Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર ૧૬ વર્ષથી નીચેના વયજુથ માટે પ્રતિબંધ મૂકવા કાયદો ઘડો

મદ્રાસ હાઈકોર્ટની કેન્દ્રને સલાહઃ

                                                                                                                                                                                                      

ચેન્નાઈ તા. ર૬: ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન કરવા મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્રને સલાહ આપી છે.

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક સીમાચિન્હરૂપ અવલોકન કર્યું છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.

ન્યાયાધીશ કે.કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચ એક જાહેર હીતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર એસ. વિજયકુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળ જાતિય દુર્વ્યવહાર સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે. દેશના તમામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ માટે 'પેરેન્ટલ વિન્ડો' સુવિધા ફરજિયાત બનાવવામાં આવે જેથી બાળકો વાંધાજનક સામગ્રીથી દૂર રહે.

હાઈકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન નોંધ્યું કે માત્ર વેબસાઈટ બ્લોક કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં, કારણ કે આવી યુઆરએલ સતત બદલાતી રહે છે. કોર્ટે જણાવ્યું કે, 'વાંધાજનક સામગ્રી જોવી કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે, પરંતુ બાળકોના કિસ્સામાં આ જોખમ અનેકગણું વધી જાય છે. બાળકો શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાનું નિયંત્રણ અને જાગૃતિ અનિવાર્ય છે. અરજદારની દલીલને સ્વીકારતા કોર્ટે કેન્દ્રને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વયમર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.'

જ્યાં સુધી કોઈ નવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાઈકોર્ટે નિર્દેશો આપ્યા છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સોશિયલ મીડિયાના જોખમો વિશે માતા-પિતા અને બાળકોને શિક્ષિત કરવા માટે મોટા પાયે અભિયાનો ચલાવવા, બાળ અધિકાર કમિશને આ બાબતે નક્કર કાર્ય યોજના વિક્સાવી તેનો કડક અમલ કરવો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વિશ્વનો સૌથી કડક સોશિયલ મીડિયા કાયદો પસાર કર્યો છે, જેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટીકટોક જેવા પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh