Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય હેમંત ખવા દ્વારા જિલ્લાના જનહિતના પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજુઆત

જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામનગર વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવા ઉપસ્થિત રહૃાા હતા. આ બેઠકમાં તેમણે વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં ચાલતી લાપરવાહી, સરકારી યોજનાઓમાં થતો વિલંબ અને જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી ધારદાર રજૂઆતો કરી હતી. જેમાં મહિલા સ્વાવલંબન યોજનામાં બેંકોની આનાકાની, નવી વેરાવળ ગામના ખેડૂત સાથે બેંકમાં થયેલ સાયબર ફ્રોડ, વિવિધ ગ્રાન્ટના પડતર કામો બાબતે  ધારાસભ્યે આક્રમક રજૂઆત કરી હતી.

પીજીવીસીએલ દ્વારા જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં કયા કયા ફિડરોમાં વીજવાયરો બદલાવવામાં આવ્યા તે અંગે પ્રશ્ન રજૂ કરાયો હતો જેમાં ઘણાં બધા ખેતીવાડી ફિડરોમાં નવા વીજ વાયર નાખવામાં આવ્યા છે તેમજ જ્યાં વીજ વાયરો બદલવાના મંજૂર થઈ ગયા છે પણ કામગીરી બાકી છે ત્યાં તાત્કાલિક ધોરણે વીજ વાયરો બદલવા માટે સુચના અપાઈ હતી. વધુમાં દરેક ફિડરમાં પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. નવી લાઈનોના કામ માટે વારંવાર ટ્રીપિંગ આપી ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના આક્ષેપ સાથે હેમંત ખવાએ છેલ્લા ત્રણ મહિનામાં કયા કયા ફિડરમાં કેટલી વખત ટ્રીપિંગ આપ્યા, કોની માંગણી અન્વયે આપ્યા, માંગણી કરનાર અરજદાર દ્વારા નિયમોનુસાર પૈસા ભરવામાં આવ્યા છે કે નહીં તેવી વિગતો માંગવામાં આવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં સિંચાઇ વિભાગ દ્વારા કેટલા તળાવો અને ચેકડેમો રીપેર કરવામાં આવ્યા તે અંગે પ્રશ્ન રજૂ કરી ખેડૂતહિતમાં સહભાગી થઈ જે તળાવો કે ચેકડેમો રિપેરિંગ કરવાના બાકી છે તે વહેલી તકે મંજૂર કરાવી હકારાત્મક કામગીરી કરવા સુચના અપાઈ હતી. જિલ્લાના અનેક મહત્ત્વના રસ્તાઓના કામો ફોરેસ્ટ ક્લિયરન્સ અને જમીન સંપાદનના કારણે ખોરંભે પડ્યા છે, જે અંગે ધારાસભ્યે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત)ના અધિકારીઓ તથા વન વિભાગના અધિકારીઓને આડે હાથ લીધા હતા. જેમાં ધુનડાથી ટેભડા રોડ, લાલવાડા નેશથી ઉદેપુર સતાપર રોડ, મોટી ભરડથી ભરડકી રોડ, લાલપુરથી ખટિયા અને ખટીયાથી કાલાવડ રોડનો સમાવેશ થાય છે.

લાલપુર તાલુકાના વાવડી ગામે ગૌચર ફાળવવાના પડતર પ્રશ્ન મુદે વિગતવાર ચર્ચા કરી લાલપુર પ્રાંત અધિકારીને ફરીથી મુલાકાત લઈ યોગ્ય કરવા સૂચના અપાઈ હતી. ધારાસભ્યે પશુપાલકોના હિતમાં આનો કોઈ વૈકલ્પિક માર્ગ શોધવા તાકીદ કરી હતી.

શિક્ષણ વિભાગના પ્રશ્ન બાબતે જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં તાલુકાવાર કુલ કેટલા સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યા, કેટલી નવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી તે અંગે પ્રશ્ન ઉપસ્થિત કરી ગામડાઓમાં શાળાઓમાં ભૌતિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જામજોધપુર તાલુકાના કોઠાવિરડી નેશમાં ધોરણ-૬, ૭ અને ૮ માટેની નવી શાળા શરૂ કરવા જિલ્લા શિક્ષણાધિકારીને દરખાસ્ત કરવા સુચના આપી હતી.

મહિલા સ્વાવલંબનની વાતો કરતી સરકારની ગ્રાઉન્ડ લેવલે નબળી કામગીરી ઉઘાડી પડી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હસ્તકની મહિલા સ્વાવલંબન યોજના હેઠળ છેલ્લા એક વર્ષ (૨૦૨૫-૨૦૨૬)માં વહીવટી તંત્ર દ્વારા માત્ર ૭ અરજી જ મંજૂર કરવામાં આવી છે, બેંકો દ્વારા અરજીઓ નામંજૂર કરવા પાછળ સિબિલ રેકોર્ડ લો હોવો, અપૂરતું ટર્નઓવર, અસંતોષકારક ક્રેડિટ ઇતિહાસ અને લોનની રકમ રાઈટ્સ ઓફ હોવા જેવા કારણો આગળ ધરાયા હતા. ગરીબ અને આત્મનિર્ભર બનવા માંગતી મહિલાઓ સક્ષમ બને તે હેતુથી જ આ યોજના અમલમાં આવી છે ત્યારે બેંકો ટેકનિકલ કારણોસર લોકોને હેરાન કરી શકે નહીં. આ બાબતે લિડ બેંક મેનેજરને સીધી સૂચના આપી તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી તેમજ વધુમાં હાલમાં કેસીસી ધિરાણ ચાલુ હોય દરેક બેંકોમાં પીવાના પાણીની વ્યવસ્થા તથા જો બેંકોમાં પૂરતી જગ્યા ના હોય તો મંડપ દ્વારા બહાર છાંયડો કરવાની સૂચના આપવામાં આવી હતી.

નવી વેરાવળ ગામના અરજદાર અરજણ ડાંગરના એસબીઆઈ લાલપુર શાખાના ખાતામાંથી રૂ. ૬૪,૨૦૦/-ની રકમ તેમની જાણ બહાર સાયબર ફ્રોડ દ્વારા ઊપડી ગઈ હતી. સપ્ટેમ્બર-૨૦૨૫ માં લેખિત ફરિયાદ કરવા છતાં બેંક તંત્ર દ્વારા રકમ પરત કરવામાં વિલંબ કરાતો હોવાથી ધારાસભ્યએ લિડ બેંક મેનેજર સામે કડક વલણ અપનાવ્યું હતું. બેંકે આ મામલે તપાસ અધિકારી નિમ્યા હોવાનું જણાવતા ધારાસભ્યએ આરબીઆઈની ગાઈડલાઈન્સ મુજબ ગ્રાહકને તાત્કાલિક સુરક્ષા અને નાણા પરત મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh