Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં બેકાબૂ ભીડ દ્વારા ઠેર-ઠેર તોડફોડ- આગચંપીઃ ભારત વિરોધી નારેબાજી

હસીના સરકાર સામે આંદોલન ચલાવનાર ભારત વિરોધી નેતા હાદિનું સિંગાપુરમાં મોત થયા પછી હિંસા ભડકીઃ ૨૮ પત્રકાર માંડ બચ્યાઃ અખબાર ભસ્મીભૂતઃ

                                                                                                                                                                                                      

ઢાંકા તા. ૧૯: બાંગ્લાદેશમાં હિંસાનું તાંડવ મચ્યુ છે, અને ભારતીય મિશન ઉપર હૂમલો થયો છે. કટ્ટરપંથી નેતા હાદિના મોત પછી દેશ ભડકે બળ્યો છે. હિંસા-તોડફોડ- આગજની થઈ રહી છે. મીડિયા ઓફિસો અને આવામીલીગની ઓફિસોને નિશાન બનાવી ભારત વિરોધી દેખાવો શરૂ છે. ભારે માત્રામાં સુરક્ષાદળો તૈનાત કરાયા છે. સ્થિતિ બેકાબુ થતા યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બાંગ્લાદેશમાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. અખબારોની કચેરીઓ ઉપર હૂમલા થતા ૨૮ જેટલા પત્રકાર મરતા-મરતા બચ્યા હતાં.

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરૂદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો 'પ્રથમ આલો' અને 'ડેઇલી સ્ટાર'ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું.

આ દરમિયાન, દેશમાં વણસી રહેલી સ્થિતિને જોતાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મળતી માહિતી મુજબ, હાદીના મોતના સમાચાર મળતા જ હજારો લોકો ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને રસ્તા જામ કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર હાદીની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને જોતજોતામાં પ્રદર્શન હિંસક બની ગયું.

ઉપદ્રવીઓએ સૌથી પહેલા કરવાન બજારમાં આવેલી 'પ્રથમ આલો'ની ઓફિસ પર હુમલો કર્યો, જ્યાં ફર્નિચર અને દસ્તાવેજોને બહાર ફેંકીને આગ લગાવી દેવાઈ. ત્યારબાદ 'ડેઇલી સ્ટાર'ની ઓફિસને પણ નિશાન બનાવી આગ ચાંપી દીધી. હિંસા આટલેથી જ ન અટકતા, મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠા થયા અને ઓફિસ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન, 'ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો!' અને 'લીગવાળાઓને પકડીને મારો!' જેવા ભારત-વિરોધી અને અવામી લીગ-વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૧૨ ડિસેમ્બરના ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ ૧૫ ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને 'જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ' ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી. શરીફ ઉસ્માન હાદી 'ઇન્કલાબ મંચ'ના સંસ્થાપક હતા અને જુલાઈ ૨૦૨૪માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પહેલા ૧૨મી ડિસેમ્બરે પણ ઉસ્માન હાદીની હત્યા થઈ હતી.

તોફાનીઓએ અડધી રાત્રે ત્યાંની મીડિયા સંસ્થાઓના કાર્યાલયમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. તોફાનીઓએ બાંગ્લાદેશના અંગ્રેજી દૈનિક અખબારની ઓફિસમાં આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન બિલ્ડિંગની છત પર ૨૮ જેટલા પત્રકારો ત્રણ કલાક સુધી ફસાયેલા રહૃાા.

મીડિયા અહેવાલો મુજબ અખબારની ઓફિસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. તોફાનીઓએ બીજા એક બાંગ્લાદેશી અખબાર, પ્રથમ આલોની ઓફિસને પણ બાળી નાખી હતી. આ હુમલો અખબારના કારવાન બજાર કાર્યાલય પર થયો હતો, ત્યારબાદ નજીકના પ્રથમ આલો બિલ્ડિંગમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. એક પત્રકારના જણાવ્યા અનુસાર, બહારથી એક ફોન કોલ આવ્યો હતો, જેમાં સ્ટાફને ચેતવણી આપવામાં આવી હતી કે, એક ટોળું ધ ડેઇલી સ્ટારના પરિસર તરફ આગળ વધી રહૃાું છે.

ન્યૂઝરૂમના કર્મચારીઓએ શરૂઆતમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ટોળું બિલ્ડિંગના નીચેના માળે પહોંચી ગયું હતું અને ત્યાં તોડફોડ કરી અને બાદમાં કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી. અહેવાલો અનુસાર, જ્યારે વિરોધીઓએ ઓફિસના નીચેના ભાગમાં આગ લગાવી, ત્યારે ઇમારતમાંથી ધુમાડાના ગોટા નીકળ્યા, જેના કારણે પત્રકારો બહાર નીકળી શક્યા નહીં. ત્યારબાદ ૨૮ પત્રકારોનું જૂથ ૯મા માળના ટેરેસ પર ગયું. થોડા સમય પછી, બિલ્ડિંગમાં એક કેન્ટીન કર્મચારી નીચે ઉતરવા માટે ફાયર એસ્કેપ સીડીનો ઉપયોગ કર્યો. જમીન પર પહોંચતા જ, ટોળાએ તેને પકડી લીધો અને માર માર્યો. આ ઘટના પછી, બીજા કોઈએ સીડીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો નહીં.

ત્યારબાદ ફાયરના જવાનો આવ્યા અને નીચેના માળે લાગેલી આગને કાબુમાં લીધી અને ચાર ફાયર વિભાગના કર્મચારીઓએ ઉપર ફસાયેલા લોકોને નીકાળવા છત પર ગયા. જોકે, નીચે તોડફોડ શરૂ હોવાના કારણે પત્રકારોએ નીચે આવવાનો ઇન્કાર કર્યો. વળી, નીચેની બિલ્ડિંગમાં પણ આગ લાગેલી હતી. તેથી પત્રકારોએ ઉપર રહેવાનું જ યોગ્ય માન્યું અને છતનો દરવાજો બંધ કરી દીધો.

ફાયર વિભાગના સ્ટાફે પત્રકારોને વિશ્વાસ અપાવ્યો અને કહૃાું કે, આર્મી જવાન બિલ્ડિંગની બહાર હાજર છે. પરંતુ, જ્યારે અમુક તોફાનીઓ છત પર આવી ગયા અને દરવાજો ખખડાવવા લાગ્યા તો ત્યાં હાજર પત્રકારો અને ફાયરના કર્મચારીઓ ગભરાઇ ગયા. આ દરમિયાન પત્રકારોએ મદદની રાહ જોતા ત્યાં હાજર છોડના કૂંડા વડે દરવાજો બંધ રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ એડિટર્સ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને ન્યૂ એજના એડિટર નૂરુલ કબિર, ફોટોગ્રાફર શાહિદુલ આલમની સાથે ભીડને શાંત કરવાના પ્રયાસ માટે બિલ્ડિંગની સામે ગયા. જોકે, બાદમાં નૂરુલ કબીર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પત્રકારોના જણાવ્યાનુસાર, સૈનિકોએ પાછળથી એક સીડી ખોલી, જેનો ઉપયોગ હુમલાખોરોએ બિલ્ડિંગમાં પ્રવેશવા અને તોડફોડ અને લૂંટ ચાલુ રાખવા માટે કરતા હતા.

આ દરમિયાન છત પર અને બિલ્ડિંગની અંદર ફસાયેલા ડેઇલી સ્ટારના સ્ટાફને ફાયર-એક્ઝિટ સીડીથી નીચે ઉતારવામાં આવ્યા અને બિલ્ડિંગની પાછળના રસ્તે બહાર કાઢવામાં આવ્યા. એક પત્રકારે કહૃાું કે, 'અમે નસીબદાર હતા, અમે એક મોટી આફતમાંથી બચી ગયા. મને નથી ખબર કે, દેશ કઈ દિશામાં આગળ વધી રહૃાો છે.' નોંધનીય છે કે, આ ઘટના બાદ જાણીતા અખબારનો ન્યૂઝ રૂમ બળીને ખાખ થઈ ગયો છે. આ ગ્રુપે હાલ અખબારોનું ફિઝિકલ અને ઓનલાઇન પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના મુખ્ય પ્રશાસક મોહમ્મદ યુનુસે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોહમ્મદ યુનુસે કહૃાું કે, 'આ ક્રૂર હત્યામાં સામેલ તમામ ગુનેગારો જલદીમાં જલદી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને મહત્તમ સજા આપવામાં આવશે. આ મામલે કોઈ નરમાશ દાખવવામાં નહીં આવે. હું એકવાર ફરી સ્પષ્ટરૂપે કહેવા ઇચ્છુ છું કે, ઉસ્માન દાદી પરાજિત તાકતો, ફાસીવાદી આતંકવાદીઓના દુશ્મન હતા. તેમનો અવાજ દબાવવા માટે ક્રાંતિકારીઓને ડરાવવાનો નાપાક પ્રયાસ સંપૂર્ણપણે વિફળ કરવામાં આવશે. કોઈપણ ડર, આતંક અથવા રક્તપાત આ દેશની લોકશાહી પ્રગતિને રોકી નહીં શકે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh