Advertisement
Author: નોબત સમાચાર

કર્ણાટકમાં સિદ્ધારામૈયા આઉટ... ડી.કે. શિવકુમાર ઈન

કોંગ્રેસનો કકળાટ ખતમઃ અંતે ઘી ના ઠામમાં ઘીઃ કેબિનેટમાં મુખ્યમંત્રીપદ છોડવાની જાહેરાત સાથે અનુગામીનું નામ સ્વયં સૂચવ્યું

                                                                                                                                                                                                      

બેંગ્લુરૂ તા. ર૮: કર્ણાટક કોંગ્રેસમાં અંતે કકળાટ ખતમ થયો છે અને સિદ્ધારામૈયાના રાજીનામા પછી ડી. શિવકુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે કેબિનેટમાં આ જાહેરાત કર્યા પછી મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલના સેક્રેટરીને સુપ્રત કરવા રવાના થયા હતાં.

કર્ણાટક કોંગ્રેસના કકળાટનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. સીએમ આવાસ કાવેરીમાં યોજાયેલી કેબિનેટ મંત્રીઓની હાઈ-વોલ્ટેજ બ્રેકફાસ્ટ મિટિંગમાં સિદ્ધારામૈયાએ ખૂબ જ ભાવુક માહોલ વચ્ચે આ મોટો નિર્ણય જાહેર કર્યો હતો.

આ બેઠક નિર્ધારિત સમય કરતા એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતાં. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એક્તાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતાં. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતાં.

સિદ્ધારામૈયા સવારે ૧૧ વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતાં, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરૂ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે? પરંતુ તે પછી કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલયે સત્તાવાર પુષ્ટિ કરી છે કે 'મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરૂમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે.' કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ પછી હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે.

બીજી તરફ આવતીકાલે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત પછી નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારી થશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh