Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે અને માર્કેટમાં પતંગ, દોરી, ખાણીપીણીની ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો નીકળી રહ્યા છે. સિઝનલ ફળો, જીંજરા અને ગોળમાંથી બનતી તલસાંકરી, પુસ્તાપાક, તલ-મમરાના લાડુ, રેવડી, ગુબીજ, ખજુરપાક, દારિયાપાક સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે સાતધાનનો ખીચડો બનાવવાનો પણ રિવાજ છે. શિયાળાની ઋતુમાં કોઈપણ ઉજવણીમાં ભજીયાપાર્ટી અને ગાંઠિયા-જલેબીની મહેફિલો તો સૌરાષ્ટ્રમાં યોજાતી જ હોય છે ને ?
મકરસંક્રાંતિ એટલે પતંગોત્સવનો તહેવાર...હવે તો સરકારો પણ પતંગોત્સવો ઉજવવા લાગી છે અને પતંગોત્સવને હવે ગ્લોબલ ઈવેન્ટ બનાવી દીધો હોવાથી તંત્રો પણ પતંગોત્સવો માટે ઘણાં જ એક્ટિવ રહેતા હોય છે. તાલુકા કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી કાઈટ ફેસ્ટિવલના આયોજનો માટે સ્પેશિયલ બેઠકો યોજાતી જ રહે છે, પરંતુ તેની સાથે સાથે દર વર્ષે નવા નવા આયામો જોડાતા રહે છે. હવે તો પતંગોત્સવો પણ અન્ય પ્રોડકટો તથા વિષયોના માર્કેટીંગનું માધ્યમ પણ બન્યા છે. પતંગોત્સવ એ રોજગારીની વિપુલ તકો પણ ઊભી કરી છે. અને ઘણાં સામાન્ય અને ગરીબ પરિવારોને પતંગોત્સવોના કારણે આર્થિક ઉત્તેજન પણ મળ્યું છે, તેનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
બીજી તરફ મકરસંક્રાંતિના તહેવારોમાં પશુ-પંખીઓ માટે જ નહીં, આપણાં બધા માટે પણ પતંગની દોરથી ઈજાગ્રસ્ત થવાનો ખતરો મંડરાતો રહેતો હોય છે, અને ઘણાં બાઈક સવારો કે સાયકલ સવારોએ પતંગની દોરથી ગળુ કપાઈ જતાં જીવ ગુમાવ્યો હોય, તેવા પણ દૃષ્ટાંતો છે. તે ઉપરાંત ઊંંચાઈ પર ઊભીને પતંગ ઉડાડતા ઉડાડતા કે કોઈ ની "કટી પતંગ" મેળવવા જતા ઊંચાઈએથી પડી જવાથી પણ ઘણાં લોકો ઈજાગ્રસ્ત થાય છે, અને જીવનું પણ જોખમ રહે છે. આ તમામ જોખમો હોવાથી પતંગ ઉડાડવા જ ન જોઈએ, તેવું તો કહેવું તો યોગ્ય જ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી જ અટકાવવા જરૂરી જાગૃતિ રાખવા લોકોને સાવચેત અને પ્રશિક્ષિત તો કરી જ શકીએ છીએ ને ?
થોડા સમયથી કેટલાક સ્થળે પોલીસતંત્ર દ્વારા દ્વીચક્રી વાહનોમાં દોર વિરોધી તારની રીંગ લગાવવાની પહેલ કરી છે, જેને સ્ટ્રીંગ પ્રોટેક્ટર પણ કહે છે, તે ઉપરાંત બાઈકર્સને ગળામાં દોર રક્ષક બેલ્ટ પણ બાંધવામાં આવી રહ્યા છે. આ એક યોગ્ય પહેલ છે અને આ કારણે લોકોમાં જાગૃતિ પણ આવી રહી છે. મકરસંક્રાંતિના પર્વે પગપાળા નીકળતી વખતે પણ આ પ્રકારના સેઈફગાર્ડનો ઉપયોગ કરવામાં આવે, તે ઈચ્છનિય છે. બીજી તરફ સૌથી વધુ જવાબદારી પતંગ ઉડાડનારાઓની પણ ગણાય કારણ કે કોઈને પણ ઈજા ન પહોંચે તેવી રીતે પતંગ ઉડાડવાની જાગૃતિ રાખવાની માનવીય ફરજ તો બજાવવી જ જોઈએ ને ?
આ તો થઈ માનવની એટલે કે આપણાં સૌના રક્ષણની વાત...પરંતુ પતંગની દોરીથી ઘણી વખત સડક પર જતા પશુઓને પણ હાનિ કે ઈજા પહોંચતી હોય છે, તે અંગે પણ સ્વયં પતંગબાજો જ વધુ જવાબદાર ગણાય., આ જોખમોને હળવાશથી લેવાના બદલે એવી રીતે વિચારવુ જોઈએ કે જો પતંગની દોરીથી આપણું કોઈ સ્વજન કે આપણા પાલતુ પશુઓને ઈજા થાય, ત્યારે આપણે કેવી રીતે વિચારીએ ? કેવી રીતે "રિએકટ" કરીએ અને તેવા સમયે આપણને સૌથી વધુ કેવી લાગણી જન્મે, તેની કલ્પના કરીએ તો પણ પતંગ ઉડાડતી વખતે આપણે આ પ્રકારની સાવચેતી તો જરૂર રાખીએ જ...
હવે કરીએ ગગન વિહાર કરતા કે વૃક્ષોની આજુબાજુ કલરવ કરતા નિર્દોષ માસુમ પંખીડાઓની વાત... પંખીઓ જ સૌથી વધુ પતંગબાજીની દોરનો ભોગ બનતા હોય છે, અને દર વર્ષે આ અંગે તંત્રો, સમાજ અને સંગઠનો (એનજીઓઝ) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. અ વર્ષે પણ આ જ પ્રકારે કરૂણા અભિયાન, વિશેષ ટીમો તથા સારવાર કેન્દ્રોની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ પંખીઓને ઓછામાં ઓછું નુકસાન પહોંચે, તેવી સાવધાની રાખીએ છીએ ખરા ?
જો કે, જાહેરનામાઓ અને ગાઈડલાઈન્સ બહાર પડે છે, તંત્રો પરિપત્રો કાઢે છે, અને પંખીઓના ગગન વિહારના સમયે પતંગ નહીં ઉડાડવાની ચોક્કસ ટાઈમટેબલ સાથેની સૂચનાઓ પણ અપાતી હોય છે, પરંતુ શું આપણે તેનું ચૂસ્ત પાલન કરવા તૈયાર છીએ ખરા ? આપણે આપણી જાત (આત્મા)ને જ આ સવાલનો જવાબ પુછવાની જરૂર છે. જે કોઈપણ વ્યક્તિ દિલ પર હાથ રાખીને કહી શકે કે તે આ પ્રકારની સાવચેતી રાખે છે, અને તેમના પરિવાર, મિત્રોને પણ પંખીઓને નુકસાન ન થાય, તેનું ધ્યાન રાખવા સમજાવે છે, તે જ સાચો જીવદયાપ્રેમી ગણાય...ખરૃં ને ?
પતંગબાજી પણ હવે સસ્તી રહી નથી. સામાન્ય પતંગ અને દોરનો એક પરિવારનો જ ખર્ચ બાળક દીઠ સેંકડો અને પરિવાર દીઠ હજારોમાં પહોંચે તેવા ભાવો છે અને તેની સાથે ગીત-સંગીત, ખાણી-પીણી તથા ટેરેસ પર જ લંચ-ડીનર કે મહેફીલ કરવાનો તોતીંગ ખર્ચ તો હવે ગરીબો કે નિમ્ન મધ્યમવર્ગોના પરિવારોને પોષાય તેમ જ નથી. આમ, છતાં ઉછી ઉધારાના નાણાં મેળવીને પણ જયારે આ પરિવારો મકરસંક્રાંતિ ઉજવતા હોય છે, ત્યારે થોડી દયા ભાવના, જીવદયા અને સાવધાની રાખીને કોઈપણ જીવ કે માનવીને ઈજા પહોંચે જ નહીં, તેટલું તો આપણે બધા કરી જ શકીએ ને ?
એવું પણ નથી કે આપણે પતંગોત્સવ ઉજવીએ જ નહીં કે મોજ-મજા કરીએ જ નહીં, પરંતુ શક્ય તેટલી વધુ સતર્કતા, પરસ્પર સહયોગ અને સાંમજસ્ય દાખવીને થોડી જાગૃતિ રાખીએ અને માત્ર આદર્શ વાતોના વડા કરીને કે જાહેરનામા-ગાઈડલાઈન્સ જાહેર કરીને તથા ઉપદેશ આપીને નહીં, પરંતુ આપણાંથી જ જરૂરી જાગૃતિની શરૂઆત કરવી જોઈએ, અન્યથા આપણા જેવા દંભી કોઈ નહીં હોય...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial