Advertisement
Author: નોબત સમાચાર

મોટરકારમાં 'પોલીસ' લખેલ પ્લેટ રાખનારા સામે કાયદેસરના પગલા લેવા અંગે રજૂઆત

જામનગરના એડવોકેટ દ્વારા

જામનગર તા. ૧૧: જામનગરમાં અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વરસોથી પોલીસના સ્ટાફ કે પોલીસમાં ન હોય તેવા અન્ય તત્વો દ્વારા પોતાના કબજામાં રહેલી મોટરકારમાં ફ્રન્ટ સાઈડમાં કાચ પાસે અંગ્રેજીમાં કેપીટલ અક્ષરોમાં લાલ/બ્લુ કલરની પ્લેટ પર 'પોલીસ' લખેલી પ્લેટ રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે.

આવા તત્વો પોતાના માભો જમાવવા અને પ્રજાને ડરાવવાના બદહેતુથી કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખી મોટર રોંગ સાઈડમાં પુરઝડપે બેફીકરાઈથી અને કોઈની જિંદગીને જોખમમાં મુકે તે રીતે ચલાવીને જતા હોય છે. નો પાર્કિંગની જગ્યા કે અન્યત્ર કાર કલાકો સુધી રાખીને જતા રહે છે. પબ્લિકના કોઈ માણસ સાથે આ મોટર ભટકાય ત્યારે તેને દબાવે છે અને ધમકાવે છે અને તેની ઉપર હુમલો પણ કરે છે.

કેટલીકવાર આવી કારમાં પેસેન્જરો બેસાડીને પૈસા કમાય છે તથા અનેક વખત ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં આવી કાર પકડાયાના અહેવાલો ચમકે છે.

પોલીસવાળા સરકારી નહીં પણ પોતાની પ્રાઈવેટ કારમાં પોલીસ લખેલી પ્લેટ મનસ્વી રીતે રાખે છે અને ખુલ્લેઆમ દુરપયોગ કરે છે, તે ગેરકાયદેસર છે.

તાજેતરમાં સુરેન્દ્રનગરમાં પોલીસ લખેલી ત્રણેક જેટલી કાર ઝડપાઈ હતી અને ગુનો નોંધેલ છે. આ તત્ત્વો પોલીસમાં નોકરી જ કરતા નથી અને માત્ર શોખ ખાતર પોલીસ લખેલ પ્લેટ રાખી હોવાનું કબુલ્યુ છે. આ બાબત ખૂબ જ ગંભીર છે તથા કાયદા વિરૂદ્ધનું કૃત્ય છે.

પ્રજાને ભાજીમુળો સમજતા કેટલાક પોલીસવાળાઓ પોતાના ઉપરી અધિકારીઓની જાણ બહાર બારોબાર કોઈપણ જાતની મંજૂરી લીધા વિના જ પોલીસ લખેલી પ્લેટ કારમાં મુકી કાયદાના લીરેલીરા ઉડાડે છે છતાં રાજયનું પોલીસ ખાતુ આંખ આડા કાન કરતું હોય એવું લાગે છે. પરિણામે પ્રજા એક પ્રકારનો ત્રાસ સહન કરે છે.

કાયદાના રક્ષકો જ કાયદાની ઐસી તેસી કરે છે તથા કાયદાને ખીસ્સામાં રાખીને ફરે છે તેથી લોકોમાં એક પ્રકારના ભયનો માહોલ ઉભો થયેલ છે આથી કારમાં પોલીસ લખેલી પ્લેટ લગાડીને ફરતા પોલીસવાળાઓ તથા અન્ય તત્ત્વો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવા જામનગરના એડવોકેટ ગૌતમ ગોહીલે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh