા ખળભળાટ મચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh