Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યભરના સરકારી કર્મચારીઓ માટે આજથી હેલ્મેટ ફરજિયાત

માર્ગ અકસ્માતમાં જાનહાની અટકાવવા પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરાયા પછી 'ઘરથી' જ અભિયાનનો પ્રારંભઃ

જામનગર તા. ૧૧: રાજ્યના મુખ્ય પોલીસવડાએ આજથી રાજ્યભરના સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો અને ન પહેરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો ટ્રાફિક શાખાને હુકમ કર્યા પછી જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરાઈ છે. કોઈપણ બહાનાને ન ચલાવી લઈ સરકારી કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં વધતા જતા રોડ અકસ્માતના બનાવ પર અંકુશ લાવી શકાય અને જાનહાની અટકી શકે તે માટે તંત્રવાહકો દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે દરમિયાન ગઈકાલે સાંજે રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાયે રાજ્યભરના ટ્રાફિક કર્મચારીઓને આજથી તમામ સરકારી કચેરીઓ પાસે કાર્યવાહીનો પ્રારંભ કરવા આદેશ કરાયો છે.

રાજ્યના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે ત્યારે બીજા નાગરિકો માટે તેઓ રોલ મોડેલ બને તેવી અપેક્ષા સેવી સરકારી કર્મચારીઓ તમામ નિયમોનું પાલન કરે તે માટે હેલ્મેટના નિયમનો અમલ કરવા તમામ જિલ્લાની ટ્રાફિક બ્રાંચને તેમના અધિકારીઓના સુપરવિઝન હેઠળ તમામ સરકારી કચેરી નજીક વોચ રાખવા અને દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી છે.

તેના પગલે આજે જામનગર શહેર તેમજ જિલ્લા અને દેવભૂમિ દ્વારકા શહેર-જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર શહેરમાં આવેલી તમામ સરકારી કચેરી પાસે સવારે ટ્રાફિક શાખાના કર્મચારીઓ ગોઠવાઈ ગયા હતા. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, કોર્પોરેશન તેમજ પીજીવીસીએલ, ઈજનેર ઓફિસ, તાર ઓફિસ તથા અન્ય સરકારી કચેરી પાસે આવી રહેલા સરકારી કર્મચારીઓને તેમના ટુ વ્હીલર રોકાવી દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ હતી.

તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પણ પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી હતી. આજે બપોર સુધીમાં ખંભાળિયામાં પોલીસે ચાર ડઝન જેટલા સરકારી કર્મચારી ઓને હેલ્મેટ વગર ઓફિસમાં જતા અટકાવી, દંડ સ્વરૂપે રૂ.૨૩,૫૦૦ વસૂલ કર્યા હતા. ડીજીપીના આદેશથી આજથી જ ઉપરોક્ત કામગીરી કડક રીતે શરૂ કરાતા હેલ્મેટ વગર સ્કૂટર, બાઈક પર આવતા સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવા માટે મજબૂર બન્યા છે.

તે ઉપરાંત રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર અને ખાસ કરીને ગાંધીનગર સ્થિત સચિવાલય ગેઈટ પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓથી આ ડ્રાઈવ શરૂ કરાઈ છે.

રાજ્યના ચાર મહાનગરો માં આજ સવારથી શરૂ થયેલી આ ડ્રાઈવ અંતર્ગત કેટલાક વાહનચાલકો નજીકમાંથી જ આવ્યા છીએ, હેલ્મેટ પહેરતા ભૂલી ગયા છીએ તેવા બહાના કાઢી છટકવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પોલીસે રાજ્યના મુખ્ય પોલીસવડાના આદેશની કડક અમલવારી આરંભી દીધી છે અને નિયમભંગ કરનાર વાહનચાલકોને ઈ-મેમો ફટકારી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh