Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભરબપોરે મકાનમાં ઘૂસી જઈ ૧૪ લાખની મત્તાની લૂંટ

નીચેના ભાગે રહેલા વૃદ્ધાને ગળાટૂંપો આપી બંધક બનાવાયા પછી પુત્રવધૂ તથા પુત્રને પણ છરી બતાવી બે શખ્સ રફૂચક્કરઃ

જામનગર તા.૩૧ : જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી તારમામદ સોસાયટીમાં એક મકાનમાં ગઈકાલે બપોરે ઘૂસી ગયેલા બે શખ્સે મકાનના નીચેના ભાગમાં રહેલા પ્રૌઢાને ધમકાવ્યા પછી બંધક બનાવી બીજા રૂમમાં ગોંખી રાખ્યા હતા અને તેણીના ગળામાંથી સોનાનો ચેઈન લૂંટી લેવા ઉપરાંત ધમકાવીને મેળવેલી ચાવીથી તિજોરી ખોલી તેમાંથી રોકડ, સોનાના દાગીના મળી કુલ રૂ.૧૪ લાખ ઉપરાંતની લૂંટ ચલાવી છે. મકાનના ઉપરના માળે ધસી ગયેલા શખ્સે ત્યાં રહેલા બે વર્ષના બાળકને ફડાકો ઝીંકવા ઉપરાંત તેની માતાને પણ ધમકાવી હતી. તે પછી પલાયન થયેલા બંને શખ્સોના પોલીસે સગડ દબાવ્યા પછી બે શખ્સના સીસીટીવી ફુટેજથી સગડ મેળવી બંનેની ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે. ગણતરીની કલાકોમાં આ લૂંટનો ભેદ ઉકેલાઈ જવાની આશા સેવાઈ રહી છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામનગર સ્થિત કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીના પ્લોટ નં.૨૬માં નુરૂબી નામના મકાનમાં વસવાટ કરતા ફરીદાબેન મુસ્તફાભાઈ અતરીયા (ઉ.વ.૫૮) નામના દાઉદી વ્હોરા પ્રૌઢા ગઈકાલે બપોરે બારેક વાગ્યે પોતાના ઘરમાં હતા ત્યારે તેઓ પોતાના મકાનના નીચેના ભાગમાં આવેલા ખુદના ઓરડામાં કબાટ સરખો કરી રહ્યા હતા.

આ વેળાએ તેઓ બાથરૂમમાં ગયા પછી જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેઓએ મકાનના બેઠકખંડ (હોલ)માં બે અજાણ્યા શખ્સને ઉભેલા જોયા હતા. ખુલ્લા રહેલા મકાનના બારણામાંથી આ શખ્સો અંદર પ્રવેશ્યા પછી છેક હોલ સુધી પહોંચી ગયા હતા. તેઓને જોઈને ફરીદાબેને પૂછતા આ શખ્સોએ દવા લો છો તેમ પૂછ્યા પછી આ પ્રૌઢાએ દવા ચાલુ હોવાનું જણાવ્યું હતું. ત્યારે અંદાજે ત્રીસેક વર્ષની વયના અને ગુજરાતી જ ભાષા બોલતા આ શખ્સોએ પોતાની પાસે આયુર્વેદિક દવા હોવાનું કહ્યું હતું પરંતુ ફરીદાબેને પોતાની દવા ચાલુ છે તેમ કહ્યું હતું.

આ શખ્સોએ આજુબાજુમાં જોયા પછી ફરીદાબેને નીચે નજર કરતા આ શખ્સોના પગમાં બુટ જોવા મળ્યા હતા. તેથી અજાણ્યા મકાનમાં છેક અંદર સુધી બુટ પહેરીને આવેલા આ લોકોના ઈરાદા વિશે શંકા પડતા ફરીદાબેન થોડા ગભરાયા હતા ત્યારે જ આ શખ્સોએ તેઓને ઘેરી લઈ ઢીકાપાટુ વડે માર મારવા ઉપરાંત તેણીને લાત મારી પછાડી દીધા હતા. તે પછી પ્રૌઢાના મ્હોંમાં કાપડનો ડૂચો ભરાવી દઈ હાથ તથા પગ દોરી વડે બાંધવાનું શરૂ કર્યું હતું.

આ સમયે ફરીદાબેનના પુત્ર અબ્બાસભાઈના પત્ની તથા બે વર્ષનો પુત્ર ઉપરના માળે હાજર હતા પરંતુ તેઓને નીચે ભોંયતળિયે આ પ્રકારનું કૃત્ય બની રહ્યું છે તેનો કોઈ અણસાર આવ્યો ન હતો. તે દરમિયાન ફરીદાબેનને તે ઓરડામાંથી બીજા ઓરડામાં લઈ જઈ બંને શખ્સે પુરી દઈ ઘરમાં જે કાંઈ હોય તે આપી દેવાનું કહ્યું હતું અને ગળામાં કપડા વડે ગાળીયો બનાવી ખેંચવાનું શરૂ કરતા શ્વાસ રૃંધાવવા લાગવાના કારણે ગભરાઈ ગયેલા ફરીદાબેને ચાવી બતાવી દીધી હતી. ત્યારે તેમના ગળામાંથી આ શખ્સોએ ૧૨ ગ્રામ વજનનો સોનાનો ચેન લૂંટી લીધા પછી અન્ય ઓરડામાં રહેલી  તિજોરી ચાવીથી ખોલી નાખી તેમાં હાથ સાફ કર્યાે હતો.

આ તિજોરીમાંથી રૂ.૧ લાખ રોકડા તેમજ ૧૦ તોલા વજનનું સોનાનું બિસ્કિટ, છ ગ્રામની સોનાની બુટી, ત્રણ ગ્રામની સોનાની બે ગીની, બાર તોલા વજનની સોનાની ચાર બંગડી તથા માણેકના નંગવાળી ચાંદીની વીટી મળી કુલ રૂ.૧૩,૦૭,૫૦૦ની કિંમતના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૧૪, ૦૭,૫૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી.

ત્યારપછી આ શખ્સોમાંથી એક શખ્સ ઉપરના માળે ધસી ગયો હતો. જ્યાં હાજર ફરીદાબેનના પુત્રવધૂ તથા બે વર્ષના પૌત્રને છરી બતાવી આ શખ્સે ધમકાવવા ઉપરાંત વધુ ધાક બેસાડવા બે વર્ષના બાળકને ફડાકો ઝીંકતા તેના કાનમાંથી લોહી વહેવા માંડ્યું હતું. તેથી આ મહિલા પણ ગભરાયા હતા.

તેઓએ સમયસૂચકતા વાપરી પુત્રને સાથે રાખી તે ઓરડામાંથી દોટ મૂકી બીજા ઓરડામાં પહોંચી અંદરથી બારણું બંધ કરી લીધુ હતુંં. તે પછી તરત જ ફરીદાબેનના પુત્ર અબ્બાસભાઈને મોબાઈલ પર કોલ કરી વિગતો આપતા ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવતા અબ્બાસભાઈ ઉચ્ચક શ્વાસે ઘરે આવવા નીકળી ગયા હતા. તે દરમિયાન બંને લૂંટારૂ સ્થળ પરથી પોબારા ભણી ગયા હતા.

ઘરે પહોંચ્યા પછી શ્વાસ રૃંધાવવાના કારણે હાંફી રહેલા માતા તથા કાનમાંથી લોહી વહી રહ્યું હતું તે પુત્રને સારવાર અપાવવા પ્રયત્ન કર્યાે હતો. તે પછી પોલીસને જાણ કરાતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફ ધસી ગયા હતા. પોલીસે ફરીદાબેનની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સ સામે કુલ રૂ.૧૪૦૭૫૦૦ની મત્તા લૂંટી જવા અંગે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. તે વિસ્તારમાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ પણ ચકાસાયા છે.

કેટલાક ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ કરતા અમૂક શખ્સોને ચકાસવામાં આવ્યા પછી પોલીસે બે શકમંદને રાઉન્ડઅપ કર્યા છે. આ શખ્સોની વિશિષ્ટ ઢબે શરૂ કરાયેલી પૂછપરછમાં લૂંટના આ બનાવનો ભેદ સાંજ સુધીમાં ઉકેલાઈ જવાની આશા વ્યક્ત કરાઈ છે. આ શખ્સો જામનગર શહેરના રહેવાસી નથી પરંતુ અન્ય ગામમાંથી આવી તારમામદ સોસાયટીમાં લૂંટના બનાવને અંજામ આપી પોબારા ભણી જવાની વેતરણમાં હતા તે પહેલાં જ પોલીસે બંનેને દબોચી લઈ બનાવના ગણતરીના કલાકોમાં ભેદ પરથી પરદો ઉંચક્યો છે.

મકાનમાં મૂકેલા સીસીટીવી કેમેરા બગડ્યા, નવા ન મૂકાયા અને...

જેમના મકાનમાં ઉપરોક્ત બનાવ બન્યો છે તે અબ્બાસભાઈ ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવે છે. તેઓએ અગાઉ પોતાના મકાનમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાવ્યા હતા પરંતુ ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે કેમેરામાં ક્ષતિ સર્જાતા કેમેરા કાઢી નાખવામાં આવ્યા હતા અને તેનો લાભ ગઈકાલે લૂંટારૂઓએ ઉઠાવ્યો હતો.

જો કે, તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસાતા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની રાહબરી હેઠળ તપાસ ચલાવી રહેલા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા તેમની ટીમને આરોપીઓના સગડ શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

ભરચક્ક સોસાયટીમાં લૂંટના બનાવે નાગરિકો-પોલીસને કરી દીધા એલર્ટ

કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીમાં જે મકાનમાં લૂંટનો ગઈકાલે આ બનાવ બન્યો છે તે મકાન સહિત સોસાયટીમાં કુલ બાવન મકાન આવેલા છે.

એક મકાનથી બીજા મકાનની દીવાલ અડોઅડ આવેલી છે. તેથી ભરચક્ક કહી શકાય તેવા આ વિસ્તારમાં ભરબપોરે લૂંટારૂઓ એક પ્રૌઢાને બંધક બનાવી લૂંટને અંજામ આપી ગયા તે બનાવ શાંતિપ્રિય નાગરિકોને હચમચાવી દેનારો છે. તેથી જ તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે બે શકમંદને રાઉન્ડઅપ કરી લીધા છે પરંતુ શહેરના ભાગોળે આવેલી અને હજુ નવી બનતી કેટલીક સોસાયટીઓમાં પણ જ્યારે અગાઉ ચોરીના બનાવો બન્યા છે ત્યારે આ રીતની લૂંટ ન થાય તે માટે ચોકન્ના રહેવું પણ નાગરિકો તથા પોલીસ માટે હવે ફરજિયાત બની રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh