Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ માટે ૧૪.૨૬ લાખ પરીક્ષાર્થી નોંધાયા

આ વખતે ૧.૧૩ લાખ પરીક્ષાર્થીઓ ઘટી ગયા !

અમદાવાદ તા. ૩૧: ગુજરાતના ૧૪.૨૬ લાખ વિદ્યાર્થીઓ તા. ૨૭ ફેબ્રુઆરીથી બોર્ડની ૧૦-૧૨ની પરીક્ષા આપશે. આ વખતે ૧.૧૩ લાખ પરીક્ષાર્થી ઘટી ગયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના ૧૪.૨૬ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જો કે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે રાજ્યના ૧૫.૩૯ લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા. જેમાં આગામી પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીમાં ૧.૧૩ લાખનો ઘટાડો થયો છે.

ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૮.૯૦ લાખ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૧૧ લાખ જેટલી નોંધાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા  ૫છી લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બોર્ડની પરીક્ષા માટે ૧૩.૭૫ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.

જોકે, ત્યારબાદ લેઈટ ફી સાથે પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ પરીક્ષા માટે અત્યાર સુધી કુલ ૧૪.૨૬ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૮.૯૦ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪.૨૫ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.

આ ઉપરાંત ધોરણ-૧૨ સાયન્સમાં ૧.૧૧ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. માર્ચ-૨૦૨૪ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૧૫.૩૯ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જેમાં ધોરણ-૧૦ માટે ૯૧૭૬૮૭ ફોર્મ ભરાયા હતા. જ્યારે ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા માટે ૧૩૧૯૮૭ ફોર્મ ભરાયા હતા.

આ ઉપરાંત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪૮૯૨૭૯ ફોર્મ ભરાયા હતા. આ વખતે બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧.૧૩ લાખનો ઘટાડો જોવા મળ્યો છે. ધોરણ-૧૦માં ગત વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં ચાલુ વર્ષે ૨૭ હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં ગત વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા આગામી પરીક્ષા માટે ૨૧ હજાર વિદ્યાર્થી ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. જ્યારે સૌથી વધુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ગતવર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા આગામી પરીક્ષા માટે ૬૪ હજાર વિદ્યાર્થીઓ ઘટયા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે ફેરફાર થવાની શકયતા નહીવત છે. બોર્ડ દ્વારા નિયમિત ફી ઉપરાંત ત્રણ વખત લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

 જોકે તે પછી પણ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા એકથી બે દિવસ મુદ્દત લંબાવવામાં આવી હતી. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સૌથી છેલ્લે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા પછી બોર્ડ દ્વારા હવે પરીક્ષાને લગતી અન્ય તૈયારીઓ હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh