Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફવાઓથી દૂર રહેવુઃ અધિકૃત સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખવો
જામનગર તા. ૩૧: જામનગર સહિત રાજ્યભરમાં તા. ૨ ઓગષ્ટ સુધી વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સતર્ક થયુ છે અને જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડયાની અધ્યક્ષતામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ સમીક્ષા બેઠક દરમિયાન સંબંધિત તમામ વિભાગોને સાબદા કરાયા છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી તા.૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સતત સતર્ક રહી સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.
સંભવિત પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (એસડીઆરએફ)ની એક ટીમ જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખવા અને જરૂરી જણાય ત્યાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે લગત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
કૃષિ વિભાગને ખેડૂતોને વરસાદી પરિસ્થિતિ દરમિયાન પાક અને ખેતરની સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવા જણાવાયું હતું. ખેડૂતોને ખેતરમાં પાણી ભરાવા, પાકને થતા સંભવિત નુકસાન અને વીજળીના કડાકા દરમિયાન સલામતીના પગલાં અંગે જાગૃત કરવા સૂચના આપવામાં આવી હતી.
પશુપાલન વિભાગને પશુઓના આરોગ્ય અને સલામતી અંગે જરૂરી માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવા તથા પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા, ચારો અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા જાળવવા તેમજ જરૂરી તબીબી સેવાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી હતી.
રાહત અને બચાવ કામગીરી દરમિયાન અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી તથા અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગને વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય અને ચેપી રોગચાળાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી જરૂરી પગલાઓ લેવા જણાવાયું હતું. આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ, મેડિકલ સ્ટાફ અને ઇમરજન્સી સેવાઓ સજ્જરાખવા તેમજ રોગચાળાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને બાળકોની સલામતીને પ્રાધાન્ય આપતાં શુક્રવાર અને શનિવારના રોજ જિલ્લામાં આવેલી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું.
સિંચાઈ વિભાગને ડેમ અને જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવા તથા જરૂરી જણાય ત્યારે નિયંત્રિત રીતે પાણી છોડતા પહેલાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પૂર્વચેતવણી અને એલર્ટ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
જે વિસ્તારોમાં વધુ વરસાદના પરિભમે રોડ-રસ્તાઓમાં નુકસાન થાય કે પવનના પરિણામે વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવે તો માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા ત્વરિત ઘટના સ્થળે પહોચી વાહનવ્યવહાર પૂર્વવત કરવા જણાવવામાં આવ્યું હતું.
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે સુરક્ષિત આશ્રય સ્થાનો, રહેવા-જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે જરૂરી પૂર્વતૈયારીઓ પૂર્ણ રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત સ્ત્રોતોથી પ્રાપ્ત માહિતી પર વિશ્વાસ રાખવા, જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા તેમજ જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જામનગર મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી તથા લગત વિભાગના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial