Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગર શહેર વિસ્તાર તો ઠીક બાકી જામનગર-રાજકોટ માર્ગ પર રાજકોટના પ્રવેશ માર્ગ ઉપર ખાસ કરીને ફોર વ્હીલર વાહનચાલકો માટે સાવધાન રહેવાની જરૂર છે.
છેલ્લા ઘણાં સમયથી અનેક વાહનચાલકો રાજકોટના પ્રવેશ માર્ગ ઉપર જામનગરના 'જીજે-૧૦' પાસીંગવાળા વાહનોને રોકી કોઈને કોઈ ક્ષતિ માટે કેસ-દંડ કરવામાં આવી રહ્યા હોવાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.
જામનગરથી રાજકોટ જવાના માર્ગ ઉપર રાજકોટ નજીક પહોંચો કે ત્યાં મુરલીધર હોટલ અને ત્યાંથી આગળ માધાપર ચોકડી જેવા બે-ત્રણ પોઈન્ટ ઉપર રાજકોટ પોલીસ વિભાગનો કાફલો ફરજ પર હોય છે. ત્યાં સૌથી નવાઈની વાત એ છે કે ફરજ પરના આ પોલીસવાળા 'જીજે-૧૦' નંબર પ્લેટવાળું વાહન (ખાસ કરીને મોટરકાર) ને જુવે કે તરત જ તેને રોકવામાં આવે છે. ડ્રાઈવર અને તેની બાજુમાં બેસેલ વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધ્યો ન હોય (કદાચ ડ્રાઈવરે બાંધ્યો હોય, પણ બાજુમાં બેસેલ વ્યક્તિએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય) તો તરત જ ૧૦૦૦ રૂપિયા જેવો દંડ વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત મોટર-વાહનના પાસીંગના કાગળો, પીયુસી વીમાના કાગળો, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે ચેક કરવામાં આવે... તે બધું બરાબર હોય, તો આગળની હેડલાઈટમાં જમણી તરફની લાઈટ ઉપર પીળો પટ્ટો નથી તેવા કારણો/ક્ષતિ માટે રૂ. પ૦૦-૧૦૦૦ નો દંડ વસૂલવામાં આવે છે.
આ બધી કડાકૂટમાં રાજકોટ તરફ જઈ રહેલા લોકોનો ૧૦-૧પ મિનિટ કે તેનાથી વધુ સમય બગડે છે. તેમાંય જો વધુ વાહનોને રોક્યા હોય તો અડધા કલાક જેવો સમય વેડફાય છે.
માર્ગ સલામતિ માટે પોલીસ વિભાગની આ પ્રકારની કામગીરી અને ચોક્કસાઈ આવકારદાયક છે, પણ અહીં જણાવેલા બે-ત્રણ પોઈન્ટ ઉપર ફરજ પરના પોલીસવાળા માત્રને માત્ર 'જીજે-૧૦'વાળા વાહનોને જ રોકીને દંડ વસૂલવાની કામગીરી કરતા હોય તેવી વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. આ વાહનચાલકોના અનુભવ અને નજરે જોયેલા ભેદભાવ જણાવ્યા પ્રમાણે આ જ માર્ગ પરથી રાજકોટ કે અન્ય શહેરોના પાસીંગવાળા નંબરો ધરાવતા વાહનોને રોકવામાં આવતા નથી... પછી ભલે તેમાં સીટબેલ્ટ, કાગળો, લાયસન્સ જેવી બાબતોમાં ક્ષતિ હોય.!!
આ સંજોગોમાં જામનગર પાસીંગ જીજે-૧૦ વાળા વાહન ચાલકોએ રાજકોટ તરફ જતી વખતે ઉપર જણાવેલ ક્ષતિઓ ન રહે તેવી રીતે સજ્જ થઈને ત્યાંથી પસાર થવાની તકેદારી રાખવી... જેથી દંડ અને સમયના વ્યયથી તેમજ હેરાનગતિથી બચી શકાય.
રાજકોટ પોલીસવાળાની જામનગરના જીજે-૧૦ વાળા વાહનો પ્રત્યેની આવી ભેદભાવભરી કાર્યવાહી અંગે રાજકોટના પોલીસ વડાએ નોંધ લઈ પ્રમાણભાન સાથે ભેદભાવ વગર કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.
જામનગર-રાજકોટ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં મોટરકારોની અવરજવર રહે છે, ત્યારે જીજે-૧૦વાળા વાહનોનો પ્રવાહ પણ હોય તે સ્વાભાવિક છે, પણ રાજકોટ કે અન્ય શહેરોમાંથી હાલારમાં આવતા કે પરત જતા વાહનો પ્રત્યે કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદો ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial