Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલીવાર શંખનાદ્ સાથે શરૃ થયેલી પરેડમાં સેનાની ત્રણેય ટૂકડીઓનું નેતૃત્વ મહિલાઓએ કર્યુંઃ ફ્રેન્ચ સેના પણ જોડાઈઃ આન-બાન-શાનથી ઉજવણી
નવી દિલ્હી તા. ર૬ આજે કર્તવ્યપથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવી પરેડની સલામતી ઝીલી હતી. આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ વખતે પરેડનો પ્રારંભ શંખનાદ્થી કરાયો હતો અને પહેલી વખત સેનાની ત્રણેય પાંખોની ટૂકડીઓનું નેતૃત્વ મહિલાઓએ કર્યું હતું. આ તકે ભારતની સૈન્ય તાકાત પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ રજૂ કરાઈ હતી અને વિવિધ રાજ્યોની ઝાંખર પ્રસ્તુત થઈ હતી.
દેશ આજે તેનો ૭પ મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ અહીં ર મિનિટ મૌન પાળ્યું હતું. ત્યારપછી રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતાં. મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. તે પછી અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે. ૧૩ હજાર ખાસ મહેમાનો પણ આવ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસની થીમ 'વિકસિત ભારત' અને ભારત લોકશાહીની માતા (જનની) છે.
આ વખતે પ્રથમ વખત શંખનાદ અને મહિલાઓના નેતૃત્વ સાથેની પરેડ સવારે ૧૦-૩૦ વાગ્યે શરૃ થઈ હતી. ૧૦૦ મહિલાઓ દ્વારા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૃઆત થઈ હતી. પરેડમાં ૧પ૦૦ મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં લોકનૃત્યો રજૂ કર્યા હતાં.
આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જુથો અને પોલીસ ટૂકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું. ત્રણેય સેનાઓની ટૂકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવે કર્યું. કેન્દ્રિય સશસ્ત્ર દળોની ટૂકડીઓમાં મહિલા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીની મહિલા કર્મચારીઓ ૩પ૦ સીસી રોયલ એનફિલ્ડ બૂલેટ પર સવારી કરીને સાહસિક સ્ટંટ કર્યા હતાં.
ફ્લાય પાસ્ટમાં વાયુસેનાના પ૧ વિમાનોએ ભાગ લીધો હતો. જેમાં ર૯ ફાઈટર પ્લેન, ૭ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, ૯ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતાં. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પણ ભાગ લીધો હતો. આ ટેબ્લોની થીમ હતું 'ધોરડો. તે ગુજરાતના પ્રવાસન વિકાસનું વૈશ્વિક પ્રતીક છે.'
તે ઉપરાંત ઉત્તરપ્રદેશની ઝાંખી ચર્ચામાં રહી હતી. આ ઝાંખી 'ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા વિકસિત ભારત-સમૃદ્ધ ભારત' પર કેન્દ્રિત રહી. જેમાં ભગવાન રામનું બાળ સ્વરૃપ બતાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા ૧૯ બાળકોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. તેમને બહાદુરી, કલા-સંસ્કૃતિ, વિજ્ઞાન, સમાજ સેવા, રમતગમત જેવા ક્ષેત્રોમાં તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. બીએસએફની ઊંટ ટૂકડીનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડર મનોહરસિંહ ખેરીએ કર્યું હતું. આ પરેડમાં વાયુસેનાની થીમ-ભારતીય વાયુસેનાઃ સક્ષમ, સશક્ત, આત્મનિર્ભર હતી. તેના કમાન્ડર ફ્લાઈટ લેફ્ટનન્ટ અનન્યા શર્મા અને ફ્લાઈંગ ઓફિસર અસ્મા શેખ હતાં.
દિલ્હી પોલીસના તમામ મહિલા બેન્ડે પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો હતો. પરેડનું નેતૃત્વ બેન્ડ માસ્ટર સબ ઈન્સ્પેક્ટર રૃયાંગુનુંઓ કેન્સે કર્યું હતું. કર્તવ્ય પથ પર પ્રથમ વખત બીએસએફ મહિલા બ્રાસ બેન્ડ અને સીમા સુરક્ષા દળની મહિલા ટૂકડીએ કૂચ કરી હતી.'નારી શક્તિ' દેશની મહિલા શક્તિને દર્શાવી હતી. પ્રથમ વખત સશસ્ત્ર દળોની તબીબી સેવાઓની મહિલા ટૂકડીએ કર્તવ્ય પથ પર કૂચ કરી હતી. તેનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લરે કર્યું હતું. જેમાં આર્મી ડેન્ટલ કોર્પ્સના કેપ્ટન અંબા સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટનન્ટ કંચના અને ભારતીય વાયુસેનાના ફ્લાઈટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયા સામેલ રહ્યા હતાં.
ભારતીય નૌકાદળની ઝાંખીમાં 'નારી શક્તિ' અને 'આત્મનિર્ભરતા' દર્શાવવામાં આવી હતી. તેમાં એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત અને નૌકાદળના જ્હાજો દિલ્હી, કોલકાતા અને શિવાલિક અને કલવરી ક્લાસની સબમરીન પણ દર્શાવવામાં આવી હતી. રાજપૂતાના રાઈફલ્સે પણ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. મદ્રાસ રેજિમેન્ટે પણ કૂચ કરી ભારતીય સેનાની સૌથી જુની ભૂમિદળ રેજિમેન્ટ મદ્રાસ રેજિમેન્ટે પણ કૂચ કરી હતી.
સેનાની ૧૧ ઈલેક્ટ્રોનિક વોરફેર બટાલિયનના લેફ્ટનન્ટ કર્નલ અંકિતા ચૌહાણે ગણતંત્ર દિવસની પરેડમાં મોબાઈલ ડ્રોન જામર સિસ્ટમની ટૂકડીનું નેતૃત્વ કર્યું હતું. તે પછી ચાર એમઆઈ-૧૭ આઈવી હેલિકોપ્ટરે 'ધ્વજ' ફોર્મેશન બનાવી હતી.
કર્તવ્યપથ પર પ્રથમ વખત તમામ મહિલા ટૂકડીએ ટ્રાઈ-સર્વિસ ટૂકડીમાં ભાગ લીધો હતો. અગ્નિવીરે પણ આમાં ભાગ લીધો હતો. અગ્નિવીર ટૂકડીનું નેતૃત્વ કેપ્ટન સંધ્યાએ કર્યું હતું. તેમનું સૂત્ર સેવા અને મદદ છે. મદ્રાસ રેજિમેન્ટના વીર થામ્બિજની ટૂકડીનું નેતૃત્વ કેપ્ટન યશ ડાડલે કર્યું હતું. આ પછી ગઢવાલ રાઈફલ્સ રેજિમેન્ટલ સેન્ટર, ગોરખા ટ્રેનિંગ સેન્ટર અને ગોરખા ટ્રેનિંગ સેન્ટરની સંયુક્ત બેન્ડ ટૂકડીએ કૂચ કરી હતી. પહેલીવાર મહિલા ઓફિસરોએ ત્રણેય સેનાની ટૂકડીનું નેતૃત્વ કર્યું હતું.
કર્તવ્યપથ પર ટી૯૦ ભીષ્મ ટેન્ક ઉતરી હતી જે ત્રીજી પેઢીની મુખ્ય યુદ્ધ ટેન્ક છે અને ૧રપ એમએમ સ્મૂથ બોર ગનથી સજ્જ છે. આ ટેન્ક ચાર પ્રકારના દારૃગોળાના પ્રહાર કરી શકે છે અને પ હજાર મીટરના અંતર સુધી બંદુકથી મિસાઈલ ઝીંકવાની ક્ષમતા પણ ધરાવે છે. ફ્રેન્ચ આર્મીના મ્યુઝિક બેન્ડે પણ પરેડમાં ભાગ લીધો હતો. તેમાં ૩૦ સંગીતકારો હતાં. આ ઉપરાંત ફ્રેન્ચ ફોરેન સેનાની બીજી ઈન્ફન્ટ્રી રેજિમેન્ટની ફ્રેન્ચ માર્ચિંગ ટૂકડી પણ હતી. આકાશમાં બે રાફેલ વિમાનોએ ગર્જના કરી હતી.
૧૪ હજાર જવાનો તૈનાત
દેશમાં ૭પ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેના માટે દિલ્હીના દરેક ખૂણે ચાંપતી નજર રાખવા માટે ૧૪ હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતાં. સ્પેશિયલ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે 'હજારો અતિથિઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ, પીસીઆર વાન અને સ્વોટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.' સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ જણાવ્યું કે, 'વિસ્તારને ર૮ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને દરેક ઝોન પર ડીસીપી અથવા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દેખરેખ રાખવામાં આવશે. દિલ્હી પોલીસે પણ મુલાકાતીઓની સુવિધા માટે ઘણી તૈયારીઓ કરી છે. પોલીસે મહત્ત્વપૂર્ણ સ્થળો પર ગુમ થયેલ લોકો માટે મિસિંગ બુથ, હેલ્પ ડેસ્ક, પ્રાથમિક સારવાર અને વાહનોની ચાવીઓ જમા કરાવવા માટે કેન્દ્રો ઊભા કર્યા છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial