Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતને વધુ સારવાર માટે લઈ જવાયાઃ વહીવટીતંત્રના વાહકો, પોલીસ, ૧૦૮ તથા નાગરિકો બચાવ કામગીરીમાં જોડાયાઃ
જામનગર તા.૪ : દ્વારકાથી પાંચેક કિ.મી. દૂર આવેલા કુરંગા ગામ પાસે આજે સવારે દ્વારકા દર્શન માટે આવી રહેલા યાત્રાળુઓની એક બસ કોઈ કારણથી તેના ચાલકના કાબુ બહાર ગયા પછી રોડ ઉતરીને આડી પડી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોની ચીચીયારીથી ધોરીમાર્ગ ગૂંજી ઉઠ્યો હતો. તાત્કાલિક ધસી ગયેલા વહીવટીતંત્રના વાહકો, પોલીસ તથા ૧૦૮ની સાથે અન્ય વાહનચાલકો પણ બચાવ કામગીરીમાં જોતરાયા હતા. આ બસના વીસેક જેટલા યાત્રાળુને નાની મોટી ઈજા થઈ છે. જેમાંથી સાતને વધુ સારવાર માટે હાયર સેન્ટર ખસેડાયા છે. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
આ અકસ્માતની વધુ વિગત મુજબ ૫ોરબંદર-દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા કુરંગા ગામ પાસે આજે સવારે સાડા નવેક વાગ્યે બંસી લખેલી અને અમદાવાદ પાસીંગની જીજે-૧-સીએક્સ ૮૩૮૨ નંબરની યાત્રાળુ ભરેલી બસ પસાર થતી હતી ત્યારે કોઈ રીતે તેના ચાલકે કાબુ ગૂમાવતા આ બસ રોડ ઉતરીને ગોથું મારી ગઈ હતી.
આ બસમાં મુસાફરી કરી રહેલા ૫૬ જેટલા મુસાફરોએ પાડેલી ચીસોના કારણે સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો. તેના પગલે સામેથી આવતા અને પાછળથી જઈ રહેલા વાહનો થંભવા માંડ્યા હતા. કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસનો કાફલો તેમજ એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા.
આડી પડી ગયેલી આ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાના શરૂ કરાયેલા પ્રયાસો દરમિયાન વહીવટી તંત્ર પણ બનાવના સ્થળે ધસી આવ્યું હતું. તે બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા તેમાંથી ૨૧ જેટલા મુસાફરને ઈજા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. તે તમામને સારવાર માટે દ્વારકા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સાત જેટલા વધુ ઈજા પામેલા લોકોને સઘન સારવાર માટે હાયર સેન્ટર ખસેડવાની તજવીજ કરાઈ હતી.
ઈજાગ્રસ્તોના નિવેદન માટે પોલીસ સજ્જ બની છે. તે ઉપરાંત એક સાથે બે ડઝન જેટલા ઈજાગ્રસ્ત દ્વારકા હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબો, પરિચારિકા સહિતનો સ્ટાફ તુરંત સારવારમાં જોડાઈ ગયો હતો સ્થળ પર યાત્રાળુઓના સામાનની સલામતી તેમજ આડી પડી ગયેલી બસને સીધી કરવા માટેના પોલીસ દ્વારા પ્રયાસો કરાયા હતા.
વધુમાં જાણવા મળ્યા મુજબ અમદાવાદ પાસીંગની આ બસમાં ૫૬ જેટલા યાત્રાળુઓ અન્ય યાત્રાધામથી દર્શન કરીને દ્વારકા આવી રહ્યા હતા ત્યારે કુરંગા ચોકડી પાસે સવારે સાડા નવેક વાગ્યે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે આ બનાવમાં હજુ કોઈ જાનહાની થયાના અહેવાલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial