Advertisement
Author: નોબત સમાચાર

જોગવડ પાટીયા પાસે માલવાહક રિક્ષાને મોટરની ટક્કરઃ બેના મોત

બબરઝર પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુઃ શહેરમાં તીનબત્તી પાસે બસ સાથે ટ્રક ટકરાઈ પડ્યોઃ

જામનગર તા.૬ : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા નજીક ગઈકાલે સાંજે ટાઈલ્સ ભરીને જતી માલવાહક રિક્ષાની પાછળ એક મોટર ધડાકાભેર ટકરાઈ પડી હતી. મોટરની ટક્કરથી ફંગોળાયેલી રિક્ષા રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા જામનગરના બે યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. લાલપુરના બબરઝર ગામ પાસે દસ દિવસ પહેલાં એક બાઈક સ્લીપ થતા ઘવાયેલા ધારાગઢના વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થયું છે. તીનબતી સર્કલ પાસે ગઈરાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં બસને નુકસાન થયાની ફરિયાદ કરાઈ છે.

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા જોગવડ પાટીયા પાસેથી ગઈકાલે સાંજે પોણા છએક વાગ્યે જીજે-૧૦-ટીઝેડ ૧૮૮૯ નંબરની પીકઅપ રિક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષામાં ટાઈલ્સ ભરીને એક સ્થળે ઉતારવા માટે જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં આવેલી પીલુડી ફળીમાં રહેતા સોહિલ વલીભાઈ શેખ (ઉ.વ.૩૨) તથા હાજી ઉર્ફે મોહસીન (ઉ.વ.૩૨) નામના બે યુવાન જતા હતા.

આ રિક્ષા જ્યારે મેઘપર પોલીસ સ્ટેશનથી થોડે દૂર હતી ત્યારે અચાનક જ પુરપાટ ઝડપે જીજે-૩-એમબી ૪૦૦૪ નંબરની હેરીયર મોટર ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતી રિક્ષાને હડફેટે લેતા સ્પીડમાં ફંગોળાયેલી આ રિક્ષા રોડના કાંઠે પાર્ક કરવામાં આવેલા જીજે-૧૦-ટીવાય ૬૬૯૫ નંબરના ટ્રકના ઠાઠામાં ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રિક્ષા ડ્રાઈવર સોહિલ તથા સાથે રહેલા હાજી ઉર્ફે મોહસીનના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતા મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાત્રે જામનગર લાવવામાં આવ્યા ત્યારે જામનગરના મુસ્લિમ અગ્રણીઓ હોસ્પિટલ ધસી આવ્યા હતા. મૃતક યુવાનોમાંથી સાહિલ શેખ નામનો યુવાન જામનગરના નગરસેવક અસલમ ખીલજીના કૌટુંબિક ભાણેજ થતાં હતા. આ અકસ્માતની મૃતક સોહિલના મોટાભાઈ સહેજાન શેખે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક તથા ત્યાં ટ્રક પાર્ક કરનાર તેના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

બીજા અકસ્માતની પ્રાપ્ય વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામના વાડી વિસ્તારમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુંદ્રા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ ગઈ તા.ર૪ની બપોરે જીજે-૧૦-એ આર ૭૭ર૪ નંબરના સાઈન બાઈક પર ખંભાળિયાથી લાલપુરના બબરઝર ગામ તરફ જવા માટે રવાના થયા હતા. તેઓ જ્યારે બબરઝર પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે તેમના કાબુ બહાર ગયેલું બાઈક સ્લીપ થયું હતું. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા અબુભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજયાનું પોરબંદર જિલ્લાના આદિત્યાણા ગામના ઈશાભાઈ ઓસમાણભાઈ મુંદ્રાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર ગોરધનપર ગામમાં રહેતા અને બસ ચલાવવાનો વ્યવસાય કરતા નાનજીભાઈ કાનાભાઈ પરમાર ગઈકાલે રાત્રે શહેરના તીનબત્તી વિસ્તારમાંથી ખાનગી ટ્રાવેલ્સની જીજે-૫-એવી ૪૪૪ નંબરની બસ લઈ જતા હતા ત્યારે સર્કલ પાસે જીજે-૧૦-ટીવી ૮૩૬૦ નંબરનો ટ્રક તેમની સાથે ટકરાઈ પડ્યો હતો. અકસ્માતના કારણે બસમાં રૂપિયા પાંત્રીસેક હજારનું નુકસાન થયું છે. ટ્રક ચાલક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh