Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથ એટલે 'કૈલાસ મહામેરૂ પ્રાસાદ'ના ઈતિહાસ, સ્થાપત્ય અને વૈભવનો ત્રિવેણી સંગમ

સરદાર ૫ટેલનું વિઝન, મહાનુભાવો સહયોગ અને હવે પી.એમ. મોદીના વિઝન થકી બન્યુ આસ્થાનું મહાતીર્થ

                                                                                                                                                                                                      

*સોમનાથ માત્ર દેવાલય નથી, તે પ્રભાસક્ષેત્ર છે.* સ્કંદપુરાણના પ્રભાસખંડ મુજબ, જંબુદ્વીપના નવ ભાગોમાં ભારતવર્ષ અને ભારતવર્ષના નવમા ભાગ સમાન સૌરાષ્ટ્રનું રત્ન એટલે પ્રભાસ. આ પવિત્ર ભૂમિ પર બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ઇતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અપ્રતિમ ગાથા છે.

સરદાર પટેલનો ઐતિહાસિક  સંકલ્પ અને પુનઃનિર્માણ

૧૩ નવેમ્બર ૧૯૪૭, વિક્રમ સંવતના નૂતન વર્ષના મંગલ દિવસે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના ભગ્નાવશેષો જોઈને સમુદ્રજળની અંજલિ લઈ સંકલ્પ કર્યો હતો કે, *સોમનાથના મંદિરનું પુનઃનિર્માણ થવું જોઈએ.* આ સંકલ્પને સાકાર કરવામાં જામસાહેબ દિગ્વિજયસિંહજી, ક.મા. મુનશી અને કાકાસાહેબ ગાડગીલ જેવા મહાનુભાવોનો સિંહફાળો રહૃાો છે. ૧૯૫૧માં ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ આધુનિક મંદિર રાષ્ટ્રને સમર્પિત થયું હતું.

સ્થાપત્યનો અજોડ સંગમઃ કૈલાસ મહામેરૂ પ્રાસાદ

વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત આ મંદિર 'કૈલાસ મહામેરૂ પ્રાસાદ' તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યની કેટલીક અદભૂત લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ

 પરિમાણઃ મંદિરની ઊંચાઈ ૧૫૫ ફૂટ છે, જેના પર ૩૭ ફૂટનો ધ્વજદંડ અને ૧૦૪ ફૂટની વિશાળ ધ્વજ લહેરાય છે.

 ચંદ્ર-શિવ સાયુજ્યઃ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને ગર્ભગૃહનું શિવલિંગ એક સીધી રેખામાં આવે છે, જે એક અલૌકિક દૃશ્ય સર્જે છે.

કળશ અને શિખરઃ ગર્ભગૃહના શિખર પર ૧૦ ટન વજનનો પથ્થરનો કળશ છે, જ્યારે સભા અને નૃત્ય મંડપના ઘુમ્મટ પર ૧૦૦૧ નાના કળશ કંડારાયા છે.

ભૌગોલિક વિશેષતાઃ મંદિરના દક્ષિણ ભાગમાં આવેલ 'બાણસ્તંભ' સૂચવે છે કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં ક્યાંય જમીનનો ટુકડો આવતો નથી.

આક્રમણો સામે અજેય આસ્થા

સોમનાથ પર ૧૦૨૬માં મહમદ ગઝનીથી લઈને ૧૭૦૧માં ઔરંગઝેબ સુધીના અનેક આક્રમણખોરોએ હુમલા કર્યા, પરંતુ દરેક વખતે હિન્દુ ધર્મપ્રેમીઓએ તેનો જિર્ણોદ્ધાર કર્યો. ભાવ બૃહસ્પતિની 'સોમનાથ પ્રશસ્તિ' મુજબ, આ મંદિર સતયુગમાં સોમ (ચંદ્ર) દ્વારા, ત્રેતામાં રાવણ દ્વારા, દ્વાપરમાં શ્રીકૃષ્ણ દ્વારા અને કળિયુગમાં ભીમદેવ સોલંકી દ્વારા નિર્મિત થયું હોવાનું મનાય છે.

આધુનિક નેતૃત્વ અને સાંસ્કૃતિક વારસો

સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઈ પટેલ અને વર્તમાન અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથનો કાયાકલ્પ થયો છે. યાત્રિકો માટે સુવિધાઓ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને 'સોમનાથ વર્તમાન' માસિક જેવા માધ્યમોથી ભક્તોને જોડાવાના પ્રયાસો થઈ રહૃાા છે.

લોકપરંપરાનું પર્વઃ કાર્તિકી પૂર્ણિમાનો મેળો

ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ, સોરઠની જનતા સોમનાથના ભાતીગળ મેળામાં ઉમટી પડે છે. કારતક માસની તેરસથી પૂનમ સુધી ભરાતો આ મેળો સોરઠની લોકસંસ્કૃતિનું ધબકતું પ્રતીક છે.આજે સોમનાથ માત્ર એક દેવાલય નથી, પણ ભારતવર્ષના પુનરુત્થાન અને અખંડ શ્રદ્ધાનું પ્રતીક બનીને અરબી સમુદ્રના તટે અડીખમ ઊભું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh