Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં ઉજવાયુ જામનગર જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વઃ જિલ્લા વિકાસ અધિકારી ભારદ્વાજે ફરકાવ્યો તિરંગો

રાષ્ટ્રધ્વજને સલામી, પરેડ, ૧૧ ટેબ્લો, વિકાસ ગાથા, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સન્માનોઃ શાનદાર ઉજવણી

જામનગર તા. ર૬ઃ જોડિયામાં જિલ્લા કક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ તેમજ વિવિધ વિભાગના ૧૧ ટેબ્લો પ્રદર્શિત કરાયા હતાં. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જામનગર જિલ્લાના વ્યક્તિઓ/સંસ્થાઓનું સન્માન કરાયું હતું. તિરંગો ફરકાવાયા પછી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, શ્રી રામ એક ઊર્જા છે, રામરૃપે રાષ્ટ્ર ચેતનાનું મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા છે. આપણું ગુજરાત સ્માર્ટ ગુજરાત બન્યું છે. દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૩પ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતાં. છેલ્લા બે વર્ષમાં રાજયમાં ૩.૧૬ લાખ આવાસોનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લો સતત વિકાસના શિખર સર કરી રહ્યો છે.

જામનગર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી જોડિયા તાલુકાના બાદનપરના ઢાળિયા પાસે શ્રેયસ સ્કૂલની  સામેના મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા સમગ્ર દેશ શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શબ્દોમાં કહું તો,  રામ એક ઊર્જા છે, રામ રૃ૫ે રાષ્ટ્ર ચેતનાનુ મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા છે. આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનૂભવી રહ્યા છીએ. સૌ આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા-બહેનો તથા તમામ સ્વાતંત્ર સેનાનીઓને આજના પ્રજાસત્તાક દિવસે હું શત - શત નમન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. તેથી જ એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત  - ૨૦૨૪ના સફળ આયોજન દ્વારા ગુજરાતે નવા આયામો સર્જ્યા છે.દેશ વિદેશના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા.

ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં ભરતી મેળાઓનું આયોજન થાય છે. યાત્રાધામોનો વિકાસ અને આપણી સાંસ્કૃતિક પરંપરાની જાળવણી માટે સરકાર પગલાં લઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ઓખા  બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આઝાદીના ૭૫ વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં અનેક પરિવર્તનો આવ્યા છે. દેશના મહત્ત્વના ફોજદારી કાયદાઓ અંગ્રેજોના સમયથી ચાલતા હતા તેમાં પણ હવે ફેરફારો થયા છે. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જોડિયા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના ૧૧ ટેબ્લો જેમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંગેનો ટેબ્લો, ગૃહવિભાગ, આરટીઓ, વન વિભાગ, પીજીવીસીએલ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન,આરોગ્ય વિભાગ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ૧૦૮ ઇમરજન્સી સેવા, અભયમ, ખીલ ખિલાટ અંગેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લાના વિકાસ માટે ઇન્ચાર્જ કલેકટરના હસ્તે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેકટરશ્રીને તેમજ જિલ્લા આયોજન અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ  તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે આવેલ આઈસીડીએસ વિભાગનો ટેબ્લો, દ્વિતીય ક્રમે ગૃહ વિભાગ અને તૃતીય ક્રમે આવેલ પીજીવીસીએલના ટેબ્લો વિજેતા થવા બદલ સમ્માન કરાયુ હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શ્રેયસ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પર્વમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથાર, ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કના એમડી ધરમશીભાઈ ચનિયારા, વિવિધ ૯ પ્લાટુનના પ્લાટુન કમાન્ડરશ્રીઓ, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh