Advertisement
Author: નોબત સમાચાર

લતીપર પાસે બલેનો તથા અર્ટીગા વચ્ચે અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

અન્ય પાંચેક વ્યક્તિને ઈજાઃ બેની હાલત ગંભીરઃ ઓવરટેકીંગમાં અર્ટીગાએ સર્જયો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ધ્રોલથી ટંકારા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા લતીપર ગામ પાસે ગઈકાલે સાંજે અર્ટીગા તથા બલેનો મોટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા તથા એક પુરૂષના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. પાંચેક વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. મોરબીના કેટલાક યુવાનો દ્વારકાથી પરત મોરબી જતાં હતા ત્યારે લતીપર પાસે સામેથી આવતી એક મોટરની પાછળથી ઓવરટેક કરતી બીજી મોટર-અર્ટીગાએ ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. અકસ્માતના અહેવાલના પગલે પોલીસ તથા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

ધ્રોલથી લતીપર તરફના માર્ગ પર ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે જીજે-૧૦-આરએક્સ ૬૭૭ નંબરની મારૂતી સૂઝૂકી કંપનીની અર્ટીગા મોટર તથા સામેથી આવતી જીજે-૧૦-ડીએન ૯૬૩ નંબરની મારૂતી સૂઝૂકી કંપનીની બલેનો મોટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. વાહન ટકરાતા જ બંને વાહનના કૂરચેકૂરચા ઉડી ગયા હતા અને તેમાં જઈ રહેલા આઠથી નવ જેટલા લોકોની ચીસોથી ધોરીમાર્ગ ગાજી ઉઠ્યો હતો.

અકસ્માતના પગલે સ્થળ પરથી પસાર થતાં અન્ય વાહનો થંભવા લાગ્યા હતા જેમાંથી કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંનેની ટીમ ધસી ગઈ હતી. રાહદારીઓએ કચ્ચરઘાણ નીકળી ગયેલી બંને મોટરમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. જેમાં પાંચેક વ્યક્તિ નાની મોટી અને ગંભીર કહી શકાય તેવી ઈજા સાથે બહાર કાઢી શકાયા હતા. જ્યારે બે સ્ત્રી અને એક પુરૂષના મૃતદેહ મોટરમાંથી કાઢવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. રાઠોડ, પીએસઆઈ કુંભારવડીયા તથા સ્ટાફ દોડી ગયા હતા અને ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮માં ખસેડી સારવાર માટે મોકલવાની તજવીજ કરવામાં આવી હતી અને પોલીસે સ્થળ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડવા ઉપરાંત ટોળાને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

એક સાથે પાંચેક જેટલા વ્યક્તિઓને ગંભીર હાલતમાં સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવાયા પછી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે મૃતકોની ઓળખ માટે તજવીજ કરી હતી.

આ બનાવ અંગે ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને હાલમાં મોરબીમાં લીલાપર રોડ પર રહેતા પરેશભાઈ ભૂરાભાઈ બાંભવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પરેશભાઈ તથા તેમના ભાઈ અને અન્ય વ્યક્તિઓ પરેશભાઈની ૯૬૩ નંબરની બલેનો મોટરમાં દ્વારકા ગયા પછી ગઈકાલે સાંજે મોરબી જવા માટે નીકળ્યા હતા અને તેઓ જ્યારે લતીપર ગામથી થોડે આગળ પહોંચ્યા ત્યારે ટંકારા તરફના ધોરીમાર્ગ પરથી પુરપાટ ઝડપે દોડી આવતી ૬૭૭ નંબરની અર્ટીગા મોટર ટકરાઈ પડી હતી. આ મોટરના ચાલકે પોતાની સાઈડમાં આગળ જતી મોટરને ઓવરટેક કરવામાં સામેથી આવતી બલેનો  સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં પરેશભાઈના ભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. જ્યારે મોટરમાં સાથે રહેલા મૂળ મોરબીના માળીયા તાલુકાના દેવગઢ ગામના વતની અને હાલમાં મોરબીમાં રહેતા કાનજીભાઈ રવજીભાઈ વાઘાણી (ઉ.વ.ર૮)ને ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. પરેશભાઈને પણ ઈજાઓ પહોંચી હતી.

ટકરાઈ પડેલી અર્ટીગા મોટરમાં જઈ રહેલા મૂળ કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામના પૂજાબેન રામગર અપરનાથી ઉર્ફે જાગુબેન (ઉ.વ.ર૬) અને પૂજાબેન તેજસભાઈ નામના બે મહિલાના પણ મૃત્યુ નિપજ્યા હતા. તે ગાડીમાં સાથે રહેલા અન્ય વ્યક્તિઓ ઈજા પામ્યા હતા. પોલીસે પરેશભાઈ બાંભવાની ફરિયાદ પરથી ૬૭૭ નંબરની અર્ટીગા મોટરના ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh