Advertisement
Author: નોબત સમાચાર

નર્મદાના નીર કચ્છ પહોંચ્યા, પરંતુ સુરતના પૂરના પાણી તાપી સુધી ન પહોંચ્યા!

અમદાવાદના પૂરના પાણી સાબરમતિ નદીમાં કેમ ઠલવાતા નથી?

                                                                                                                                                                                                      

ગુજરાતમાં દરેક ચોમાસામાં વરસાદના પાણી હાહાકાર મચાવે છે. આ વખતે દક્ષિણ ગુજરાત ડૂબી ગયું. સુરત, અમદાવાદ અને વડોદરા સમયાંતરે જળબંબાકાર થતા રહે છે. ગુજરાત સરકાર દરેક પૂર બાદ રાહત યોજનાઓ જાહેર કરી સંતોષ માને છે અને પ્રજા ભરપૂર ઓડકાર ખાઈને નિંદ્રાધીન થઈ જાય છે. નરેન્દ્ર મોદીની 'નો રિપીટ થિયરી'ને કારણે નેતાઓ જવાબદારીમાંથી સિફતથી સરકી જાય છે. મહાનગરોની ચૂંટણીઑમાં 'નવી ઘોડી નવો દાવ'ની થીયરી કેટલી સફળ છે તે સવાલ છે. પૂરને કારણે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. જામનગર શહેરમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થતા જોવા મળે છે.

પ્રશ્ન

ગુજરાતમાં જળ વ્યવસ્થાપન કેટલું અને કેવું છે તે બહુ મોટો સવાલ અને સમસ્યા છે. પ્રથમ તો જળ વ્યવસ્થાપન એટલે શું? મારા મતે ટીપે ટીપા પાણીનો સદુપયોગ થાય તેને જળ વ્યવસ્થાપન કહેવામાં આવે છે. આ એક સામાજિક જાગૃતિની સાથે સાથે ટેકનિકલ વિષય પણ છે. જળ વ્યવસ્થાપનમાં ગુજરાત સદંતર અંગૂઠા છાપ છે તેમ કહેવું જરા પણ ઉચિત નથી. આ ક્ષેત્રે ગુજરાતની નોંધ દેશ અને દુનિયામાં લેવામાં આવે છે. ગુજરાતમાં રાજા રજવાડાના સમયમાં પણ તળાવો બનાવવામાં આવ્યા હતા, જે આજે પણ લોકોની તૃષા તૃપ્ત કરે છે. જામનગરમાં રણમલ તળાવ અને રણજીતસાગર ડેમ તેના ઉત્તમ ઉદાહરણ છે. દ્વારકાનું ગોપી તળાવ જોઈને દિલને ટાઢક વળે!

નર્મદા ડેમ કહો કે, સરદાર સરોવર નર્મદા યોજના કહો, કેમ ભૂલી શકાય. મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રની વિશાળ જળ  રાશિનો સંગ્રહ અહી થાય છે. નર્મદાના પાણી શિસ્તબદ્ધ રીતે છેક કચ્છ સુધી પંહોચે છે.

તો, સો મણનો સવાલ એ થાય છે કે, સુરતના પાણી બગલની તાપી સુધી, વડોદરાના પાણી વિશ્વામિત્રી સુધી અને અમદાવાદના પાણી સાબરમતી નદી સુધી કેમ વહી શકતા નથી? ગમે તેટલો વરસાદ વરસે, તો પણ આ ત્રણ મહાનગરો જળબંબાકાર ન થવા જોઈએ! સાબરમતી નદી તો શહેરની વચ્ચેથી પસાર થાય છે. વિકસિત ગુજરાતના ઘડવૈયાયોએ એવું તે કેવું શહેરી ઘડતર કર્યું છે કે, મહાનગરોના પાણી વહેતા જ નથી. મહાનગરોમાં ટાઉન પ્લાનિગ સ્કીમ બનાવવાનું મૂળ આયોજન જ આવી સમસ્યાઓ ન થાય તેના માટે છે. પરંતુ ટી.પી.ના હુલામણા નામે ઓળખાતું આ આયોજન બિલ્ડર લોબી માટે દૂઝણી ગાય જેવુ બની ગયું છે. નદીઓ ઉપર બેફામ દબાણો થયા છે, નદીઓના વહેણ અવરોધાય છે.

વિશ્વ

મોટા શહેરોમાં આવી જળ સમસ્યા માત્ર ગુજરાતમાં જ થાય છે તેવું નથી. દુબઈ, અબુધાબી, શારજહાં જેવા મોર્ડન શહેરો પણ ડૂબ્યાં ન અહેવાલો આવે છે. પરંતુ, મારી માન્યતા એ છે કે, ત્યાં નદીઓનો અભાવ હોવાથી જળ સમસ્યા વકરે છે. પૂરના પાણી દરિયા સુધી વહેતા સમય લાગે છે અને ભરતી હોય તો વધુ મુશ્કેલી સર્જાય છે. બાંગ્લાદેશના ઢાકામાં પણ પૂર પ્રકોપ રહે છે.

વિશ્વ બેંક અને વૈશ્વિક શહેરી નેટવર્કસ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વે દર્શાવે છે કે શહેરી પૂર અને પાણી ભરાવાની અસર વિશ્વભરના સેંકડો મુખ્ય શહેરોને થાય છે. વૈશ્વિક ડેટા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ૫૫% થી ૬૦% થી વધુ શહેરો નોંધપાત્ર અને વારંવાર આવતા પૂરના જોખમોનો સામનો કરે છે. ગંભીર ચોમાસામાં પાણી ભરાવાની અને શહેરી પૂરની સમસ્યા મુખ્યત્વે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારો, નદીના ડેલ્ટા અથવા ઉષ્ણકટિબંધીય ચોમાસાના પ્રદેશોમાં સ્થિત ઝડપથી વિસ્તરતા આધુનિક શહેરોમાં ઉદ્ભવે છે.

ગુજરાત કે ભારતમાં આવો સર્વે કરવામાં આવે છે કે નહીં, તે જાણમાં નથી. ભારતમાં દર વર્ષે નદીઓ તોફાની બનવાની અનેક ઘટનાઓ બને છે. હિમાલય ક્ષેત્રમાંથી નીકળતી નદીઓ ભારે વિનાશ વેરે છે. દુનિયાની મોટી મોટી જાગૃત સંસ્થાઓ આ બાબતે કોઈ સર્વે કરે છે કે નહીં? ન કરતી હોય તો આમંત્રણ આપીને આવકારવી જોઈએ.

ભારત

ભારતમાં પ્રાથમિક રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંગઠનોમાં કેન્દ્રીય જળ આયોગ, કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ અને રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીનો સમાવેશ થાય છે, જે બધા જ જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત છે.

કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી) એક ટેકનિકલ એજન્સી છે, જે જળ સંસાધનોનું મૂલ્યાંકન કરે છે, નદીના ડેટાનું નિરીક્ષણ કરે છે અને સમગ્ર ભારતમાં પૂર નિયંત્રણ અને પાણી પ્રોજેક્ટ્સની યોજના બનાવવામાં મદદ કરે છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (સીજીડબલ્યુબી) દેશના ભૂગર્ભ જળસ્તર અને સલામત નિષ્કર્ષણ મર્યાદાઓનું નિરીક્ષણ, મૂલ્યાંકન અને સંચાલન કરવા માટે ૧૯૭૦ માં રચાયેલ એક વૈજ્ઞાનિક સંસ્થા છે. નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી (એનડબલ્યુડીએ) પાણીની ઉપલબ્ધતાનો અભ્યાસ કરવા અને વધુ સારા વિતરણ માટે નદી-જોડાણ દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા માટે ૧૯૮૨ માં રચાયેલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર મેનેજમેન્ટ (આઈઆઈડબલ્યુએમ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા સંચાલિત એક સંશોધન સંસ્થા જે કાર્યક્ષમ કૃષિ પાણીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આમ દેશમાં પાણીનો મહત્તમ અને કરકસર ભર્યો ઉપયોગ થાય તે માટે મજબૂત અને નક્કર વ્યવસ્થા છે. આનંદની કે અફસોસની બાબત એ છે કે, દેશના જળ સંપત્તિ મંત્રી આપણાં ગુજરાતના સુરતના સી. આર. પાટીલ છે. બીજી ખૂંચે તેવી બાબત એ છે કે, જળ સંપત્તિ મંત્રીનું સુરત વારંવાર પૂરમાં ડૂબી જાય છે!

ગુજરાતીમાં કહેવત છે કે, 'ઘરના જ  ખાટલે'.. એટલે કે વૈદના ઘરના માંદા પડી ખાટલા ભેગા થાય તો વૈદ નો ભરોસો કોણ કરે. પાટીલ સાહેબનું સુરત જ જળ બંબાકાર થાય તો બીજા શહેરોનો ઉપચાર કોણ કરે?

સમસ્યા

આપણાં શહેરો શા માટે ડૂબી જાય છે, તે આખું ગુજરાત જાણે છે. તાપી, વિશ્વામિત્રી અને સાબરમતિથી લઈને આપણી રંગમતી અને નાગમતી નદી ઉપર મોટા દબાણો થયા છે. નદીઓ નિયમિત સાફ થતી નથી. માતા કહેવાતી નદીઓ મોટી ગટરો બની ગઈ છે. મોટા અને માથાભારે લોકોએ ત્યાં ધંધાઓનો અડિંગો જમાવ્યો છે. ઉધોગોના રસાયણોની ગંદકી બેફામ વહે છે. અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સની નદીઓ હજુ જીવીત છે. આપણે માતા સમાન નદીઓ ઉપર અત્યાચાર કરી રહૃાા છીએ. ગંગા નદી જેટલી વાર સાફ કરવામાં આવે તેટલી વાર ફરી ઉકરડો બની જાય છે.

આપણી 'સિવિક સેન્સ'ને લકવા થઈ ગયો છે. 'જલ હી જીવન હૈ' ના સૂત્રો પોકારીએ છીએ અને પાછા મૃતદેહો નદીમાં વહેતા મૂકી મોક્ષ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ. દેશમાં જળ વ્યવસ્થાપન માટે અનેક સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ છે, પરંતુ તે પણ નિજીર્વ હાલતમાં છે.

દુનિયાની વાત છોડીને આપણે માત્ર આપણી રંગમતી અને નાગમતી નદીઓનો એક દિવસ પ્રવાસ કરવો જોઈએ. આપણે વર્ષમાં એક વાર 'હેરિટેજ વોક' કરીએ છીએ તેમ એકવાર નદી કિનારે પણ લટાર મારવી જોઈએ. નદીઓમાં કચરો કોણ નાખે છે?

મહાનગરોની ડ્રેનેજ લાઇન પણ પૂર પ્રકોપ માટે જવાબદાર છે. વરસાદી પાણીના નિકાલ માટે તે સક્ષમ હોતી નથી. તેમાં મહત્તમ રીતે પ્લાસ્ટિક કચરો જવાબદાર છે. અમદાવાદનું વરસાદી પાણી કેમ સાબરમતી નદી તરફ વહેતું નથી? સુરતનું પૂર કેમ કુદરતી રીતે તાપી નદીમાં ઠાલવાતું નથી? શહેરોના ઢાળ કેમ નદી તરફ નથી?

શહેરી વિકાસ

ગુજરાતમાં શહેરોના શિસ્તબદ્ધ વિકાસ માટે સરકારમાં શહેરી વિકાસ વિભાગ છે. આ શહેરી વિકાસ વિભાગ શું કરે છે? મહાનગર-પાલિકાઓમાં પણ આ માટે ખાસ વિભાગ છે. રાજ્યમાં અનેક એન્જિનિયરિંગ કોલેજો, છે, હજારો ઇજનેરો ભણી ગણીને કામ કરે છે. ગુજરાત પાસે કેમ મહાનગરોના ઘડતર માટે ઉચ્ચ ક્ષમતાના ઇજનેરો નથી. આપણે હવે આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે હરણફાળ ભરી રહૃાાના દવાઓ કરીએ છીએ, તો તેનો આ સમસ્યા ઉકેલવા કેમ ઉપયોગ કરતાં નથી?

શહેરો ફાટ ફાટ થઈ રહૃાા છે ત્યારે નવા વિસ્તારોમાં નવા તળાવો કેટલા બન્યા? નવા વિસ્તારોનું પુરનું પાણી નૈસર્ગિક રીતે નવા તળાવો તરફ વહે તે માટે શું આયોજન કર્યું છે? રાજ્યના ધોરી માર્ગો પણ જળ બંબાકાર થાય છે. જામનગરના બેડ પાસેનું ટોલ બુથ પણ પૂર પ્રકોપનો ભોગ બને છે. ટોલ રોડ નિર્માણ સમયે એવી તે કેવી ડિઝાઇન બનાવી કે, ટોલ બુથ બંધ કરવું પડે? બેડ ટોલનાકા પાસે વરસાદી પાણી ન ભરાય તે માટે શું સુધારા વધારા કર્યા છે?

નીટ પરીક્ષાનું પેપર ફૂટી ગયું તો શિક્ષણ મંત્રીની ખુરશી છીનવાઇ ગઈ. શહેરો ડૂબી ગયાં તો કેમ કોઈ હલચલ પણ ન થઈ? પૂર પીડિતો મીડિયા સમક્ષ બુમબરાડા પાડી  ઠંડી પડી જાય છે. આ વખતે સુરતમાં પૂરના પાણી ભરાયા ત્યારે એક પીડિતે 'જવાબદારોના જીવનમાં સ્ટીલના કીડા પડશે' તેવું કહીને ચકચાર મચાવી હતી. સુરતના વતની શક્તિશાળી મંત્રી હર્ષ સંઘવી પૂર દરમિયાન જ સુરત આવ્યા ત્યારે તે સ્ટીલના કીડા પડશે તેવું નિવેદન કરનાર વ્યક્તિ સરકારની પ્રશસ્તિ કરવા લાગી હતી!

સારાંશ

ઉપર લખેલી બાબતો તદ્દન જૂની અને ચર્ચાઇ ગયેલી છે. આમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. લાંબા ગાળાનું ચિંતન થતું નથી. ચિંતન કરવા વાળાનું કોઈ સાંભળતું નથી. જેમના હાથમાં સત્તા અને વહીવટ છે, તે ભાવી આયોજનો બાબતે ગંભીર નથી. ગુજરાતમાં એશિયાડ અને ઓલમ્પિક રમતોત્સવ બાબતે સરકાર જેટલી સક્રિય અને પ્રો એક્ટિવ છે તેટલી પૂરના પાણી બાબતે નથી. શહેરી વિકાસ મંત્રી અને જળ સંપત્તિ મંત્રી વચ્ચે ક્યારે બેઠક થઈ? બન્ને તંત્રોએ ભેગા મળી ક્યારે મનન ચિંતન કર્યું?

નદીના વહેણ વચ્ચેના દબાણો કેમ કાયમી રીતે દૂર થતા નથી? શક્તિશાળી અને સત્તા ઉપર બેઠેલા લોકો પણ દબાણો માટે જવાબદાર છે. શહેરોની સાથે ગ્રામ્ય તળાવો અને જળ સંચયના સાધનો ઘટી રહૃાા છે. ગુજરાતમાં બહુ ગાજેલા ધોલેરા વિસ્તારમાં ધોરી માર્ગ ખૂબ ઊંચો બનાવ્યો છે, પરિણામે તેની આસપાસની હજારો હેક્ટર જમીન સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે. આને વિકાસ ગણવો કે આફત?

'નોબત'ના વાચકો અને ચાહકો જળ સંચયના વાસણો સ્વચ્છ અને દબાણ મૂક્ત રાખે અને રાખવામાં મદદ કરે તેવી વિનંતી.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh