Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વડાપ્રધાનના આગમન પહેલાં ગોઠવાયો ચૂસ્ત બંદોબસ્ત

તમામ તૈયારીઓ પૂર્ણઃ કલેક્ટર, રેન્જ આઈજી, એસપીના માર્ગદર્શન હેઠળ લોખંડ સુરક્ષા વ્યવસ્થાઃ

જામનગર તા.ર૮: જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન આવી રહ્યા છે. તેઓ સંભવિતઃ રીતે રાત્રિ રોકાણ જામનગરમાં કર્યા પછી રવિવારે સવારે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. તેઓના આગમન પહેલાં જિલ્લા કલેક્ટર તથા રેન્જ આઈજીની આગેવાની હેઠળ એસપીના માર્ગદર્શન હેઠળ જામનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વડાપ્રધાનના લાલબંગલા સુધીના આગમનના રોડ પર બેરીકેટીંગ કરવામાં આવ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

જામનગરની મુલાકાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ આવતીકાલે સંભવિતઃ રીતે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તે સંભાવનાને ધ્યાનમાં રાખી જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની નીગરાનીમાં સજજડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે.

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરના એરફોર્સ બેઝ પર ઉતર્યા પછી મોટર માર્ગે એરપોર્ટથી સર્કીટ હાઉસ આવવા માટે રવાના થશે. જેના પગલે એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી જુદા જુદા પોઈન્ટ પર સુરક્ષા જવાનોને આજ સવારથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાનના આગમન અગાઉ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમની મળતી માહિતી મુજબ રાત્રિના જામનગર પહોંચ્યા પછી સર્કીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જેના માટે સર્કીટ હાઉસ રાતવાસો કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ ખંડને રંગ રોગાન કરી અન્ય સામગ્રીઓ પણ ઉપલબ્ધ કરાવી લેવાઈ છે. સમગ્ર સર્કીટ હાઉસનું પરિસર સુરક્ષા કર્મીઓની છાવણીમાં ફેરવાયું છે.

જામનગરના દિગ્જામ સર્કલથી લાલ બંગલા સર્કલ સુધી રોડની બંને તરફ બેરીકેટીંગ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પોલીસ અને હોમગાર્ડઝના જવાનોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન રિલાયન્સમાં વનતારાની મુલાકાત કરે તેની સાથે સાથે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબની મુલાકાત લે તેવી પણ સંભાવના છે.

વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં છ આઈપીએસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ૩૭ ડીવાયએસપી, ૬૭ પીઆઈ, ૧૫૦ પીએસઆઈ અને ૧૫૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડઝ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. આજે રાત્રે સંભવિતઃ રીતે વડાપ્રધાનના આગમનનું રિહર્સલ પણ કરવામાં આવશે.

શનિવારે રાત્રિરોકાણ પછી વડાપ્રધાન મોટર માર્ગે એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ચોપર મારફતે રિલાયન્સમાં ઉતરશે તેવી તૈયારી કરાઈ રહી છે. જ્યાંથી તેઓ રવિવારે બપોરે વનતારાની મુલાકાત પૂર્ણ કરી હવાઈ માર્ગે સાસણ ગિર રવાના થઈ શકે છે તેમ જણાઈ રહ્યું છે. વડાપ્રધાન આગમન પહેલાં એરફોર્સ સ્ટેશન, સર્કીટ હાઉસ તથા કોન્વોય રૂટ સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરા ઉડાડવા સામે મનાઈ ફરમાવતું જાહેરનામુ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh