Advertisement
Author: નોબત સમાચાર

વેપારીને હનીટ્રેપમાં ફસાવી પડાવી લેવાયા સવા કરોડ જેવી માતબર રકમ

યુવતી, પોલીસ વર્દીમાં રહેલા બે શખ્સ સહિત ચાર સામે નોંધાયો ગુન્હોઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના એક કારખાનેદારને મોબાઈલ પર એક એપના માધ્યમથી ચેટીંગ કર્યા પછી સંપર્કમાં આવેલી યુવતીએ હનીટ્રેપમાં ફસાવી રૂા.૧ કરોડ ૨૦ લાખ પડાવી લીધા હતા. આ યુવતી સાથે પોલીસની વર્દી પહેરેલા બે શખ્સ પણ સંડોવાયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. દ્વારકા જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કેસની ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ રાજકોટમાં અમીન માર્ગ પર પંચવટી સોસાયટીમાં રહેતા અને જવેલરીમાં ડિઝાઈન કરવાના ટુલ્સનું કારખાનુ ચલાવતા નરેશભાઈ દેવરાજભાઈ સોરઠીયા (ઉ.વ.૬૪) નામના પટેલ વૃદ્ધને થોડા દિવસ પહેલાં મોબાઈલમાં ટીંડર નામની એપમાં એક યુવતીનો સંપર્ક થયો હતો.

તે એપ પર આ યુવતી સાથે વાતચીત શરૂ થયા પછી નિકીતા નામ બતાવતી આ યુવતીએ વોટ્સએપ નંબર માંગતા નરેશભાઈએ પોતાના મોબાઈલ નંબર આપ્યા હતા. તેથી દિવસ અને રાત્રિ દરમિયાન આ યુવતી વોટ્સએપ પર કોલ, મેસેજ કરતી હતી. જેમાં તેણીએ તમે મને મૂકી તો નહીં દો ને તેવી વાત કરતા નરેશભાઈએ આપણે એક-બીજાને ઓળખતા નથી તો છોડવાની વાત કેમ કરવી તેમ કહેતા આ યુવતીએ દ્વારકા દર્શન કરવા જવાની ઈચ્છા બતાવી ત્યાંથી સંબંધ શરૂ કરવાની વાત કરતા નરેશભાઈએ તેણીને ઉંમર પૂછી હતી જેમાં આ યુવતીએ પોતાની ઉંમર ૨૭ વર્ષ હોવાનું કહેતા નરેશભાઈએ પોતાની ઉંમર ૬૪ હોવાનું કહેતા તે યુવતીએ નરેશભાઈની ઉંમર સાથે કંઈ વાંધો નથી તેમ કહી સંબંધ જોડવાનું કહ્યું હતું!

ત્યારપછી બુધવારે નરેશ ભાઈ પોતાની મર્ડીસીઝ મોટર લઈને નીકળ્યા હતા. તેઓ રાજકોટમાં નીકિતાને મળ્યા પછી એક હોટલમાં રૂમ ભાડે રાખી રોકાયા હતા. જ્યાં આ યુવતીનું આધારકાર્ડ નરેશ ભાઈએ જોતા તેમાં આરશુ સિંગ નામ અને એડ્રેસ વડોદરાનું જોવા મળતા તે યુવતીએ પોતાનું સાચુ નામ આરશુસિંગ હોવાનું અને બધા નીકિતા કહીને બોલાવતા હોવાનું કહ્યું હતું અને નરેશ ભાઈએ તે માની લીધુ હતું.

તે પછી બંને વ્યક્તિ દ્વારકા જવા માટે નીકળ્યા હતા. તેમાં માર્ગમાં ઉલ્ટી થતી હોવાનું કહી અવારનવાર નીકિતાએ મોટર ઉભી રખાવી હતી તે પછી દ્વારકા નજીક ઓખામઢી ટોલનાકા પાસે પાંચેક કિ.મી. દૂર જ્યારે તેઓની મોટર પહોંચી ત્યારે નંબર પ્લેટ વગરની સફેદ રંગની એક સ્વીફટ મોટર આવી હતી અને ઓવરટેક કરી આગળ ઉભી રહી ગઈ હતી.

તે મોટરમાંથી બે શખ્સ પોલીસના ડ્રેસમાં નીચે ઉતર્યા હતા અને તેઓએ નરેશભાઈ ની મોટર ચેક કરવાનું નાટક કર્યું હતું. આ શખ્સોની નેમ પ્લેટમાં સંજય કરંગીયા અને એસ.જે. સોલંકી નામ લખેલા હતા. આ શખ્સોએ નીકિતાની બેગમાંથી સફેદ રંગની એક પડીકી કાઢી હતી અને આ પડીકીમાં ડ્રગ્સ છે, તમારી સામે કેસ કરવો પડશે તેમ કહી ધમકી બતાવતા નરેશભાઈ ગભરાઈ ગયા હતા.

ત્યારપછી નીકિતાએ મામલો સુલટાવવાની વાતો કરતા આ બંને શખ્સે રૂા.૧૦ કરોડમાં સેટલમેન્ટ થશે તેમ કહી સીન જમાવતા નરેશભાઈએ આટલી રકમ સાથે નથી તેમ કહી જેટલા થાય તેટલા અત્યારે આપી દઉં છું તેમ કહી પોતાના પુત્ર ઈશાનને ફોન કરી આંગડીયા મારફત પૈસા મોકલવાનું કહેતા તેમના પુત્રએ રૂા.૧ કરોડ ૨૦ લાખ મોકલાવી આપ્યા હતા અને તે રકમ લઈ પોલીસ ડ્રેસ પહેરેલા બંને શખ્સ ચાલ્યા ગયા હતા.

આ પછી પણ નીકિતાએ દુષ્કર્મ ગુજારવા અંગે નરેશ ભાઈ સામે ફરિયાદ નોંધાવવાની ધમકી આપી બાકીના રૂા.૭ કરોડ ૮૦ લાખ ની માગણી કરતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે તપાસનો આદેશ કરતા ઓખાના પીએસઆઈ આર.આર. જરૂ તથા સ્ટાફે આરોપીઓના સગડ દબાવવાનું શરૂ કર્યું હતું. જેમાં એક દંપતી પોલીસની અટકાયતમાં આવ્યું છે. પોલીસે હાલમાં યુવતી સહિત ચાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ યથાવત રાખી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh