Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં કાયમી વસવાટ માટે દસ લાખ ભારતીયો કતારમાં

૫ાંચ વર્ષ દરમિયાન અપેક્ષા કરતા વધુ કાર્ડ ઈશ્યુ થવા છતાં લાઈન ઘણી લાંબી...

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૯: અમેરિકાના ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં લગભગ ૧૦ લાખ ભારતીયો છે. તેથી ૨૦૨૬માં અરજી કરનારને ઈબી-૨માં ૧૭૯ વર્ષ અને ઈબી-૩માં ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે, કારણ કે બેકલોગ ૧૨.૬૪ લાખને પાર પહોંચ્યો છે, જે ૨૦૪૦ સુધીમાં ૨૦ લાખ થવાની શકયતા છે, તેથી ગ્રીન કાર્ડનું સપનું જોતા ભારતીયો માટે મોટો ઝટકો છે.

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (એનએફએપી)ના નવા વિશ્લેષણ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં અમેરિકાની પ્રથમ ત્રણ રોજગાર આધારિત ઇમિગ્રેશન કેટેગરી ઈબી-૧, ઈબી-૨ અને ઈબી-૩ની ગ્રીન કાર્ડ કતારમાં લગભગ ૧૦ લાખ ભારતીયો હતા. આ કુલ બેકલોગના લગભગ ૭૯ ટકા જેટલા છે. સૌથી ગંભીર સ્થિતિ ઈબી-૨માં છે, જ્યાં ૨૦૨૬માં અરજી કરનાર ભારતીયને સંભવિત રીતે ૧૭૯ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે, જ્યારે ઈબી-૩માં ૩૮ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

અમેરિકામાં એચ-૧બી વિઝા પર કામ કરતા ઘણા ભારતીય વ્યાવસાયિકો કાયમી નિવાસ માટે ઈબી-૨ અથવા ઈબી-૩નો માર્ગ અપનાવે છે. ઈબી-૨માં ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો આવે છે. સ્નાતક ડિગ્રી બાદ સંબંધિત ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ પણ ઉચ્ચ ડિગ્રીના સમકક્ષ ગણાઈ શકે છે. ઈબી-૩માં વ્યાવસાયિકો, કુશળ કામદારો અને અન્ય કામદારોનો સમાવેશ થાય છે.

એનએફએપી મુજબ, ડિસેમ્બર ૨૦૨૫માં ઈબી-૨માં ૭,૩૧,૫૬૬ અને ઈબી-૩માં ૨,૧૩,૪૧૪ ભારતીયો બેકલોગમાં હતા. જોકે ભારતીય ઈબી-૧ બેકલોગ એપ્રિલ ૨૦૨૦ના અંદાજિત ૭૧,૯૮૮થી ઘટીને ડિસેમ્બર ૨૦૨૫માં ૫૧,૬૧૯ થયો હતો. ઈબી-૧માં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ સંશોધકો-પ્રોફેસરો અને કેટલાક બહુરાષ્ટ્રીય કંપનીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

સમગ્ર અમેરિકાનો રોજગાર આધારિત બેકલોગ પણ એપ્રિલ ૨૦૨૦ના ૧૦,૪૮,૩૪૨થી વધીને ડિસેમ્બર ૨૦૨૫માં ૧૨,૬૪,૪૯૫ થયો છે. એટલે કે ૨,૧૬,૧૫૩ લોકોનો અથવા ૨૦.૬ ટકાનો વધારો થયો. કાયદામાં ફેરફાર નહીં થાય તો ૨૦૪૦ સુધીમાં આ બેકલોગ ૨૦ લાખને પાર કરી શકે છે. તેવી ધારણા છે.

ભારતીયો પર અસરનું મુખ્ય કારણ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની બે મર્યાદા છે. રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની વાર્ષિક મર્યાદા ૧,૪૦,૦૦૦ છે, જે ૧૯૯૦માં કોંગ્રેસે નક્કી કરી હતી અને તેમાં મુખ્ય અરજદાર તથા લાયક પરિવારજનોનો સમાવેશ થાય છે. આશ્રિત પરિવારજનો ઉપલબ્ધ બેઠકોમાંથી સામાન્ય રીતે અડધી અથવા વધુ બેઠકો વાપરે છે.

બીજી મર્યાદા દેશવાર ૭ ટકાની છે. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ ૨૦૨(એ) હેઠળ કોઈ એક દેશના નાગરિકોને કુલ રોજગાર આધારિત વિઝાના ૭ ટકાથી વધુ મળી શકતા નથી. ભારત, ચીન અને ફિલિપાઇન્સ જેવા દેશોને આ વ્યવસ્થાથી ખાસ અસર થાય છે.

એનએફએપી કહે છે કે આ મર્યાદા હેઠળ ભારત અને ચીનને આઇસલેન્ડ અને લક્ઝમબર્ગ જેવા ઘણા નાના દેશો જેટલી જ દેશવાર ફાળવણી મળી શકે છે. બેકલોગ વધવાનું એક કારણ મંજૂરી અને ગ્રીન કાર્ડ મળવા વચ્ચેનો મોટો તફાવત પણ છે. નાણાકીય વર્ષ ૨૦૧૬માં યુએસસીઆઇએસએ ભારતીયોના ૪૭,૬૦૧ ઈબી-૨ અરજીઓ મંજૂર કરી હતી. આશ્રિતોને સામેલ કરતાં એનએફએપી મુજબ આ સંખ્યા અંદાજે ૯૮,૫૯૪ લોકોની હતી, પરંતુ માત્ર ૪,૪૦૭ ભારતીયોને કાયમી નિવાસ મળ્યો. એટલે એક જ વર્ષમાં ૯૦,૦૦૦થી વધુ લોકો બેકલોગમાં ઉમેરાયા. ઓગસ્ટ ૨૦૨૬ના વિઝા બુલેટિન મુજબ, ભારતીય અરજદારો માટે ઈબી-૧માં પ્રાયોરિટી તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૨થી પહેલાંની હોવી જરૂરી છે, જ્યારે ઈબી-૩ માટે ૧ જાન્યુઆરી ૨૦૧૪થી પહેલાંની તારીખ જરૂરી છે.

ઓગસ્ટમાં ઈબી-૨ ઉપલબ્ધ નહોતું. જૂન ૨૦૨૬માં ઈબી-૨ની કટ-ઓફ તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૩ હતી. પ્રાયોરિટી તારીખ અરજદારની ગ્રીન કાર્ડ કતારમાં સ્થિતિ નક્કી કરે છે.

એનએફએપીના તાજેતરના નીતિ અહેવાલ એમ્પ્લોયમેન્ટ બેઈઝડ ઈમિગ્રેશન બેકલોગ્સ એન્ડ વેઈટીંગ મુજબ, ૨૦૨૬માં અરજી કરનાર ભારતીયને ઈબી-૨માં સંભવિત ૧૭૯ વર્ષ અને ઈબી-૩માં ૩૮ વર્ષની રાહ પડી શકે છે. જોકે ભવિષ્યમાં વિઝાની ઉપલબ્ધતા, કતારમાંથી અરજદારોનું બહાર થવું અને ઇમિગ્રેશન કાયદામાં ફેરફારથી આ સમય બદલાઈ શકે છે.

વધારાના ગ્રીન કાર્ડ જારી થયા છતાં બેકલોગ વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન સામાન્ય વાર્ષિક ફાળવણી ૧,૪૦,૦૦૦ હતી, એટલે પાંચ વર્ષમાં અપેક્ષિત સંખ્યા ૭,૦૦,૦૦૦ હતી. પરંતુ એનએફએપી મુજબ વાસ્તવમાં ૯,૮૦,૪૬૦ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી થયા, એટલે અપેક્ષા કરતાં લગભગ ૨,૮૦,૦૦૦ વધુ. તેમ છતાં કતાર સતત લાંબી થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh