Advertisement
Author: નોબત સમાચાર

મોર્નિંગ વોકમાં જતાં વૃદ્ધને બોલેરો પીકઅપ વાનની ઠોકર મૃત્યુઃ ખંઢેરા પાસે અકસ્માતમાં ઘવાયેલા તરૂણનું સારવારમાં મોત

વિજરખી પાસે રિક્ષા સાથે મોટર ટકરાતા એક પરિવારના સાતને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ગઈકાલે બપોરે વિજરખી નજીક એક રિક્ષા સાથે ઈકો મોટર ટકરાઈ પડતા જામનગરના એક પરિવારના સ્ત્રી-પુરૂષ મળી સાત વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. ગયા સોમવારે બપોરે કાલાવડના ખંઢેરાથી હરીપર વચ્ચે બાઈકને મોટરે ઠોકર મારતા ઘવાયેલા તરૂણનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે લાલપુરમાં ગયા શનિવારની સવારે ચાલવા જઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયું છે. ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ થયું છે. અકસ્માત બોલેરો પીકઅપ વાને સર્જયો હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલા મકરાણી પાડામાં વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સોહિલ બશીરભાઈ બ્લોચ પોતાના પત્ની ફીરદોશબેન, પુત્રી આફીયા તેમજ માલીયા, પુત્ર ફરહાન, ફઈ રઝીયાબેન તથા અરવાબેન એજાઝભાઈ સાથે જીજે-૧૦-ટીઝેડ ૫૭૪૧ નંબરની રિક્ષામાં જુનાગઢ ગયા હતા.

ત્યાંથી ગઈકાલે સવારે દરગાહે દર્શન કરી આ પરિવાર જામનગર આવવા માટે રવાના થયો હતો. બપોરે સાડા બારેક વાગ્યે તેઓની રિક્ષા જ્યારે જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ડેમ પાસે પહોંચી ત્યારે સામેથી જીજે-૧૦-ડીઈ ૨૪૯ નંબરની ઈકો મોટર રોંગ સાઈડમાં ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી રિક્ષાને ટક્કર મારી દેતા સોહિલભાઈ સહિતના વ્યક્તિઓ ઈજા પામ્યા છે. જેમાં સોહિલભાઈને બંને પગમાં, છાતીમાં તેમજ આફીયાને હાથ-પગ અને માથામાં, માલીયાને પગમાં ફ્રેક્ચર ઉપરાંત ફરહાનને આંખ પાસે ઈજા અને રઝીયાબેનને હાથ-પગમાં ગંભીર ઈજા થઈ છે. અરવા એજાઝભાઈને ગાલ પાસે ઈજા થઈ છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોહિલભાઈએ ઈકોચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના મેહુલભાઈ (ઉ.વ.૧૭) નામના તરૂણ ગઈ તા.૧૮ની બપોરે સાડા ત્રણેક વાગ્યે ખંઢેરાથી હરીપર ગામ વચ્ચે બાઈક પર જતા હતા ત્યારે તેઓની જીજે-૩-ઈબી ૭૦૬૦ નંબરની બાઈક સાથે જીજે-૧૦-ઈસી ૭૧૨૬ નંબરની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં મેહુલભાઈને ઈજા થઈ હતી. આ તરૂણનું મૃત્યુ નિપજ્યું છે. રાયધનભાઈ ભગાભાઈ પરમારે મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

લાલપુર શહેરમાં અગાઉ વસવાટ કરતા અને હાલમાં રાજકોટમાં રહેતા નરેન્દ્રભાઈ ભાલોડીયા નામના પ્રૌઢના પિતા મેઘજીભાઈ ભાલોડીયા ગયા શનિવારે પોતાના ક્રમ મુજબ સવારે પાંચેક વાગ્યે પોતાના ઘરેથી ચાલવા માટે નીકળી ગોવાણા ચોકડી તરફ જઈ રહ્યા હતા.

આ વૃદ્ધ જ્યારે સાડા પાંચેક વાગ્યે લાલપુરમાં શહીદ ગાર્ડન પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યું બોલેરો પીકઅપ વાન તેઓને ઠોકર મારીને નાસી ગયું હતું. રોડ પર પછડાયેલા મેઘજીભાઈને લાલપુર દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. નરેન્દ્રભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત વાહનના ચાલક સામે ગુન્હો નોંધી હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh