Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભમાં માઘ પૂર્ણિમાના અમૃતસ્નાન માટે નવો ટકાઉ મેનેજમેન્ટ પ્લાન ઘડાયો

અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધઃ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરાઈઃ ઠેર-ઠેર ટ્રાફિક જામ

લખનૌ તા. ૧૧: મહાકુંભમાં માધપૂર્ણીમાના અમૃત સ્નાન માટે ચારેતરફથી શ્રદ્ધાળુઓ ઉભરાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે, ત્યારે પોલીસે નવો ટકાઉ મેનેજમેન્ટ પ્લાન ઘડયો છે અને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહૃાા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક યોજી હતી.

યુપીના ૨૮ પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે, જેથી લોકોને જામની સમસ્યામાંથી રાહત મળી શકે. તેમજ અયોધ્યા-કાશીમાં ૧૧ થી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

મહાકુંભમાં પાંચમું માઘ પૂર્ણિમા સ્નાન ૧૨ ફેબ્રુ.એ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ ૧.૪૪ કરોડ લોકો સ્નાન કરે છે.

આ બેઠકમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થવી જોઈએ. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને કોઈ બેદરકારી ન રાખવી.

સોમવારે મોડી રાત્રે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ સરકારી સ્તરના અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશામ્બી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ વગેરે જિલ્લાઓ, ઝોન અને રેન્જોમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને મહાકુંભની વ્યવ-સ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને ૧૪મી ફેબ્રુઆરી સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.

જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય ૮ સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે. વારાણસીની પણ આવી જ હાલત છે. કાશીમાં આવી રહેલી મોટી ભીડને જોતા પ્રશાસને શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વારાણસીની બહાર જ બહારના વાહનોને રોકવામાં આવી રહૃાા છે. ભીડવાળી જગ્યાઓ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભક્તોની ભીડને જોતા અનેક જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ ચારથી છ લાખ ભક્તો દર્શન કરવા આવી રહૃાા છે. સરકારી આંકડાઓ અનુસાર, ૯ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ મહાકુંભમાં ૪૩.૫૭ કરોડથી વધુ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું છે. ૧૦ ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૬૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

વધતી ભીડને જોતા અયોધ્યા અને વારાણસીમાં ૧૧ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. અયોધ્યામાં ભીડને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. સિંહે તમામ શાળાઓને આગામી ચાર દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ જો શાળાઓ ઈચ્છે તો તેઓ ઓનલાઈન વર્ગો ચલાવી શકે છે.

પ્રયાગરાજમાં લોકોની ભીડ વધી ગઇ છે અને ચક્કજામના દૃશ્યો સામે આવી રહૃાા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ૪૫ કરોડ જેટલા વધુ ભક્તો સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. હવે માઘ પૂર્ણિમા આવી રહી છે. આ દિવસના અમૃત સ્નાનને લઇને ભીડ વધી શકે છે. જેને ધ્યાને રાખીને પ્રયાગરાજ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી ભીડ વચ્ચે પોલીસ અને વહીવટીતંત્ર માઘ પૂર્ણિમાના અમૃત સ્નાન પ્રક્રિયાને સુગમ બનાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. જેને લઇને એક ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ શહેર તરફ આગળ વધી રહૃાા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક પ્લાન જાહેર કર્યો છે. જે મુજબ આજે સવારે ૪:૦૦ વાગ્યાથી સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઇમરજન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે. જેમાં બહારથી આવતા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

સોશિયલ મીડિયામાં પ્રસારિત વીડિયોઝમાં પણ મધ્યપ્રદેશના કટની,મેહર અને રીવા જિલ્લાના સડકમાર્ગો પર કારો અને ટ્રકોની લાંબી કતાર જોઇ શકાય છે. એમપી પોલીસ પ્રયાગરાજ પોલીસ પ્રશાસન સાથે સંકલનમાં રહીને પછી જ વાહનોને આગળ જવા દેવાની મંજુરી આપે છે. કેટલાક પ્રત્યક્ષ-દર્શીઓના જણાવ્યા અનુસાર ૫૦ કિમી જેટલું અંતર કાપવામાં  ૧૦ થી ૧૨ કલાક જેટલો સમય લાગી રહયો છે. પ્રયાગરાજ શહેરથી લઇને વારાણસી,મિરઝાપુર, લખનૌ અને રીવા સહિતના ૭ એન્ટ્રી પોઇન્ટસ પર વાહનોની લાંબી કતાર ધ્યાન ખેંચતી હતી. ટ્રેનમાર્ગે આવી રહેલા શ્રધ્ધાળુઓ જનરલ કોચમાં હોય કે એસી કોચમાં ભીડ અનુભવી રહયા છે. પ્રયાગરાજ મહાકુંભ અંગે એવી પણ અફવા ફેલાઇ હતી કે ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ જંકશન બંધ કરવામાં આવ્યું છે.

જો કે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજ જંકશન ખુલ્લું હોવાનું જણાવીને અફવાઓ પર ધ્યાન નહી આપવા પર ભાર મુકયો હતો. લોકો સ્નાનના સ્થળ સુધી જવા માટે કલાકો સુધી રાહ જોવા માટે પણ તૈયાર છે. એક અનુમાન અનુસાર દિલ્હીથી પ્રયાગરાજ આવવા માટે ૨૬ કલાક જેટલો સમય લાગે છે. પ્રયાગરાજ પહોંચ્યા પછી પણ શ્રધ્ધાળુઓ જોખમી રીતે ટ્રાન્સપોર્ટ અને નાના ગુડસ વાહનોમાં મુસાફરી કરી રહયા છે. નાની પીક અપ ગાડીઓમાં ક્ષમતા કરતા બમણા મુસાફરો ભરવામાં આવે છે કેટલાક મુસાફરો વાહન પાછળ લટકતા રહીને પણ સંગમસ્થળે જવા મજબૂર છે.

મહાકુંભના પવિત્ર સ્નાન માટે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં ભારે ભીડ જોવા મળે છે. યુપીના અનેક શહેરોથી માંડીને મધ્યપ્રદેશ સુધીના સ્ટેશનો પર પ્રવાસીઓ કિડીયારુની જેમ ઉભરાયા છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને એડીજી લો એન્ડ ઓર્ડર માટે પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. હવાઇમાર્ગની યાત્રાનું ભાડુ વધારે હોવાથી સામાન્ય લોકો ટ્રેન અથવા તો સાર્વજનિક ટ્રાંસપોર્ટમાં પ્રવાસ પસંદ કરે છે. આથી વાહનોનો વિવિધ સડકમાર્ગો પર ખડકલો જોવા મળે છે.

માઘ પૂર્ણિમાના સ્થાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૨ ફેબ્રુઆરીએ યોજાનાર માઘ પૂર્ણિમાના સ્થાનને ધ્યાનમાં રાખીને આગામી તા. ૧૩ ફેબ્રુઆરીના સવારે ૮ વાગ્યા સુધી મેળવામાં કોઈ વાહન દોડશે નહીં. ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દોડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh