Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનમાં સરકાર વિરોધી હિંસક આંદોલનોમાં ૪પ ના મૃત્યુઃ મકાનો અને વાહનો સળગાવાયાઃ ભીડ બેકાબૂ

"નોટામ" જાહેરઃ ઈન્ટરનેટ-સંચાર સેવા બંધઃ ૧૦૦ થી વધુ શહેરોમાં જેન-ઝેડ સડકો પરઃ સ્ફોટક સ્થિતિ

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૯: ઈરાનમાં યુવાવર્ગ-જેન ઝેડ સડકો પર ઉતરતા સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. બેકાબૂ ભીડ ઠેરઠેર આગજની અને તોડફોડ કરી રહી છે. મોંઘવારી-બેરોજગારી તથા ખામૈની સામે પ્રચંડ વિરોધ પ્રસરી રહ્યો છે. ટ્રમ્પની ધમકી પછી ઈન્ટરનેટ-સંચાર-સેવા તથા એરપોર્ટ બંધ કરી નોટામ જાહેર કરાયું છે. લોકો યુવરાજ પહેલવીને સત્તામાં બેસાડવા માંગે છે, અને વર્તમાન શાસનને ખતમ કરવા માંગે છે. પ્રદર્શનકારીઓ પૈકી ૮ બાળકોના પણ મૃત્યુ થતા જનાક્રોશ વધુ વકર્યો છે. જેથી સુપ્રિમ લીડર ખામૈની પરિવાર સાથે દેશ છોડીને રશિયા ભાગી જાય, તેવી સંભવાના જણાવાઈ રહી છે.

ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ ૧૦ દિવસથી ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગઈકાલે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી છેે. સીએનએનના રિપોર્ટ અનુસાર, દેશભરમાં ૧૦૦થી વધુ શહેરોમાં પ્રદર્શનો થયા છે. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ *ખામેનેઈને મોત* અને *ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો* જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહૃાા. તેઓ 'આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે'ના નારા લગાવી રહૃાા હતા.

અમેરિકી હૃાુમન રાઇટ્સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪૫ લોકો માર્યા ગયા છે, જેમાં ૮ બાળકોનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી. જ્યારે ૨,૨૭૦થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોનું સમર્થન કરતા કહૃાું કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં. ત્યારબાદ દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. તથા નોટામ જાહેર કરી દેવાયું છે.

આ અશાંતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. ટ્રમ્પે કહૃાું, મેં તેમને કહી દીધું છે કે જો તેઓ લોકોને મારવાનું શરૂ કરશે, જેવું કે તેઓ તેમના રમખાણોમાં અવારનવાર કરે છે, તો અમે તેમને ખૂબ જ જોરદાર રીતે નિશાન બનાવીશું.

સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, હોસ્પિટલો પર દરોડા પાડ્યા અને ઘાયલોની ધરપકડ કરી. બીજી તરફ, સરકારી મીડિયાનું કહેવું છે કે ૫ સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા અને સેંકડો પોલીસકર્મીઓ ઘાયલ થયા.

તેહરાનમાં બજારો બંધ રહૃાા, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસ પર કબજો કર્યો. આના તરત જ પછી સરકારે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ અને ફોન લાઇન કાપી નાખી, જેને ઇન્ટરનેટ વોચડોગ નેટબ્લોક્સે હિંસક દમનની તૈયારી ગણાવી. તેમ છતાં કેટલાક લોકો સ્ટારલિંક જેવી પદ્ધતિઓથી વીડિયો પોસ્ટ કરી રહૃાા છે.

ગુરૂવારે પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા જ્યારે દેશનિકાલ કરાયેલા રાજકુમાર રેઝા પહેલવીએ લોકોને રસ્તાઓ પર ઉતરવા અપીલ કરી. રેઝા પહેલવી ઇરાનના છેલ્લા શાહ મોહમ્મદ રેઝા પહેલવીના પુત્ર છે. તેમના પિતા ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. યુવરાજ પહેલવી હાલમાં અમેરિકામાં રહી રહૃાા છે.

આ પ્રદર્શનો ૨૦૨૨ પછીના સૌથી મોટા માનવામાં આવે છે. તે સમયે ૨૨ વર્ષીય મહસા અમીનીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ સમગ્ર દેશમાં આંદોલન ફાટી નીકળ્યું હતું.

તેમને હિઝાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં મોરાલિટી પોલીસે પકડ્યા હતા. આ વખતે પ્રદર્શનોની શરૂઆત બજારમાંથી થઈ. હવે લોકો માત્ર આર્થિક રાહત નહીં, પરંતુ સંપૂર્ણ વ્યવસ્થા બદલવાની માંગ કરી રહૃાા છે.

પત્રકાર મસીહ અલીનેજાદના મતે, લોકોનું માનવું છે કે ઇસ્લામિક રિપબ્લિકને સુધારવું નહીં, પરંતુ ખતમ કરવું પડશે. લોકો ડર્યા વગર પ્રદર્શન કરી રહૃાા છે, કારણ કે તેમની પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. રાષ્ટ્રપતિ પેજેશકિયને મદદનું વચન આપ્યું હતું, પરંતુ એક વર્ષ પછી પણ મોંઘવારી અને બેરોજગારી ઓછી થઈ નથી. પ્રતિબંધો, ભ્રષ્ટાચાર અને વિદેશ નીતિને કારણે અર્થતંત્ર બરબાદ થઈ રહૃાું છે.

નિષ્ણાતો કહે છે કે સરકાર પાસે હવે માત્ર તાકાતનો ઉપયોગ કરવાનો રસ્તો બચ્યો છે, કારણ કે લોકો સુધારા અને વચનો પર વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

દેશભરમાં જેન-ઝેડ આક્રોશમાં છે. તેનું કારણ આર્થિક બદહાલી રહૃાું છે. ડિસેમ્બર ૨૦૨૫માં ઈરાની મુદ્રા રિયાલ ઘટીને લગભગ ૧.૪૫ મિલિયન પ્રતિ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઈ, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.

વર્ષની શરૂઆતથી રિયાલની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે. અહીં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ૭૨% અને દવાઓની કિંમતોમાં ૫૦% સુધીનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા ૨૦૨૬ના બજેટમાં ૬૨% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.

ઇરાનમાં ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ પછી આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની સત્તામાં આવ્યા. તેઓ ૧૯૭૯ થી ૧૯૮૯ સુધી ૧૦ વર્ષ સુપ્રીમ લીડર રહૃાા.

તેમના પછી સુપ્રીમ લીડર બન્યા આયાતુલ્લા અલી ખામેનેઈ ૧૯૮૯ થી અત્યાર સુધી ૩૭ વર્ષથી સત્તામાં છે.

ઈરાન આજે આર્થિક સંકટ, ભારે મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બેરોજગારી, ચલણના ઘટાડા અને સતત જન આંદોલનો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહૃાું છે.

સુડતાલીસ વર્ષ પછી હવે વર્તમાન આર્થિક બદહાલી અને કડક ધાર્મિક શાસનથી નારાજ લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.

આ જ કારણોસર ૬૫ વર્ષીય ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીને સત્તા સોંપવાની માંગ ઉઠી રહી છે. પ્રદર્શનકારીઓ તેમને એક બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક વિકલ્પ માને છે.

યુવાનો અને જનરલ ઝેડને લાગે છે કે પહેલવીની વાપસીથી ઈરાનને આર્થિક સ્થિરતા, વૈશ્વિક સ્વીકૃતિ અને વ્યક્તિગત આઝાદી મળી શકે છે.

મોડેથી મળતા અહેવાલો મુજબ મધ્યરાત્રિએ રાજધાની તેહરાનના રસ્તાઓ આગથી ભડકી ઉઠ્યા હતા કારણ કે ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ માત્ર પાર્ક કરેલી કાર અને મોટરસાયકલોને જ નહીં પરંતુ સરકારી કચેરીઓને પણ આગ ચાંપી દીધી હતી.અહેવાલોમાં જણાવાયું છે કે હિસક વિરોધીઓના ટોળાએ ઇસ્ફહાનના મધ્ય જિલ્લામાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી) ની ઇમારતને આગ લગાવી દીધી હતી.

વિરોધ પ્રદર્શનો ઝડપથી તેહરાનથી આગળ વધીને મશહદ અને દેઝફુલ સહિત અન્ય શહેરોમાં ફેલાઈ ગયા હતાં. વિરોધીઓના ટોળા બેકાબૂ હતા, તેમણે વાહનોને આગ ચાંપી હતી. સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનના અસંખ્ય વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેહરાન અને અન્ય ઈરાની શહેરોમાં મોટી ભીડ કૂચ કરતી જોવા મળી રહી છે. શાસનના વિરોધીઓ આને વર્ષોમાં સૌથી મોટા શક્તિ પ્રદર્શન તરીકે વર્ણવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh